અમદાવાદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
હવે બેંકના ATM દ્વારા લોકોને લૂંટતા ગઠિયાઓ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદમાં એક વ્યક્તિને ATMમાંથી પૈસા નહીં ઉપડતાં તેની પાસે ઉભેલા યુવકે તેને કહ્યું કે, તમે ખોટી પ્રક્રિયા કરો છો, આ રીતે પૈસા ના ઉપડે. તે બાદ પણ પૈસા નહીં ઉપડતાં ફરિયાદી બેંક કર્મચારીને રજૂઆત કરવા ગયાં હતાં. ત્યાં તો ફોન આવ્યો કે તમારુ એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવે છે. ત્યારબાદ ખાતામાંથી 55 હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. જેથી આ વ્યક્તિએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવકે મદદને બહાને ATMનો પીન જાણી લીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠામાં રહેતાં પ્રભુલાલ પંડ્યા લાલદરવાજા ખાતેના હોમગાર્ડ ભવનમાં બોર્ડરવિંગમાં ફરજ બજાવે છે. તેમને પૈસાની જરૂર પડતાં લાલદરવાજા ખાતેના એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડ્યા નહોતા. જેથી તેમની પાસે ઉભેલા એક યુવકે કહ્યું હતું કે, તમે ખોટી પ્રક્રિયા કરો છો, આમ પૈસા ઉપડે નહીં. એમ કરીને તેણે પ્રભુલાલનો એટીએમનો પીન નંબર જાણી લીધો હતો. બાદમાં પણ પૈસા નહીં ઉપડતાં પ્રભુલાલ બેંકમાં કર્મચારીને રજૂઆત કરવા ગયાં હતાં.
પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
આ સમયે કોમ્પ્યુટરમાં ચેક કરતાં હતાં, તે સમયે જ પ્રભુલાલને ફોન આવ્યો હતો કે, તમારૂ એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવે છે. જેથી તેમણે કાર્ડ કેવી રીતે બ્લોક થયું તે કર્મચારીને પૂછતાં તેમણે તપાસ કરીને કહ્યું કે, આ એટીએમ કાર્ડ તમારૂ નહીં પણ કોઈ બીજાનું છે. તમારા ખાતામાંથી કોઈએ તમારા એટીએમથી 55 હજાર ઉપાડી લીધા છે. પ્રભુલાલે બેંકની પાસબુકમાં એન્ટ્રી કરાવતાં કોઈએ અલગ અલગ જગ્યાએથી પૈસા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રભુલાલે આ અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.