- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- Smugglers Broke Into A Closed Bungalow In Front Of Valsad Collector’s Office, Stole Valuables Worth 5.66 Lakh Including Gold And Silver Jewellery.
વલસાડ19 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ શહેરના કલેક્ટર કચેરી સામે આવેલા સુપર હાઉસ નામના બંધ બંગ્લાના રસોડાના લાકડાના દરવાજામાં બાકોરું પાડી અજાણ્યા તસ્કરોએ બંગ્લામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં લાકડાના કબાટમાં મુકેલ સોના-ચાંદીના ઘરેણાં અને પરિણીતાએ નાનપણથી ભેગા કરેલા 2.30 લાખ મળી કુલ 5.66 લાખના મુદ્દામાલની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા. પરિવાર ઘરે આવતા ઘટનાની જાણ થતાં તાત્કાલિક બનાવ અંગે વલસાડ સીટી પોલીસને બનાવની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેરમાં કલેક્ટર કચેરી સામે આવેલા જલારામ મંદિર ક્રોસ રોડ ઉપર સુપર હાઉસ નામના બંગ્લામાં 52 વર્ષીય સંજીવભાઈ અશોકભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. સંજીવભાઈ તેમની પત્ની સાથે બીલીમોરા ખાતે ગયા હતા અને દીકરો અને તેની પત્ની મુંબઇ ખાતે ગયા હતા. બંગ્લો 14 એપ્રિલથી બંધ હતો. આ બંગ્લામાં આવેલા રસોડાના લાકડાના દરવાજામાં બાકોરું પાડી અજાણ્યા ચોર ઈસમોએ બંગ્લામાં પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ બેડરૂમમાં આવેલા લાકડાના કબાટમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા ઉપર હાથ ફેરો કર્યો હતો. બંગ્લામાં અનેક ઇલોકટ્રોનિક કિંમતી વસ્તુઓ પડી હતી. તે તમામ વસ્તુઓ સુરક્ષિત રહી હતી. ત્યારે આજરોજ મુંબઈથી પરત ફરેલા દંપતીએ બંગ્લામાં આવતા રસોડાનો દરવાજો તૂટેલી હાલતમાં જોયો હતો. ત્યારબાદ બંગ્લામાં ચેક કરતા નવદંપતિના બેડરૂમમાં આવેલા લાકડાના કબાટમાં ચેક કરતા લગ્નમાં ગિફ્ટમાં મળેલા સોના-ચાંદીના ઘરેણાઓ અને પરિણીતાએ નાનપણથી ભેગા કરેલા રોકડા રૂ. 2.30 લાખ અને કુલ 62.50 ગ્રામ સોના ચાંદીના ઘરેણાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આપેલી ચાંદીની સંસદની પ્રતિકૃતિ વાળી લગડી સહિત કુલ 5.66 લાખની ચોરી થઈ હતી. પરિવારના સભ્યોએ તાત્કાલિક ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને કરવામાં આવી હતી. સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી FSL અને LCBની ટીમની મદદ લઈને બંગ્લામાં થયેલી તસ્કરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યો છે.

વલસાડ સીટી, LCBની અલગ અલગ ટીમો દ્વારા બંગ્લાની આજુબાજુના વિસ્તારમાં આવેલ CCTV અને ખાનગી બાતમીદારોની મદદ મેળવી શંકાસ્પદ ગતિવિધિ કરતા ઈસમો અંગે માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.



