દીકરો, દીકરી અને ભાણેજના લગ્ન માટે પરિવારે પૈસા ભેગા કર્યા, ધોળે દિવસે તિજોરીમાંથી 6 લાખ લઇ કરી ચોરો ફરાર | 6 lakh cash kept at home to buy gold and silver jewelery for son, daughter and nephew's wedding stolen in Vadodara | Times Of Ahmedabad

વડોદરા34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાછળ રહેતા અને સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારીએ દીકરી, દીકરો અને ભાણેજ લગ્ન માટે સોના-ચાંદીના દાગીના બનાવવા પોતાના ધંધામાંથી બચાવેલી રકમ અને બે મિત્રો પાસેથી લીધેલી રકમ મળી રૂપિયા 6 લાખ ઘરની તિજોરીમાં મૂક્યા હતા. ઘરની તિજોરીમાં રૂપિયા 6 લાખ મૂકી વેપારી પોતાના ભાણેજને દુકાન ઉપર બેસાડી પરિવાર સાથે વતન રાજસ્થાન કુળદેવીના દર્શન કરવા માટે ગયા હતા. આ સમય દરમિયાન કોઈ શખ્સ તેઓના મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી રૂપિયા 6 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

મિત્રો પાસેથી 3 લાખ લીધા હતા
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે શહેરના સરદાર એસ્ટેટ પાછળ આવેલી 208, લક્ષ્મીનગર સોસાયટીમાં 42 વર્ષીય પ્રધાનભાઇ હેમાભાઇ વણઝારા પરિવાર સાથે રહે છે. આગામી તા. 10-5-2023ના રોજ તેમના પુત્ર જિતેન્દ્ર, દીકરી પાયલ તેમજ ભાણેજ રાકેશ કાંતિભાઇ વણઝારાના લગ્ન લીધા હતા. આથી તેઓએ ત્રણેયના લગ્ન માટે સોના-ચાંદીના દાગીના બનાવવા માટે પોતાના ધંધામાંથી બચત કરેલા રૂપિયા 3 લાખ, મિત્ર દાણાભાઇ ભરવાડ પાસેથી રૂપિયા 2 લાખ અને ખીમાભાઇ ભરવાડ પાસેથી રૂપિયા 1 લાખ મળી કુલ્લે રૂપિયા 6 લાખ રોકડ ભેગી કરી. તા. 30-3-023ના રોજ ઘરની તિજોરીમાં મૂકી હતી.

પુત્રની બાધા કરવા ગયા હતા
તા.30-3-023ના રોજ બપોરના સમયે પ્રધાનભાઇ વણઝારાએ તિજોરીમાં રૂપિયા 6 લાખ મૂક્યા હતા. તિજોરીનું લોક બગડેલું હોવાથી તિજોરીને લોક માર્યું ન હતું અને પુત્ર જિતેન્દ્રની ધાર્મિક બાધા હોવાથી સાંજના 5 કલાકે પરિવાર સાથે પોતાની કાર લઇ રાજસ્થાન દર્શન કરવા માટે નીકળી ગયા હતા અને સ્ક્રેપની દુકાનની જવાબદારી ભાણેજ રાકેશને સોંપી હતી. ભાણેજ રાકેશ દરરોજ સવારે દુકાને જતો હતો અને રાત્રે પરત ઘરે આવતો હતો.

વતન ગયેલું પરિવાર મોડી રાતે પરત
તા. 3-4-023ના રોજ ઘરે ધંધાની દેખભાળ માટે રોકાયેલ ભાણેજ રાકેશ વણઝારાએ મામા પ્રધાનભાઇને ફોન કરીને જણાવ્યું કે, આપણા ઘરમાં ચોરી થઇ છે. તમે તિજોરીમાં મુકેલ રોકડ રૂપિયા 6 લાખ કોઈ ચોરી કરી ગયું છે અને મેં આ ઘટના અંગે પોલીસને જાણ કરી દીધી છે. મામાએ ભાણેજ આપેલા સમાચાર સાંભળતા જ પોતાના વતનથી વડોદરા આવવા રવાના થઇ ગયા હતા અને મોડી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા.

બપોરથી રાત સુધીમાં ચોરીની ઘટના ઘટી
મામા પ્રધાનભાઇ વણઝારાએ ભાણેજ રાકેશને ઘરમાંથી 6 લાખ રોકડની થયેલી ચોરી અંગે પૂછતા ભાણેજ રાકેશે જણાવ્યું કે, તા.3-4-023ના રોજ બપોરના સમયે ઘરે જમવા માટે આવ્યો હતો અને જમીને તરત જ દુકાને જતો રહ્યો હતો અને રાત્રે 9 વાગે ઘરે પરત આવ્યો હતો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આથી મેં બાજુમાં રહેતા ભરતભાઇની અગાશીમાંથી આપણી અગાશીમાં આવી ઘરમાં ગયો હતો અને ઘરમાં જઇને જોતા તિજોરી ખૂલ્લી હતી અને તિજોરીમાં મૂકેલા રૂપિયા 6 લાખ જણાઇ આવ્યા ન હતા અને તુરંત જ તમોને ફોન કર્યો હતો.

તસ્કરો બાકોરામાંથી ઘૂસ્યાની શંકા
દીકરો, દીકરી અને ભાણેજના લગ્ન માટે દાગીના બનાવવા માટે ઘરમાં મૂકેલા રૂપિયા 6 લાખ કોઇ શખ્સ ચોરી કરી જતા સ્ક્રેપના વેપારી પ્રધાનભાઇ વણઝારાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેઓએ તેમના પ્રથમ માળે હવા-ઉજાસ માટે રાખેલ બાકોરામાંથી કોઇ ઘરમાં પ્રવેશી ચોરી કરી ગયાની આશંકા વ્યક્ત કરી હતી. બાપોદ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ચોરીના આ બનાવે લક્ષ્મીનગર સોસાયટીમાં ચકચાર જગાવી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم