આણંદ20 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આણંદ શહેર જિલ્લાના 61 કેન્દ્રો પર યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેકટર ડી.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના રાહબરી હેઠળ શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

આણંદ શહેર અને જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 22290 ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 8509 ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી.જ્યારે 13781 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જે મુજબ 60 ટકા જેટલા ઉમેદવારોની ગેરહાજરી નોધાઇ હતી.જોકે હાજર ઉમેદવારો કોઈપણ જાતની ગેરરીતિ વિના અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુચારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.એટલું જ નહિ ઉમેદવારોને હેલ્પ લાઈન દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.હેલ્પ લાઇન ઉપર શનિવારે અને રવિવારે 15 જેટલા કોલ્સ મળ્યા હતા જેનો સુખદ ઉકેલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં 61 કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે આણંદથી અલગ અલગ જિલ્લાઓમાં જતી બસો માં પરીક્ષાર્થીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.બસ મથકે પણ પોલીસ અને ડેપો કર્મચારીઓ ઘ્વારા પરીક્ષા અર્થે આવેલ આવેલ લોકોને બસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.પરીક્ષાર્થીઓ પોતાના ઘરે પરત ફરે ત્યારે અગવડ ના પડે તે માટે ડેપો વિભાગ તમામ સજ્જતા રાખવામા આવી હતી.98 જેટલી બસો ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.