આણંદ2 કલાક પહેલા
- કૉપી લિંક

પેટલાદ શહેરમાં આવેલા ગંજ બજારમાં શુક્રવાર રાત્રિના સમયે બિલ કે કોઈપણ આધાર પુરાવા વગર દિલ્હીથી કન્ટેનરમાં મંગાવેલા રૂપિયા 6.30 લાખના તમાકુના જથ્થા સાથે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા 6.30 લાખનો તમાકુનો જથ્થો તથા કન્ટેનર કિંમત રૂપિયા 10 લાખ મળી કુલે રૂપિયા 16.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનરના ચાલક તથા તમાકુનો જથ્થો મંગાવનારા મહેશ સ્ટોરના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટલાદ કોલેજ ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, પેટલાદ શહેરના ગંજ બજારમાં આવેલ ”મહેશ સ્ટોર” નામની દુકાન આગળ કન્ટેનરમાંથી તમાકુનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ જથ્થો બિલ કે કોઈ આધાર પુરાવા વગરનો હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીને આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટલાદ ગંજ બજારમાં પહોંચી જઈને જોતા ગંજ બજારમાં મહેશ સ્ટોર નામની દુકાન પાસે કન્ટેનરમાં તમાકુનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. જેથી, પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં તમાકુની પડીકીના બોક્સો ભરેલા હતાં. જે બિલ આધાર પુરાવા વગરનો તમાકુનો જથ્થો મળતા પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેની પુછપરછ રકતાં તે નાસિરઅહેમદ સુભાનખાન (ડ્રાઇવર) અને દુકાન માલિક નરેશ મહેશભાઈ સિંધી (રહે. રાધે ડ્રીમ, પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે 100 કાર્ટુન પ્રીમિયમ ઝર્દા, 105 કાર્ટૂન યાની દર્દનાક મોત માર્કાની તમાકુના કાર્ટૂનનો જથ્થો કિંમત રૂ.6.30 લાખનો મુદામાલ કન્ટેનરમાંથી પોલીસે કબ્જે કર્યો હતો. આ અંગે પુછપરછ કરતાં કોઇ બિલ કે આધારપુરાવા મળી આવ્યાં નહતાં. આથી, 6.30 લાખની તમાકુ અને કન્ટેનર મળી કુલ રૂ.16.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ તમાકુનો જથ્થો નરેશ મહેશ સિંધીએ દિલ્હીથી મંગાવ્યો હતો અને આ જથ્થાનું બિલ કે કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે ગુનો નોંધ્યો હતો.