પાંચ વર્ષથી પાકિસ્તાન જેલમાં 666 ભારતીય માછીમારો બંધ, પરિવારની મહિલાઓ અને અગ્રણીઓએ સરકારને વિનંતી કરી | 666 Indian fishermen locked up in Pakistan jails for five years, family women and leaders plead with the government | Times Of Ahmedabad

અમદાવાદ8 કલાક પહેલા

  • કૉપી લિંક

ભારત અને પાકિસ્તાનના દરિયે માછીમાર સાથે જોડાયેલા અનેક માછીમારો ભૂલથી સરહદ ઓળંગી અન્ય દેશની સરહદમાં ઘુસ્યા હોય તો તેમને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે. જો કે, છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં 666 ભારતીય માછીમારો બંધ છે જેમને પવિત્ર રમઝાન મહિનામાં બંને દેશ વાતચીત કરીને મુક્ત કરે તેવી માગણી કરવામાં આવી છે.

666 ભારતીય માછીમારો 2018થી પાકિસ્તાનની જેલમાં બંધ
ગુજરાતમાં દિવ, કોડીનાર, ઓખા, વેરાવળ સહિતના દરિયાકિનારેથી અનેક માછીમારો માછીમારી માટે જાય છે. ઘરથી સેંકડો દૂર રહી વ્યવસાય કરતા માછીમારો ક્યારેક માછલી ના મળતા પાડોશી દેશની સરહદમાં પણ જતા રહે છે, જેમને પાડોશી દેશ દ્વારા પકડીને જેલ હવાલે કરી દેવામાં આવે છે. ભારતના 666 માછીમારો 2018થી પાકિસ્તાનની જેલમાં બંધ છે તો પાકિસ્તાનના 83 માછીમારો ભારતની જેલમાં બંધ છે. આ માછીમારોના પરિવારની મહિલાઓ અને માછીમારોના અગ્રણીઓ આજે અમદાવાદ આવ્યા હતા અને તમામે તેમના પરિવારના સભ્યો જે પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા સરકારને વિનંતી કરી છે.

અશ્રુભરી આંખે મહિલાઓની સ્વજનને પરત લાવવા માગ
અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે. બંને દેશનાં સંબંધમાં તિરાડ છે, જેનું પરિણામ માછીમારોએ ભોગવવું પડી રહ્યું છે જેથી રમઝાન મહિનામાં અથવા ઇદના દિવસે બંને દેશોની સહમતીથી માછીમારોને છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 5 વર્ષથી પરિવાર નિરાધાર થઈને પરિવારના મોભી તથા સભ્યની રાહ જોઈ રહ્યા છે. તમામની એક જ માગ છે કે, તેમને કઈ જ નહીં પરંતુ પરિવારનો સભ્ય જોઈએ છે. લોકોના ઘરની સ્થિતિ કફોડી બની છે ત્યારે હવે અશ્રુભરી આંખે મહિલાઓ પોતાના પતિ,પિતા,દીકરા કે અન્ય સ્વજનને પરત લાવવા માગ કરી રહી છે.

5 વર્ષથી માછીમારો જેલમાં છે
માછીમારોના અગ્રણી વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે 5-5 વર્ષથી માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે, તે કેવી સ્થિતિમાં છે? શુ કરે છે? તેનો એક પત્ર કે અવાજ પણ અહીંયા સુધી પહોંચતો નથી. ગયા વર્ષે 4 ખલાસીઓ ત્યાં ગુજરી ગયા હતા, જેમની દોઢ મહિને ડેડબોડી લાંબી પ્રક્રિયા બાદ અહિયા લાવવામાં આવી હતી. માછીમારો સાથે આ જુલમ છે. વર્ષ 2008માં બંને દેશો વચ્ચે નક્કી થયું હતું કે, કોઈ માછીમાર પકડાય તો તપાસ કરી દરિયામાં જ છોડી દેવો, શંકા લાગે તો જેલમાં લઈ જઈ પૂછપરછ કરવી. સરહદ ઓળંગવા 3 મહિનાની સજા કરવી પરંતુ, બંને દેશોમાં સબંધના કારણે આજે 5 વર્ષે માછીમારો જેલમાં છે જેમને ઇદના તહેવારમાં છોડી દેવામાં આવવા તેવી અમારી માગણી છે.

ઇદ નિમિતે વાતચીત કરીને કેદીઓને મુક્ત કરવાની માગ
વાલુબેન સોલંકીએ રડમસ અવાજે જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ મારા બંને દીકરા માછીમારી કરતા પકડાતા પાકિસ્તાનની જેલમાં બંધ છે. અત્યારે અમારો કોઈ આધાર નથી. સરકારને વિનંતી છે કે, મારા બંને દીકરાને પરત લઈ આવે. 5 વર્ષથી દીકરાના સમાચાર નથી. ઘરની સ્થિતિ પણ સારી નથી તો ઇદ નિમિતે વાતચીત કરીને તમામ કેદીઓને મુક્ત કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post