પોરબંદર5 કલાક પહેલા
- કૉપી લિંક

પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા વનાણા ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદરના વનાળા ગામ ખાતે એક સર્પે દેખા દેતા ગામના સરપંચ દ્વારા આ બાબતે વન વિભાગ પોરબંદરને જાણ કરવામાં આવી હતી. જાણ કરવામાં આવતા તાત્કાલિક પોરબંદર વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર મહેન્દ્ર ચૌહાણ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટીની ટીમ વનાણા ગામ ખાતે આવેલી બંધ ઓઇલ મીલમાં પહોંચી ગઈ હતી.

મીલના કંપાઉન્ડમાં અંદાજિત 7 ફૂટની લંબાઈ અને 25થી 30 કિલો જેટલુ વજન ધરાવતા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી અને તેને ફરીથી બરડા ડુંગરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ અજગર સામાન્ય રીતે જોવા મળતા ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિની માદા હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રજાતિમાં નર કરતાં માદાનું વજન અને લંબાઈ પણ વધુ જોવા મળે છે.

હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધતાં અને શિયાળો પૂર્ણ થતા શીત નિંદ્રામાં રહેલા સરીસૃપ કોઈને કોઈ જગ્યાએ આકસ્મિક રીતે પહોંચી જાય છે. આવા સમયે આવા સરીસૃપથી ડરવાને બદલે આ બાબતે વન વિભાગ અથવા અન્ય સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરી તેમનો યોગ્ય સ્થળાંતર કરવું જોઈએ જેથી અમુલ પશુંને પણ કોઈ હાનિ ના પહોંચે અને માનવીને પણ આ સરીસૃપથી કોઈ કનડગત ના ઉદભવે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી, યશ ગોહેલ તથા જેકી અટારા અને વન વિભાગના ફોરેસ્ટર મહેન્દ્ર ચૌહાણ અને મનીષ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.


