ગાંધીનગર23 મિનિટ પહેલા
- કૉપી લિંક
વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગરનાં રાયસણમાં આવેલ ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી ખાતે “આત્મહત્યા નિવારણ” પર યોજાયેલ પરીસંવાદમાં સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટરના સંયોજક સુધીર મંકોડીએ કહ્યું હતું કે, WHO અનુસાર દર વર્ષે આશરે 8 લાખ લોકો આત્મહત્યા કરી મોત વહાલું કરે છે. વૈશ્વિક સ્તરે 15 થી 29 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ખાતે સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટરના સંયોજક સુધીર મંકોડીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા કે, આત્મહત્યા એ એક ગંભીર અને જટિલ જાહેર આરોગ્ય સમસ્યા છે. જે તમામ વય, જાતિ અને પૃષ્ઠભૂમિના લોકોને અસર કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, દર વર્ષે આશરે 8 લાખ લોકો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. વૈશ્વિક સ્તરે 15-29 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે.
ભારતમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, 2021 દરમિયાન દેશમાં કુલ 1,64,033 આત્મહત્યા નોંધાઈ હતી, જે 2020 ની સરખામણીમાં 7.2% નો વધારો દર્શાવે છે.આત્મહત્યા જટિલ અને દુ:ખદ છે પરંતુ તેને અટકાવી શકાય છે. આત્મહત્યા માટેના ચેતવણી ચિહ્નો અને મદદ કેવી રીતે મેળવવી તે જાણવાથી અમુલ્ય માનવજીવન બચાવી શકાય છે. આત્મહત્યાના કારણો જટિલ અને બહુવિધ છે, પરંતુ તણાવ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે હતાશા અને ચિંતા, સૌથી સામાન્ય જોખમી પરિબળોમાંના છે. અન્ય જોખમી પરિબળોમાં આઘાતનો ઇતિહાસ, નશીલા પદાર્થનો દુરુપયોગ, સામાજિક અલગતા, નાણાકીય તણાવ અને સંબંધોની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આત્મહત્યાનું મુખ્ય કારણ સતત તણાવ છે. તણાવ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. સતત તણાવ હેઠળ વ્યક્તિ ડિપ્રેશનની સ્થિતિમાં આવી શકે છે, જે આત્મહત્યાના વિચારો તરફ દોરી જઈ શકે છે. આવી વ્યક્તિ “જીવવાની ઇચ્છા” અને મજબૂત “મરવાની અરજ” વચ્ચે ઝોલા ખાય છે. આ તબક્કે, જો વ્યક્તિ તેની સમસ્યા તેના નજીકના લોકો સાથે શેર કરે, તો આત્મહત્યા અટકાવી શકાય છે. તે જ સમયે, લોકોએ અતિશય તાણ અને આત્મહત્યાના વિચારો જેવા કે અચાનક મૂડ સ્વિંગ, અલગ થવું, ચીડિયાપણું, સતત રડવું, દોષિત લાગણી, ઘણી વખત માફી માંગવી અથવા અચાનક ધાર્મિક બનવું જેવા સંકેત ઓળખવા જોઈએ અને પીડિત વ્યક્તિને મદદ કરવી જોઈએ.
જો આપણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ આસપાસના કલંકને ઘટાડીએ તો સમાજ તરીકે આપણે આ પ્રાપ્ત કરી શકીએ છીએ. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા લોકો ઘણીવાર એકલતા અને શરમ અનુભવે છે. અને લોકો તેમના વિશે શું વિચારશે કે તેમનો બહિષ્કાર કરશે તેવા ડરને કારણે પોતાની સમસ્યા છુપાવે છે અને પરિણામે મદદથી વંચિત રહે છે. આપણે એક સહાયક વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં લોકો તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ ચર્ચા કરી શકે અને ભેદભાવના ભય વિના મદદ લઈ શકે.તેમણે તણાવ ઘટાડવા અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે રમતગમત, લોંગ વોક અને ધ્યાન પર ભાર મૂક્યો હતો. ત્યારે GNLU સેન્ટર ફોર રિસર્ચ ઇન ક્રિમિનલ જસ્ટિસ સાયન્સિસના વડા ડૉ. અંજની સિંહ તોમરે આભાર પ્રસ્તાવ મૂક્યો હતો.
નીચે સૂચિબદ્ધ વર્તનએ સંકેત હોઈ શકે છે કે કોઈ વ્યક્તિ આત્મહત્યા વિશે વિચારી રહી છે.
1)મરવાની ઇચ્છા અથવા પોતાને મારવા ઈચ્છતા વિશે વાત કરવી. 2)ખાલી, નિરાશાજનક અથવા જીવવાનું કોઈ કારણ ન હોવા વિશે વાત કરવી 3)મરવાની કોઈ યોજના બનાવવી અથવા પોતાની જાતને મારી નાખવાની રીત શોધવી, જેમ કે ઓનલાઈન શોધ કરવી, ગોળીઓનો સંગ્રહ કરવો અથવા બંદૂક ખરીદવી 4)જબરદસ્ત અપરાધ અથવા શરમ વિશે વાત કરવી 5)એવી વાત કરવી કે પોતે એવી સમસ્યા માં ફસાયો છે જેનો કોઈ ઉકેલ નથી 6)અન્ય લોકો માટે બોજ હોવાની વાત કરવી 7)આલ્કોહોલ અથવા ડ્રગ્સનો વધુ વખત ઉપયોગ કરવો 8)અત્યંત બેચેન અથવા ઉશ્કેરાટ ભર્યું વર્તન 9)કુટુંબ અને મિત્રો થી અલિપ્ત થઈ જવું 10)ખાવાની કે સુવા ની આદત માં નોંધપાત્ર બદલાવ 11)ગુસ્સો દર્શાવવો અથવા બદલો લેવા વિશે વાત કરવી 12)નોંધપાત્ર જોખમ લેવું જે મૃત્યુ તરફ દોરી શકે છે, જેમ કે અત્યંત ઝડપી ડ્રાઇવિંગ વારંવાર મૃત્યુ વિશે વાત કરવી અથવા વિચારવું 13)અતિશય મૂડ સ્વિંગ દર્શાવવું, અચાનક ખૂબ જ ઉદાસી થી ખૂબ જ શાંત અથવા ખુશ થઈ જવું 14) મહત્વની સંપત્તિ બીજાને આપવી 15)મિત્રો અને પરિવાર ને વિદાય આપવી 16)બધુ ઠેકાણે પાડવું, વસિયતનામું બનાવવા જેવા કામ કરવા