અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટરો- હોદ્દેદારો અને વિપક્ષના નેતા આવતીકાલથી અમેરિકામાં લોસ એન્જેલસ ખાતે યોજાનારા વેસ્ટ એક્સપોના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાના છે. અમેરિકા કાર્યક્રમમાં ભાગ લેવા જવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને આવતીકાલથી તેઓ વિદેશ પ્રવાસ જવાના છે. આ વિદેશ પ્રવાસ માટેનો ખર્ચ 10થી 15 લાખ રૂપિયા જેવો થાય છે. સૂત્રો મુજબ વિદેશ પ્રવાસ માટે ભાજપના કેટલાંક કોર્પોરેટરો મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ પાસે પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટ કંપનીઓ ખર્ચાની ગોઠવણ કરી આપે તેવી માગણી કરી હતી.
કોર્પોરેટરો વેસ્ટ એક્સપોમાં હાજરી આપશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાનાં લોસ એન્જલસમાં વેસ્ટ એક્સપોનાં નામે અમેરિકાનાં વિઝા મેળવી લેવા અને ફરવાનો લાભ લેવા કોર્પોરેશનના હોદ્દેદારો અને કોર્પોરેટરોએ પોતાના ખર્ચે જવા માટેની તૈયારી દર્શાવી હતી અને દરખાસ્તમાં પોતાનું નામ પણ લખાવી દીધું હતું. અમેરિકા જવા આવવા માટેની ટિકિટ અને રહેવા, ખાવા- પીવાનો ખર્ચો પણ જાતે કરવાનો હોવાથી તેનો ખર્ચ અંદાજે 10 થી 15 લાખ રૂપિયા જેટલો થાય છે. જેને પૂર્ણ કરવા માટે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓનો સંપર્ક કરી અને તેઓ કોઈ કંપની પાસેથી ગોઠવણ કરી આપે તેવી આશાએ જવાની તૈયારી દર્શાવી હતી.
અમે કંઈ મદદ કરી શકીએ નહીં – AMC અધિકારીઓ
મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગોમાં અધિકારીઓ પાસે કોર્પોરેટરોએ માંગણી કરી હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કંપનીઓના કોન્ટ્રાક્ટ ચાલે છે અથવા કોન્ટ્રાક્ટ મળવાના છે તે કંપનીઓ આ ખર્ચો ઉપાડી લે તેવી રજૂઆત કરો તો અમે અમેરિકા ફરવા જઈ શકીએ. જો કે, અધિકારીઓએ આ બાબતે અમે કંઈ મદદ કરી શકીએ નહીં તેવું કહેતા ભાજપના કોર્પોરેટરો ભોંઠા પડ્યા હતા અને નિરાશ પણ થયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ આ સમગ્ર અમેરિકા પ્રવાસનો ખર્ચો ઉઠાવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.
આ 8 કોર્પોરેટરો જ જઈ શકશે
અમેરિકા ખાતેના વેસ્ટ એક્સપોમાં ભાગ લેવા માટે શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપુત, સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો વિરાટનગરના કોર્પોરેટર મુકેશ પટેલ, મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગા, સરસપુર રખયાલ વોર્ડના કોર્પોરેટર દીક્ષિત પટેલ, લીગલ કમિટીના ચેરમેન કૌશિક પટેલ, હેલ્થ કમિટીનાં ચેરમેન ભરત પટેલ અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ જશે. ભાજપના વટવા વોર્ડના કોર્પોરેટર જલ્પા પંડ્યાના વિઝા મંજૂર ન થતા તેઓ આ એક્સપોમાં જઈ શક્યા નથી.