અમદાવાદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ જિલ્લાથી ભાવનગરના અધેળાઇ ગામ વચ્ચે ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત ફોર લેન એક્સપ્રેસ વે બની રહ્યો છે. જેને લઈને આજે 14 એપ્રિલથી લઈને આગામી 12 ડિસેમ્બર સુધી 80 કિલોમીટરનો રસ્તો બંધ રહેશે, તે મુદ્દાનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સુધીર પટેલે ગઈકાલે કર્યું હતું. જેને આજે રદ્દ કરી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસ સાંસદે વિરોધ કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, બંધ કરાયેલ રસ્તો અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી અમદાવાદ આવવા માટે સૌથી સરળ અને ટૂંકો રસ્તો છે. 80 કિલોમીટરના રસ્તો બંધ કરવાના નિર્ણયનો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે 80 કિલોમીટરનો રસ્તો 08 મહિના માટે બંધ થવાથી આ રસ્તા પર નાના-મોટા અનેક લોકોના ધંધા-રોજગાર ખોરવાઈ જશે. જે રસ્તા પર ડાયવર્ઝન અપાયું છે ત્યાં નાના નગરો આવેલા છે જયાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે. આ નિર્ણય વિચાર્યા વગર લેવાયો છે. કોન્ટ્રાક્ટરોનાં ફાયદા માટે આ નિર્ણય લેવાયો છે.

રસ્તાની સમાંતર ગામોથી ડાયવર્ઝન આપવો જોઈએ- સાંસદ
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શોર્ટ રૂટથી ઓળખાતા ભાવનગરથી અમદાવાદ જતા રસ્તાને સરકારએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેરવિચારણા કરે તેવી માંગ કરું છું. સરકારે કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. બ્રીજના કામ માટે રસ્તો 9 મહિના સુધી પૂર્ણ બંધ કરી 80 કિલોમીટર સુધીનો લાંબો ડાયવર્ઝન? રસ્તાની સમાંતર આવતાં ગામોમાંથી ડાયવર્ઝન આપવો જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે.