18 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ રેલવે ઓવરબ્રિજ, રિવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફલાય ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ માટેની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં પણ હલકી ગુણવત્તાનું બાંધકામ સામે આવતા બ્રિજ છેલ્લા 8 મહિનાથી બંધ છે. ઝૂલતા પુલની અને હાટકેશ્વર બ્રિજની ઘટના બાદ અમદાવાદના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટની પેનલ નક્કી કરવામાં આવી છે. રિંગ રોડ પર મુમતપુરા બ્રિજના સ્લેબ પડવાની દુર્ઘટના અને ઇન્કમટેક્સ બ્રિજના 5 લેનને લઈ વિવાદમાં આવેલા કન્સલ્ટન્ટની આ પેનલમાં નિમણૂક કરવામાં આવી હોવાને લઈ વિવાદ સામે આવ્યો છે.
કન્સલ્ટન્ટ કંપનીઓના કામગીરી સામે સવાલો ઉભા થયા
ઔડા દ્વારા શહેરના રિંગરોડ ઉપર મુમતપુરા બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટનામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડને હટાવી દેવામાં આવી હતી. તેની જ આ પેનલમાં નિમણૂક કરવામાં આવનાર છે, જેને લઇ અને વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ સ્લેબ તૂટવાની ઘટનામાં જે જવાબદાર કન્સલ્ટન્ટ એજન્સી હતી, તેને દૂર કરી છે. તેને જ હવે શહેરના તમામ બ્રિજોની તપાસ કરવા માટે પેનલમાં મૂકવામાં આવતા સવાલ ઉભા થયા છે. ત્યારે શહેરના આશ્રમરોડ પર બનાવવામાં આવેલો ઇન્કમટેક્સ ઓવર શહેરનો એકમાત્ર પાંચ લેનનો ફ્લાય ઓવરબ્રિજ બન્યો હોવાનું સામે આવ્યું છે.

હાટકેશ્વર બ્રિજ
આ બંને કંપનીઓને હવે બ્રિજના ઇન્સ્પેક્શન માટે નિમણૂક કરી
ઇન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ મુજબ કોઈપણ શહેરમાં ચાર લેનથી વધુ લેનના ફ્લાય ઓવર બ્રિજ હોય નહીં પરંતુ એકમાત્ર ઇન્કમટેક્સ બ્રિજ પાંચ લેનનો છે અને આ બ્રિજના ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ હતા. બંને કન્સલ્ટન્ટ કંપનીઓના કામગીરી સામે સવાલો ઉભા થયા છે. છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ બંને કંપનીઓને હવે બ્રિજના ઇન્સ્પેક્શન માટે નિમણૂક કરી છે, ત્યારે ભાજપના સત્તાધીશો આ પેનલની નિમણૂકને મંજૂરી આપે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

અમદાવાદ શહેરના કુલ 82 બ્રિજનું નિરીક્ષણ અને જાળવણી EOIની મુદત પૂર્ણ થઈ
અમદાવાદમાં જુદા જુદા સમયે બનાવવામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ, રિવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફલાય ઓવરબ્રિજ મળી કુલ 82 બ્રિજનું નિરીક્ષણ અને જાળવણી માટે હાલમાં બ્રિજના ઇન્સ્પેક્શન/મેઇન્ટેનન્સ કન્સલ્ટન્ટના એમપેનલમેન્ટ (EOI)ની મુદત પૂર્ણ થઈ છે. જેથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની ગાઇડલાઇન્સ મુજબ પ્રથમ મુખ્ય ઇન્સ્પેક્શન, બીજું ચોમાસા પહેલાનું ઇન્સ્પેક્શન મે માસમાં તેમજ ચોમાસા પછીનું ઇન્સ્પેક્શન ઓકટોબર માસમાં કરવા તેમજ રિપોર્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરવા માટેની પેનલ નક્કી કરવાની દરખાસ્ત આગામી સોમવારે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકાઈ છે.
બંને કંપનીઓ વગર ટેન્ડરે કન્સલ્ટન્ટ તરીકે નીમવામાં આવશે જેને લઇ અને વિવાદ
તમામ 82 બ્રિજના સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટની એમ-પેનલમેન્ટમાં કામગીરી કરતા કન્સલ્ટન્ટસ તરીકે મલ્ટીમીડીયા કન્સલ્ટન્ટસ પ્રા.લી, કસાડ કન્સલ્ટન્ટસ પ્રા.લી અને c) પંકજ એમ. પટેલ કન્સલ્ટન્ટસ પ્રા.લી.ની નિમણૂક કરવા માટેની દરખાસ્ત મૂકાઈ છે. જોકે મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને કસાડ કન્સલ્ટન્ટ બંને વિવાદમાં આવેલા છે છતાં પણ હવે આ બંને કંપનીઓ વગર ટેન્ડરે કન્સલ્ટન્ટ તરીકે નીમવામાં આવશે જેને લઇ અને વિવાદ સામે આવ્યો છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે અનેક સવાલ ઉભા થયા છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મુખ્ય પુલોના વિગતવાર નિરીક્ષણ
આર.એન્ડ.બી. ડિઝાઈન સર્કલ, ગુજરાતના મંજૂર થયેલા રૂ.22.10 પ્રતિ ચો.મી. (સ્ટેજ-1 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મુખ્ય પુલો માટે પ્રારંભિક નિરીક્ષણ માટે કન્સલ્ટન્સી સર્વિસ ચાર્જ)ના ભાવો મુજબ તથા રૂ. 81 પ્રતિ ચો.મી.(સ્ટેજ-2 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મુખ્ય પુલોના વિગતવાર નિરીક્ષણ અને NDT પરીક્ષણ માટે કન્સલ્ટન્સી સર્વિસ ચાર્જ) ના ભાવો મુજબ તેમજ રૂ. 302 પ્રતિ ચો.મી. (સ્ટેજ-3 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મુખ્ય પુલોને મજબૂત કરવા માટે ડીપીઆર તૈયારી માટે કન્સલ્ટન્સી સર્વિસ ચાર્જ) મુજબ કામગીરી કરાવવાની આ દરખાસ્ત મૂકાઈ છે.