ગાંધીનગર9 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંધીનગર શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લાનાં દબાણોનો રાફડો ફાટી નિકળ્યો છે. એવામાં મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનેટરી શાખાની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં અને ગંદકી ફેલાવતા કુલ 85 એકમો સામે કડક કાર્યવાહી કરીને 36 હજાર 500 દંડ વસૂલવામાં આવ્યો છે. અચાનક મનપાની ટીમે શહેરી વિસ્તારમાં એક પછી એક લારી ગલ્લા સહિતની દુકાનો સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર લારી ગલ્લાનાં દબાણોનાં કારણે ટ્રાફિક અને ગંદકીની સમસ્યાએ માઝા મૂકી દીધી છે. શહેરમાં તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે ઓટલા અને બાંકડા મૂકવામાં આવ્યા છે. પરંતુ આ ઓટલા – બાંકડાની સુવિધા કોર્પોરેશન તંત્ર માટે માથાના દુઃખાવા રૂપ બની હોવાનો ઘાટ ઘડાયો છે. કેમકે મોટાભાગે ઓટલા – બાંકડા પર ગેરકાયદેસર લારી ગલ્લા ધારકોએ કબ્જો જમાવી દીધો હોવાથી ટ્રાફિક, ગંદકી સહીતની સમસ્યાઓ વકરી રહી છે.

આ સમસ્યાના નિરાકરણ માટે દબાણ શાખા દ્વારા છાશવારે કાર્યવાહી કરવામાં આવતી રહે છે. પરંતુ દબાણ તંત્રની ઢીલી નીતિના કારણે થોડા દિવસમાં જેતે સ્થિતિમાં દબાણો ઉભા થઈ જતાં હોય છે. ત્યારે કોર્પોરેશન તંત્રની સેનેટરી શાખાની ટીમે સપાટો બોલાવી દઈ પ્લાસ્ટિકના ઉપયોગ કરતાં અને ગંદકી કરતાં એકમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનાં મિશન અંતર્ગત ગાંધીનગર મનપા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે. એન. વાઘેલાની સૂચનાથી ડે. કમિશનર કેયૂર જેઠવાની આગેવાનીમાં સેનિટેશન શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો તેમજ ગંદકી કરતા એકમો જેવા કે લારીગલ્લા, ચાની કિટલી વગેરે સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.
સેનિટેશન શાખાની ટીમ દ્વારા શહેરમાં ગંદકી કરતા 50 કોમર્શિયલ એકમો પાસેથી રૂ. 13 હજાર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા 35 એકમો પાસેથી 23 હજાર 500 નો વહિવટી ચાર્જ તરીકે વસૂલવામાં આવ્યા છે.આ અંગે કમિશનરે જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવામાં નાગરિકોની સહભાગીતા આવકારદાયક છે. આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવની કાર્યવાહી ચાલું રાખવામાં આવશે અને ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.