જામનગર જિલ્લામાં 897 વર્ગખંડોમાં 26 હજારથી વધુ ઉમનેદવારો પરીક્ષા આપશે, અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી | More than 26 thousand candidates will appear in 897 classrooms in Jamnagar district, officials assigned different responsibilities | Times Of Ahmedabad

જામનગર3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

જામનગર મા તા. 9મી એપ્રિલના લેવાનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ છે, આ માટે ક્લેક્ટર બી.એ. શાહની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરાઈ છે. જામનગર શહેર અને તાલુકામાં કુલ 80 શાળા અને કોલેજોમાં 26,882 ઉમેદવારો પરીક્ષા આપશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.9-4-2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર બી. એ. શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા શિક્ષણાધિકારી સાથેની જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ 80 શાળા અને કોલેજોના 95 યુનિટના 897 વર્ગ ખંડોમાં કુલ 26,882 ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

આ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ઉપર કેન્દ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા તરીકે 1948 સ્ટાફ ફરજ બજાવશે. તેમજ દરેક કેન્દ્ર ઉપર બોર્ડ પ્રતિનીધિ, સીસીટીવી ઓબ્ઝર્વર અને સીસીટીવી સંચાલક તરીકે 300 થી વધુ સ્ટાફને મૂકેલ છે. પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે ડાયરેક્ટર ડીઆરડીએને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને 6 તાલુકાના મામલતદારોને તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલ છે. ઉપરાંત 17 ફ્લાઈંગ સ્ક્વોર્ડ બનાવેલ છે જેમાં મહેસૂલ, પંચાયત સહીત અન્ય વિભાગના વર્ગ-1,2કક્ષાના 17 અધિકારી અને 34 કર્મચારીઓ અને હથીયારધારી પોલીસ મૂકેલ છે. જેઓ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચાંપતી નજર રાખશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ રાખવામાં આવેલ છે. ઉપરાંત પરીક્ષાલક્ષી તમામ કામગીરી સીસીટીવી, વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવનાર છે.

પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથીયારધારી પોલીસ,એઆરપીની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૃમમાં મૂકવામાં આવશે. આ સાહિત્યને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે 31 રૂટ તૈયાર કરેલ છે. જેમાં વર્ગ-1,2 કક્ષાના અધિકારી સાથે એક આસીસ્ટન્ટ, હથીયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મૂકેલ છે.

પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવણી માટે એસ.પી. પ્રેમસુખ ડેલુ ના નેતૃત્વ હેઠળ 3 ડીવાયએસપી, 24 પીઆઈ,પીએસઆઈ, પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોની ચકાસણી અને કેન્દ્ર બહાર બંદોબસ્ત તથા પેટ્રોલીંગ માટે 494 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહીલા કોન્સ્ટેબલ અને 160 હોમગાર્ડ,ટીઆરબી મળીને કુલ 682 પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.

ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અનઅધિકૃત સાહિત્ય લઈ જવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેંદ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, પરીક્ષા કેંદ્રની આસપાસ એકઠા થવા ઉપર પ્રતિબંધ, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ માટેના જાહેરનામા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ વિભાગને સુચના આપેલ છે અને અન્ય જિલ્લાના ઉમેદવારોને જામનગર મુકામે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અને પરત જવામાં કોઈ અગવડ ના પડે તે માટે એસ.ટી. વિભાગને વધારાની બસો ગોઠવવા સુચના આપેલ છે. તમામ પરીક્ષા સ્ટાફને જિલ્લા મથકે તા.31 માર્ચના રોજ સઘન તાલીમ આપવામાં આવી તેમજ તા.6 અપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં બાયસેગના માધ્યમથી ઓનલાઈન સંયુક્ત તાલીમ આપવામાં આવનાર છે.

તા.31 માર્ચથી લઈને પરીક્ષા દિવસ તા. 9મી એપ્રિલ સુધી જિલ્લા પંચાયત મથક ઉપર હેલ્પલાઈન સેન્ટર નં. 0288-672466 શરૃ કરેલ છે. જેના થકી ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેસૂલ, પંચાયત અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સજ્જ થયેલ છે અને જિલ્લા કક્ષાએથી પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે. આ તકે ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ ઘડવામાં આવ્યો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post