કચ્છ (ભુજ )9 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
ગુજરાત રાજયમાં બાળલગ્ન અટકાયત બાબતની કાર્યવાહીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં આ વર્ષે અગ્રેસર રહ્યો છે. જાન્યુઆરી 2022થી માર્ચ- 2023 અંતીત કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની કલમ-13(5) અન્વયે બાળલગ્ન અટકાયતી બાબતે કે બંઘ રાખવા કેટલીક વઘારાની સત્તાઓ હેઠળ વહીવટીતંત્રે સમૂહ લગ્નોમાં થનારા 98 બાળલગ્ન અટકાવ્યાં હતા તેમજ અન્ય બે કેસમાં ફોજદારી ફરીયાદ તેમજ મનાઇહુકમ મેળવીને કાર્યવાહી કરી હતી.
જિલ્લામાં સમૂહ લગ્નોમાં બાળલગ્નની ફરીયાદ અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન તળે અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને સમૂહલગ્નમાં થનાર બાળલગ્નોની ફરિયાદ બાબતે આયોજકો સાથે બાળલગ્ન ન કરવા બાબતે બેઠક કરી કાયદાની જરૂરી સમજો આપી તથા ન્યૂનતમ જરૂરી વગનો ઉપયોગ કરી અને કુલ-302 સમૂહ લગ્નોના પાત્રો પૈકી કુલ-98 બાળલગ્ન હોવાનું જાણવા મળતા આયોજકો દ્વારા જ વહીવટી તંત્રના પ્રયાસથી ઉંમરલાયકના લગ્ન યોજવા નકકી કરવામાં આવ્યું હતું. જયારે કુલ 204 એવા હતા જેમની ઉમર કાયદાની જોગવાઇ મુજબ છોકરાની 21 વર્ષ પૂર્ણ અને છોકરીની 18 વર્ષ પૂર્ણ કરેલી હોય તેના જ આયોજકો દ્વારા લગ્ન કરાવાયા હતા. આ કામગીરી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી, બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા સંકલિત અભિગમથી કરવામાં હતી. ઉપરાંત લગ્નો સિવાય એક બાળલગ્ન થયા બાદ ફરીયાદ મળતા તેમના વિરુધ્ધ ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં પણ આવી હતી. તો એક બાળલગ્ન થવાના હોવાની ફરિયાદ મળતા વહીવટી તંત્ર દ્વારા બાળલગ્ન ન થાય તે માટે મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હતો.
બાળલગ્ન પ્રતિબંધક અઘિનિયમ 2006ની જોગવાઇ મુજબ છોકરાની ઉમર 21 વર્ષ અને છોકરીની ઉમર 18 વર્ષ પૂર્ણ ન કરેલી હોય તેવા લગ્નોમાં હાજર રહેનાર તમામ બન્ને પક્ષના પક્ષકારો, લગ્નની વિધિ કરનાર ગોર મહારાજ/મૌલાના, મંડપવાળા, કેટરીંગવાળા, ડી.જે. કે બેન્ડવાળા, લગ્ન કંકોત્રી છાપનાર વગેરેને બે વર્ષ સુધીની સજાની તથા એક લાખ સુધિના દંડની જોગવાઈ છે.