'હેલ્થ ફોર ઓલ'ની થીમ સાથે ડિજિટલ ઈન્ડિયામાં આભા કાર્ડ કેન્દ્ર સરકારની નવી પહેલ | Aabha Card is a new initiative of Central Government in Digital India with the theme of 'Health for All' | Times Of Ahmedabad

વલસાડ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના કોઈપણ ખૂણાં તમે ફરવા ગયા હોય અને એ વેળા તમને અચાનક હ્રદય રોગનો હુમલો કે પછી ચક્કર આવીને બેભાન થઈ જવુ કે પછી આરોગ્યને લગતા અન્ય કોઈ પણ આક્સ્મિક સંજોગો ઉભા થાય તો તે સમયે તાત્કાલિક સારવાર અર્થે તમારી મેડિકલ હિસ્ટ્રી સહિતની માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે. આ સિવાય ડોકટર પાસે રૂટિન ચેકઅપ માટે જાવ ત્યારે પણ તમામ રેકર્ડ સાથેની ફાઈલ લઈ જવી અને વર્ષો સુધી સાચવવી જરૂરી છે. આ તમામ મુશ્કલીઓને અંત લાવવા માટે ભારત સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં દેશના તમામ નાગરિકોને પેપર લેસ આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે માટે ABHA (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ) કાર્ડ અમલી બનાવાયા છે. જેના થકી માત્ર એક ક્લિક પર મેડિકલને લગતી તમામ વિગતો ડોક્ટરને તાત્કાલિક મળી જશે. આજે તા. 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં હેલ્થ ફોર ઓલની થીમ સાથે વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી થશે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જન જનના આરોગ્યની સુવિધા સાથે કરાયેલી આભા કાર્ડની આ પહેલ સ્તુત્ય પગલુ લેખાશે.

પ્રાચીન ગ્રંથ યજુર્વેદમાં “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ” અર્થાત સૌ સુખી થાય, સૌ નિરોગી રહે…આ જ શ્લોકને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખરા અર્થ સાર્થક કરી બતાવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત અભિયાન હેઠળ રૂ. 5 લાખ સુધીની નિઃશૂલ્ક સારવાર, જનઔષધિ કેન્દ્રો, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસીસ કાર્યક્રમ, ગામડે ગામડે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સરકારી દવાખાનાઓ ખાનગી હોસ્પિટલોને ટક્કર મારે તેવા ટેક્નોલોજી અને સુવિધાયુક્ત બનાવી આરોગ્ય ક્ષેત્રે કાયાપલટ કરી નાંખી છે ત્યારે આજના સમયમાં આંગળીના ટેરવે એક જ ક્ષણમાં આરોગ્યને લગતી તમામ માહિતી મળી જાય તે માટે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ભારત સરકારે તા. 27 સપ્ટેમ્બર 2021ના રોજ આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી હતી. જે મિશનનો ધ્યેય દેશના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો છે. જે તબીબી રેકોર્ડસ સુધી સરળતાથી પહોંચાડવા માટેની સુવિધા આપશે. જે અંતર્ગત તમામ લોકોના 14 અંકના ABHA (આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ) કાર્ડ બનાવાય રહ્યા છે. જે દરેક નાગરિકો માટે ઉપયોગી બનશે. ડોક્ટર પાસે ચેકઅપ માટે જઈએ ત્યારે સારવાર માટે મેડિકલ હિસ્ટ્રી ખૂબ જ ઉપયોગી હોય છે પરંતુ ભૂતકાળના તમામ તબીબી રિપોર્ટસ સાથે રાખવવાનું અને તેને વર્ષો સુધી સાચવવુ મુશ્કેલ હોય છે. આવા સમયે આભા કાર્ડ ઉપયોગી બને છે. જેમાં દર્દીના તમામ ડેટા સંગ્રહિત કરવામાં આવે છે. હવે તમામ રેકર્ડ સાચવવાની જરૂર નહી પડે માત્ર પોતાનો 14 અંકનો હેલ્થ એકાઉન્ટ નંબર જ યાદ રાખવો જરૂરી છે. જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાં કરી શકાય છે. વલસાડ જિલ્લામાં 2.80 લાખના લક્ષ્યાંક સામે માત્ર 100 દિવસમાં 2,95,227 લોકોના આભા કાર્ડ આરોગ્ય શાખા દ્વારા બનાવી દેવામાં આવ્યા છે. જેના થકી હવે દર્દીને સારવાર મેળવવામાં સરળતા પડશે.

આભા કાર્ડ કેવી રીતે બનાવી શકાય?
આરોગ્ય ખાતાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) બિન ચેપી રોગોનું સ્ક્રીનીંગ કરે ત્યારે આભા કાર્ડ બનાવી આપે છે. ફિમેલ હેલ્થ વર્કર TECHO (Technology Enabled Community Health Operation) એપ્લિકેશનમાં એન્ટ્રી કરીને બનાવી આપે છે. આ સિવાય આરોગ્ય કેન્દ્રો પર ક્યુઆર કોડ સ્કેન કરીને અને PMJY કાર્ડ બનાવતી વખતે સાથે આભા કાર્ડ પણ બનાવવામાં આવે છે. આભા કાર્ડ બનાવવા માટે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબરની માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે જરૂર પડે છે. આભા હેલ્થ કાર્ડ ઓનલાઈન મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ (www.healthid.ndhm.gov.in) દ્વારા અને આભા મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ બનાવી શકાય છે.

દર્દીના ડેટા હોસ્પિટલ કે દવાખાનાના સંચાલકોએ આભા કાર્ડમાં સ્ટોર કરવાના રહેશેઃ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી
વલસાડ જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે જણાવ્યું કે, તમે બહારગામ ગયા હોય અને અચાનક છાતીમાં દુખાવો થાય તો તેવા સમયે નજીકની હોસ્પિટલમાં સારવાર સમયે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ ઉપયોગી બનેશે. આભા કાર્ડ ખોલે એટલે વ્યક્તિની અગાઉની કોઈ સર્જરી હોય, કોઈ દવાથી એલર્જી હોય, હાલમાં કઈ દવા ચાલી રહી છે, અગાઉ PMJY યોજનાનો લાભ લીધો છે કે કેમ? બ્લડ ટેસ્ટ રિપોર્ટ, ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન, સિટી સ્કેન અને MRI રિપોર્ટ અને હોસ્પિટલ ડિસ્ચાર્જ સમરી સહિત તમામ માહિતી તત્કાળ મળી જાય છે. જે મુજબ યોગ્ય સારવાર મળી શકે છે. દર્દીના આ તમામ ડેટા જે તે હોસ્પિટલ કે દવાખાનાના સંચાલકોએ દર્દીના આભા કાર્ડમાં સ્ટોર કરવાના રહેશે. હવે સારવાર વેળા મેડિકલ રિપોર્ટ શોધવાની કે ફાઈલ સાથે લઈને ફરવાની જંજટમાંથી મુક્તિ મળશે. આભા કાર્ડથી ડોકટરને પોતાના રિપોર્ટ પણ શેર કરી સારવાર મેળવી શકાય છે.

દેશમાં ડિજિટલ હેલ્થ ઈકો સિસ્ટમ ઉભી કરવામાં આવી છેઃ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે જણાવ્યું કે, જીવનમાં આરોગ્ય તમામ પ્રકારની સફળતા અને સમૃધ્ધિનો પાયો છે. એટલે જ હેલ્થ ઈઝ વેલ્થ કહેવાય છે. તમામ દેશવાસીઓ તંદુરસ્ત હશે તો આપણો દેશ તંદુરસ્ત હશે. જેથી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ડિજિટલ હેલ્થ ઈકો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં આભા કાર્ડ મહત્વની પહેલ છે. જે વ્યક્તિની મજબૂત અને વિશ્વાસપાત્ર ઓળખ પ્રસ્થાપિત કરે છે. આભા કાર્ડથી સરકારના જાહેર આરોગ્ય કાર્યક્રમો અને વીમા યોજનાની સુવિધા પણ મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post