અમદાવાદ20 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત રાજ્ય સરકારમા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક અલગ રાજ્યની માગ કરવામાં આવી છે. ધારાસભ્યની આ માગ ખરેખર ગુજરાતના જ નહીં પરંતુ, સમગ્ર દેશના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડતી માગ છે, તેવો ABVP દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ‘ભાગલા પાડો અને રાજ કરો’ની અંગ્રેજોની નીતીનું ક્યાંક ને ક્યાંક અનુકરણ થતું હોય તેવુ લાગી રહ્યું છે.
ધારાસભ્યની માગનો ABVPએ વિરોધ કર્યો
ABVPનો આક્ષેપ છે કે, ‘પંજાબમાં જ્યાં સરકાર હાલ આમ આદમી પાર્ટીની છે ત્યાં જે પ્રકારે ખાલિસ્તાની સંગઠનોએ ગતિ પકડી છે, તે દર્શાવે છે કે જ્યાં-જ્યાં આમ આદમી પાર્ટી છે, ત્યાં-ત્યાં ભારતના ભાગલા કરવાની રણનીતિ અપનાવામાં આવી રહી છે. આવી માનસિકતા ધરાવતા લોકો અને સંગઠનોની ABVP કઠોર શબ્દોમાં નિંદા કરે છે તથા આ માગ સામે વિરોધ નોંધાવે છે.’
જનજાતિ વિસ્તારના લોકોને ખોટા રસ્તે દોરશો નહી
ABVPના ગુજરાત પ્રદેશ મંત્રી યુતિ ગજરે જણાવ્યુ હતું કે, ‘જનજાતિ વિસ્તારમાંથી ચુંટાઈને આવતા જન પ્રતિનિધિ ચૈતર વસાવાની જવાબદારી જનજાતિ પ્રદેશ લોકોના વિકાસ અને એક્તા માટેની હોવી જોઈએ ન કે ભાગલા પાડવાની. સમાજમાં આજે જનજાતિ વર્ગને દરેક દિશામાં પ્રોત્સાહિત કરવાના તમામ કાર્યો અને પ્રયત્નો થઈ રહ્યા છે. આજે સમગ્ર ભારત દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન જનજાતિ મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સમગ્ર જનજાતિ સમાજ માટે ગર્વની બાબત છે. આથી, જનજાતિ વિસ્તારના લોકોને ખોટા રસ્તે દોરવા તેમજ તેઓના મનમાં ખોટી બાબતોને ભરવાનું કાર્ય એ ઘણી જ નિંદનીય બાબત છે.’