રાજકોટ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે “સેવા, સદાચાર,સમૃધ્ધિ”નાં સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે “શ્રમયોગી આરોગ્ય સંજીવની રથ” આજરોજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ખાતે ફાળવવામાં આવ્યો હતો. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોની હાજરીમાં આ મોબાઈલ મેડીકલ વાનનું રિબન કાપી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ પટેલએ સ્વાસ્થ્ય અને આરોગ્યની જાળવણી માટે સમયાંતરે આરોગ્ય ચકાસણી કરાવવા આ રથનો મહત્તમ લાભ લેવા શ્રમિકોને અનુરોધ કર્યો હતો.
શાપર-વેરાવળ વિસ્તારમાં કુલ 2 આરોગ્ય રથ કાર્યરત થયા
શ્રમિક આરોગ્ય સંજીવની રથ વિશે ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટએ નાના મોટા સહીત વિશાળ ઔદ્યોગિક એકમોનું હબ છે ત્યારે રાજ્યભર સહીત રાજ્ય બહારથી પણ મોટી સંખ્યમાં શ્રમયોગીઓ રોજીરોટી મેળવવા આવતા હોય છે. ઘણા બધા એકમો અલગ અલગ શિફ્ટમાં 24 કલાક કાર્યરત હોય છે. આવા એકમોમાં કાર્ય કરતાં શ્રમયોગીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે સમયાંતરે આરોગ્યની ચકાસણી માટે રાજકોટ જિલ્લામાં 2016 થી એકમાત્ર “શ્રમયોગી આરોગ્ય સંજીવની રથ” કાર્યરત હતો જેના થકી રાજકોટ, મેટોડા, શાપર-વેરાવળ સહિતના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં જઈને સંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરતાં શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવતી હતી. આ સેવામાં વધારો થઈને શાપર – વેરાવળ વિસ્તારમાં વધુ એક રથ મળતા હવે કુલ 2 આરોગ્ય રથ કાર્યરત થતા શ્રમયોગીઓ માટે આ આરોગ્ય રથ આશિર્વાદરૂપ બન્યા છે. આ રથ ઔદ્યોગિક વિસ્તારોમાં 108 ઇમરજન્સી સેવાની જેમ જ મેડિકલ ટીમ સાથે તૈનાત હોય છે.
શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372 સેવાનો લાભ શરૂ કરાઇ
શ્રમિકોની સહાયતા માટે કાર્યરત “શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372” સેવાનો લાભ પણ હાલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન થકી સરકારની શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ધનવંતરી આરોગ્ય રથ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, ગો – ગ્રીન શ્રમિક યોજના, શ્રમિક પરિવહન યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના સહીતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે.
આ મેડીકલ વાન નાના દવાખાનાની ગરજ સારે છે
શ્રમિક આરોગ્ય સંજીવની રથ નક્કી કરેલ દિવસ મુજબ જુદા જુદા ઔદ્યોગિક વિસ્તારોમાં જઈને શ્રમયોગીઓના આરોગ્યની તપાસણી કરી આપે છે. આ મેડીકલ વાન નાના દવાખાનાની ગરજ સારે છે, જેમાં ડોક્ટરની ટીમ, લેબોરેટરી કે જેમાં પ્રાથમિક રિપોર્ટ થઈ શકે તેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. શ્રમિકોને તાવ, શરદી, પેટમાં દુખાવો, ગેસ- એસિડિટી, ઝાડા, ઊલટી, નબળાઇ, માથાના દુ:ખાવો સહીતના નાના મોટા રોગોમાં યોગ્ય નિદાન કરી નિ:શુલ્ક દવા પુરી પાડવામાં આવે છે. આકસ્મિક ઇજા સમયે શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી નવજીવન આપવાનું કાર્ય પણ શ્રમિક આરોગ્ય સંજીવની રથ કરે છે. રાજ્ય સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ ખાસ આરોગ્યલક્ષી સેવાનો અત્યાર સુધીમાં 1,92,259 થી વધુ લોકોને લાભ મળ્યો છે.