રાજકોટ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

- રાજકોટમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા સમયે પોલીસ બંદોબસ્ત સાથે 150 કેન્દ્ર સુધી પેપર પહોંચાડાયા, કેન્દ્ર દૂર હોવાથી 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર
એકવાર જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયા બાદ રવિવારે બીજીવાર તેની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થાય એ સૌથી મોટી તંત્રની પરીક્ષા હતી. આથી જ આ વખતે વ્યવસ્થા અને બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર દૂર હોવાથી 50 ટકાથી વધુ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. વધારાની એસટી બસ ફાળવી હોવા છતાં જગ્યા નહિ મળતા ઉમેદવારોએ 200 કિમીની મુસાફરી ઊભા ઊભા કરી હતી. મોબાઈલ કેન્દ્રની બહાર જ રાખવામાં આવ્યા હતા. તેમજ ઉમેદવારની ચલણી નોટ પણ જોવામાં આવી હતી કે એમાં કોઈ લખાણ તો લખ્યું નથી ને?
જુનિયર ક્લાર્કની પરીક્ષાને કારણે રવિવારે રાજકોટ જિલ્લાના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં સવારથી ટ્રાફિક રહ્યો હતો. ઉમેદવાર પોતાની બસ-ટ્રેનના સમયની 30 મિનિટ કરતા વહેલા પહોંચી ગયા હતા. કેન્દ્રમાં સામાન્ય રીતે મોબાઇલ અને બેગ કેન્દ્ર સુધી લઈ જવા દેતા હોય છે, પરંતુ પ્રથમવાર એવું બન્યું હતું કે મોબાઈલ બેગ વગેરે સ્કૂલની બહાર જ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યાં તેનું પાકીટ વગેરે ચેક કર્યું હતું. આમ એક વિદ્યાર્થીને ચેકિંગ કરતા એક મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. ક્લાસની બહાર બૂટ-ચપ્પલ બહાર ઉતારીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યાં મોબાઈલ મૂકવામાં આવ્યા હતા ત્યાં પોલીસ સ્ટાફ તૈનાત રખાયો હતો.
ઉમેદવારનું અલગ અલગ વિષયમાં જ્ઞાન કેવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું
પેપર અપેક્ષા મુજબ જ ઉમેદવાર પાસેથી અલગ અલગ વિષયનું ઊંડાણપૂર્વકનો જ્ઞાન તપાસી લે તેવું હતું. જેમાં મુખ્યત્વે તે બંધારણમાં ધારાકીય કારોબારી અને ન્યાયતંત્ર સંબંધિત સંસદ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલના પ્રશ્નો રહ્યા તે ઉપરાંત છેલ્લી ઘણી પરીક્ષાઓમાંથી એક ટ્રેન્ડ જોવા મળે છે તે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંબંધો બાબતમાં પણ પ્રશ્નો અંગેની ઝીણવટભરી માહિતીની ઉમેદવાર પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી, તદુપરાંત હવેથી પંચાયત ક્લાર્કની આજની પરીક્ષાને જોતા અર્થશાસ્ત્રના પ્રશ્નનું પણ મહત્ત્વ રહ્યું જેમાં જીડીપી તથા આર્થિક સરવેના પ્રશ્નો પણ હતા. ઉપરોક્ત તમામ બાબતને સારાંશની દૃષ્ટિએ જોતા કહી શકાય કે હવે પછીના પેપરો ફેક્સ્યુઅલ ડેટા જેવા કે જનરલ નોલેજના સ્થાને જે તે વિષયની ઊંડાણપૂર્વકની સમજ અર્થાત જનરલ સ્ટડી પર નિર્ભર રહેશે. > દિનેશ કણેત, સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત
મેરિટ 60-65 સુધી રહશે, પેપરમાં ઘણાં પ્રશ્નો સહેલા હતા, કરંટ અર્ફેસ અઘરું હતું
જુનિયર ક્લાર્કનું પેપર એ ઉમેદવારોની સાથે સાથે સરકારની પણ પરીક્ષા હતી. આ પેપરમાં 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એ માટે માત્ર એક જ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. એમસીક્યુ આધારિત પેપર હતું. સામાન્ય રીતે કોઈ એક વિકલ્પ જ પસંદ કરવાનો હોય છે એના બદલે આ વખતે વિકલ્પ ક્રમમાં ગોઠવવાનું કહેવાયું હતું. જેને કારણે એક કલાકનો સમય ઓછો પડ્યો હતો. આમ પેપર લાંબુ ગણી શકાય. પેપરમાં ઘણા પ્રશ્નો સહેલા હતા, ઘણા ઉમદવારો એવા હતા કે જેમને કરંટ અફેર્સ અઘરું લાગ્યું. આ પેપર આમ જોવા જઈએ તો પેપરનું લેવલ મધ્યમ હતું. ટૂંકમાં કહીએ તો આ પેપરનું મેરિટ 60-65 જેવું રહેવાનું અનુમાન લગાવી શકાય. > ધવલ મારૂ, સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત
રાજકોટથી તળાજા જતી બસમાં પંક્ચર પડ્યું તો ડ્રાઇવર-કંડક્ટરે જાતે ટાયર બદલાવ્યું
બસ ડ્રાઈવર અને કંડક્ટરે સતર્કતા રાખી હતી. જે જે જગ્યાએ સ્ટોપ આવે ત્યાં તેઓ દરેક ચડતા ને ઉતરતા મુસાફરોને સૂચના આપતા હતા કે, તમે સમય બગાડતા નહિ કારણ કે, આજે દરેક પરીક્ષાર્થીઓને સમયસર પહોંચવાનું છે. રાજકોટથી તળાજા જતી બસમાં ટાયર પંક્ચર પડ્યું હતું. ઉમેદવાર સમયસર પહોંચી શકે અે માટે ડ્રાઈવર અને કંડક્ટરે એક પણ મિનિટનો સમય બગાડ્યા વિના જાતે જ ટાયર બદલ્યું હતું.