જુનાગઢ8 કલાક પહેલા
- કૉપી લિંક
સગર્ભા ધાત્રી માતાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાને પૌષ્ટિક ભોજન માટે દર માસે રાજ્ય સરકાર દ્વારા ચણા,તુવેરદાળ અને સીંગતેલ આપવામાં આવે છે.સગર્ભા ધાત્રી માતાના આરોગ્ય અને પોષણ સ્તરમાં વધારો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી બે વર્ષ સુધીના 730 દિવસના સમયગાળાના 1000 દિવસ ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપર્ચુનીટી તરીકે ઓળખવામાં આવે છે. આ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહારમાં ખોરાક સાથે પ્રોટીન, ફેટ તેમજ સૂક્ષ્મ પોષક તત્વો મળે એ ખૂબ જ મહત્વનું છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સગર્ભા અથવા જન્મથી બે વર્ષના બાળકના માતા જે આંગણવાડીમાં નોંધાયેલ હોય તે લાભ લઇ શકે છે. જેમાં લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે રાશનમાં બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ, અને એક લીટર સીંગતેલ આપવામાં આવે છે.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ.811 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આમ ઝાંઝરડા-1 આંગણવાડીમાં 30 સગર્ભા -ધાત્રી માતાઓ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લે છે.
આ આંગણવાડી કેન્દ્રના કાર્યકર વર્ષાબેન મહેતાએ જણાવ્યું હતું કે, ઝાંઝરડા -૧ આંગણવાડી કેન્દ્ર હેઠળ કુલ 30 લાભાર્થી આ યોજનાનો લાભ લે છે. જેમાં પાંચ સર્ગભા અને 25 ધાત્રી માતાઓને નિમિત પોષણ કીટ આપવામાં આવે છે. આ સાથે જ તેમને આ કીટના ફાયદા વિશે પણ જણાવવામાં આવે છે..
જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ટીંબાવાડી સેજાની ઝાંઝરડા – 1 આંગણવાડી કેન્દ્રમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી અવનીબેન હિંગળાજીયાએ કહે છે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મળતી આ સહાયથી પ્રોટીન અને અન્ય જરૂરી પોષણ તત્વો મળી રહે છે. જ્યારે બીજા લાભાર્થી બહેન મનિષાબેન પટોળીયા કહે છે, અમને આંગણવાડી કેન્દ્રના વર્કર બહેન આ પોષણ કીટનો નિયમિત લાભ લેવા અને તેના ફાયદા વિશે સમજાવે છે.
અન્ય એક લાભાર્થી સીમાબેન કણસાગરાએ જણાવ્યું હતું કે, આ પોષણ કીટની સહાયથી દરરોજ જમવામાં પૌષ્ટિક દાળ, વઘારેલા ચણા, પુરણપોળી બનાવું છું. જેનાથી મારા પોષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને 100 દિવસ પૂર્ણ થતા વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે. આ અંગે લાભાર્થીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે..