સુરત25 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતના સહારા દરવાજા ખાતે આવેલ પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે તોતિંગ ઝાડ પડવાની ઘટના બનવા પામી હતી. દરમિયાન ત્યાં પાર્ક કરેલી એક કાર ઉપર જ ઝાડ પડતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. તેમજ બાજુમાં મુકેલી એક હાથ લારી પણ ઉંધી વળી ગઈ હતી. ઘટનાની જાણ ફયારને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝાડને કાપવાની કામગીરી હાથ ધરી હતી.
સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં તોતિંગ ઝાડ ધરાશાયી
સુરતના સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આજે વિશાળ તોતિંગ ઝાડ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી. સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં આવેલ અમુલ પાર્લર અને મેડિકલ સ્ટોરની સામે તોતિંગ ઝાડ પડી જવાની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. એટલું જ નહીં ત્યા પાર્ક કરેલી એક કાર ઉપર જ ઝાડ પડ્યું હતું જેને કારણે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ સિવાય કારની બાજુમાં જ મુકેલી એક હાથ લારી પણ ઉંધી થઇ ગઈ હતી.
સ્મીમેરનો સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો
સ્મીમેરના હોસ્પિટલના પરિસરમાં તોતિંગ ઝાડ પાડ્યું હોવાની ઘટના અંગે સિક્યુરિટી સ્ટાફને જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોચ્યો હતો. તોતિંગ ઝાડ પડતા હોસ્પિટલનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. જેને લઇ ઘટના અંગે સિક્યુરિટી સ્ટાફ દ્વારા ફાયર અને ગાર્ડન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી.
સદનસીબે ઘટનામાં જાનહાની થઈ નહિ
ઓફિસર પ્રવીણ ટંડેલે જણાવ્યું હતું કે, સ્મીમેરના હોસ્પિટલમાં મોટું ઝાડ હતું. રસ્તો પણ બંધ થઈ ગયો હતો. ઝાડ પાસે પાર્ક કરેલી કાર ઉપર જ ઝાડ પડ્યું હતું જેને કારણે કારને મોટું નુકશાન થયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અમારી ટીમ દ્વારા ઝાડને કાપીને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી અને રસ્તો ખુલ્લો કર્યો હતો.