Saturday, April 22, 2023

ઐતિહાસિક વારસો ધરાવતા નગરની ઉજવણી કરાઈ; લુણેશ્વર મહાદેવ મંદિરથી નગરપાલિકા સુધી બેન્ડવાજા સાથે નગરયાત્રા નીકળી | Celebrated town with historical heritage; From Luneshwar Mahadev Temple to the Municipality, a Nagar Yatra started with Bendwaja | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે અક્ષય તૃતીયાના દિવસે અડિખમ ઐતિહાસિક અવિસ્મરણીય ભવ્ય વારસો ધરાવતા લાવણ્યપુરી લુણાવાડા નગરીના 590માં સ્થાપના દિવસની પરંપરાગત ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નગરના પૌરાણિક ઐતિહાસિક સોનેરી સ્મરણો નગરજનોમાં ગર્વની લાગણી અનુભવ કરાવે છે. ઇ.સ 1434ના વૈશાખ સુદ ત્રીજના દિવસે લુણાવાડા નગરની સ્થાપના થઈ હતી. તેની સાથે ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. લુણાવાડા નગર એ ગીરીમાળાની તળેટીના કિલ્લામાં વસેલુ શહેર છે. ક્ષત્રિયમાં અગ્ર હરોળની ચૌલુકય વંશની વડીલ શાખાનું સોલંકી રાજપૂતોનું રાજ્ય છે.

ઇ.સ 1434ના વૈશાખ સુદ ત્રીજના રોજ મહારાજા ભીમસિંહજીએ લુણાવાડામાં સમારંભ યોજી નગરનો પાયો નાખ્યો અને રાજગાદીની સ્થાપના કરી હતી. મહારાજા ભીમસિંહજીએ લુણાવાડા વસાવતા પહેલા દેવ પટ્ટણની સ્થાપના કરી હતી. જે હાલ ડીયા પટ્ટણ તરીકે ઓળખાય છે. રાજા ભીમસિંહજીએ નાથ સંપ્રદાયના લુણનાથબાબા જેમણે મનોહરનાથજી અખાડો સ્થાપ્યો તેમની પ્રેરણા તેમજ નગર દેવતા લુણેશ્વરની કૃપાથી તેમના નામ પરથી લુણાવાડાની સ્થાપના કરી.

લુણાવાડાનું પ્રાચીન નામ આનત્તપુર હતું. ત્યાર પછી સાહિત્યકારોએ તેને લાવણ્યપુર તરીકે ઓળખાવ્યુ અને હાલમાં લુણાવાડા નામ પ્રચલિત છે. મહારાજા ભીમસિંહ પછી મહારાજા ન્હારસિંહજીએ સાશન કર્યું. તેમના સમયમાં લુણાવાડાને ફરતો કિલ્લો ઇ.સ. 1718માં બન્યો હતો. કિલ્લાને તે સમયે પાંચ દરવાજા હતા. જેમાંથી આજે ત્રણ દરવાજા જેમાં બે દરકોલી દરવાજા અને એક શહેરા દરવાજો મોજુદ છે. લુણાવાડામાં તોપખાનું ઘણુ જ મોટું હતું.

આશરે ઓફિશિયલ 23 તોપો રાજદરબારમાં હતી. ગામનું રક્ષણ કરવા કિલ્લા ઉપર મોટા બુરજો બાંધેલા હતા. જેમાં તોપો ગોઠવવામાં આવી હતી. દરકોલી દરવાજા બુરજ ઉપર મૂકેલ તોપનું નામ મંગલા અને દેવળમાતાના બુરજ ઉપર મૂકેલ તોપનું નામ નાગણી હતું. ઇ.સ. 1817માં હોલ્કર અને સીંધીયા દિવાન પાટનકરે લુણાવાડા પર હુમલો કર્યો. યુદ્ધમાં સરદાર મેઘરાજ અને મહેતા રૂપા વ્રજદાસ શહીદ થયા. તેમની યાદમાં કાલીકા માતાના ડુંગર ઉપર સ્મારક છત્રી બાંધવામાં આવી. જે આજે મોજુદ છે અને રૂપાછત્રી નામે ઓળખાય છે.

રાજા દલેલસિંહજીએ લુણેશ્વર મંદિરની પાછળ વાવ બંધાવી. કિસનસાગર અને વસંતસાગર તળાવ પણ તેઓએ બંધાવ્યા. તેમના સમયમાં ઇ.સ. 1902માં લુણાવાડામાં રેલવે આવી. લુણાવાડાના માંડવી બજારનો ટાવર નાથ સંપ્રદાયના આત્માગીરીએ બંધાવ્યો હતો. જેનું આજે નામોનિશાન નથી. ઇ.સ 1916માં મહારાણા વખતસિંહજીના વરદ્ હસ્તે હાલના બિલ્ડીંગનું-સજ્જનકુંવરબા હાઇસ્કૂલનું ખાત મુહૂર્ત થયું. મહારાણા વખતસિંહજીને મહારાણી વિકટોરીયા તરફથી K.C.I.E.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહજીના અવસાન પછી રણજીતસિંહજીના પુત્ર વિરભદ્રસિંહજી ઇ.સ. 1930માં ગાદીએ આવ્યા.

મહારાણા વિરભદ્રસિંહજીએ અંગ્રેજી શિક્ષણ આપતી માધ્યમિક સંસ્થા શરૂ કરી. તેઓએ રાજ્યમાં લોકશાહી સંસ્થા પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી અને પ્રજાતંત્રનો પાયો નાખ્યો. મહારાણા વિરભદ્રસિંહજી ઇ.સ 1954માં થયેલા બીજા વિશ્વયુદ્ધમાં યોદ્ધા તરીકે ફરજ બજાવેલ અને અનેક મેડલો પ્રાપ્ત કર્યા હતા. તેમના સમયમાં લુણાવાડામાં ઇલેક્ટ્રીક સોસાયટીની સ્થાપના થઇ હતી. ઇ.સ. 1945માં લુણેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને સુવર્ણકળશ ચઢાવ્યા. મંદિરના 507 વર્ષ પૂર્ણ થતા જીર્ણોદ્ધાર વિ.સં. 1981માં કરવામાં આવ્યો અને તે શુભદિને મંદિર પર ચાંદીનો કળશ ચઢાવવામાં આવ્યો.

મહારાણી સ્વરૂપકુંવરબા જેઓ મહારાણા વખતસિંહજીના ધર્મપત્ની હતા. તેમના નામ પરથી ઇ.સ. 1899માં (છપ્પનીયા કાળ)વરધરી નજીક 900 એકરમાં પથરાયેલું તળાવ જે આજે સ્વરૂપસાગર તરીકે ઓળખાય છે. ઇ.સ. 1912માં દોલતકુંવરબા ડિસ્પેન્સરીની સ્થાપના કરવામાં આવી હતી અને સજ્જનકુંવરબાએ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી.

ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર સ્વ. નંદશંકર તુલજાશંકર મહેતાએ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલોની રચના લુણાવાડામાં કરેલી. કિસનસાગર તળાવ ઉપર આવેલ ભવ્ય શિવમંદિર નંદકેશ્વર મહાદેવ તેમની ભેટ છે. જ્યાં હાલમાં ગણેશ વિસર્જન થાય છે. તેઓ લુણાવાડા સ્ટેટમાં એડમીનીસ્ટ્રેટર તરીકે સુંદર સેવાઓ આપેલી. મહારાણા વિરભદ્રસિંહજીના મોટા ભાઇ યુવરાજ લાલસિંહજીના નામ પરથી શ્રી લાલસિંહજી સાર્વજનિક લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી. જે હાલમાં શહેરા દરવાજા પાસે આવેલી છે.

જિલ્લાની દસ લાયબ્રેરીઓમાંની એક છે. ઇ.સ. 1944ની સાલમાં લુણાવાડા રાજ્યના મંદિરો હરિજનો માટે ખુલ્લા મૂકાયા, જેને સર્વ લોકોએ આવકાર્યા. ખાસ કરીને મહાત્મા ગાંધીજીએ તેના વખાણ કર્યા. ઇ.સ. 1948માં લુણાવાડા મહારાણા કર્નલ હિઝ હાઇનેસ વિરભદ્રસિંહજીએ 30,000 ચોરસ ફૂટ જમીન અને રૂ. 15,000નું દાન કરી મહાત્મા ગાંધીજીના પુનિત સ્મરણાર્થે ગાંધીકુટીરના નિર્માણાર્થે રામનવમીના દિવસે શિલારોપણ કર્યું.

લુણાવાડા નગરના ઉત્તર-પશ્ચિમ ખૂણાના છેડે ગ્રામદેવી દેવળમાતાનું પુરાણુ મંદિર આવેલું છે. નગરની પ્રજા સુખ, સમૃદ્ધ અને શાંતિમય જીવન જીવે એ માટે નવરાત્રિના નવે નવ દિવસ દેવીનું સ્મરણ-પૂજન થાય તેવી વ્યવસ્થા આજે પણ ચાલુ છે. દશેરાના દિવસે દેવળ માતાએ ગરબો વળાવવા જવાનો રિવાજ આજે પણ ચાલુ છે. દેવળમાતાએ નાગરોની કુળદેવી પણ મનાય છે. લુણાવાડામાં સોલંકી કુળના રાજવીઓએ ખૂબ જ સુંદર કાર્યો કર્યા. ઇ.સ 1868માં મ્યુનિસિપાલીટીની સ્થાપના કરવામાં આવી. જેના પ્રથમ રાજ્ય નિયુક્ત પ્રમુખ સ્વ. વ્રજલાલ ઉત્તમરામ ભટ્ટ હતા.

સંવત 1930માં સ્વામીનારાયણ મંદિરની સ્થાપના થઇ જેમાં તેજસ્વી લક્ષ્મીરામ દેવશંકરનો મુખ્ય ફાળો હતો. લુણાવાડા નગરમાં દેરાફળીમાં વાસુપૂજ્ય સ્વામીનું પ્રાચીન દેરાસર છે. જેમાં મહારાજા વખતસિંહજીએ કિંમતી આભૂષણો અને પૂજાપાની જરૂરીયાત માટે અન્ય સામગ્રી ભેટ કરી હતી. દેરાસરની બાજુમાં આવેલ ઉપાશ્રયમાં હસ્તલિખિત પ્રતો ઉપલબ્ધ છે. જેમાં સત્તરમી સદીના શેત્રુંજય પર્વત પરના એક જૈન દેરાસરનું ચિત્રાંકન કરેલ છે. જૈનોના પર્યુષણ પર્વમાં આજે પણ મધુર ભક્તિગીતોના ગુંજારવ સાથે નગરમાં શોભાયાત્રા નીકળે છે.

ઇ.સ 1930માં મુસ્લિમ શિક્ષણ અર્થે દારૂઉલમની સ્થાપના કરવામાં આવેલી, કુદરતી સૌંદર્યની લ્હાણી પામેલું આપણું લાવણ્યમયી નગર લુણાવાડા ખરેખર કાલીકા માતાના ડુંગરથી ખૂબ જ રમણીય લાગે છે. ડુંગર પરથી નગરનું દ્રશ્ય અને મહી, પાનમ અને વેરીનો ત્રિવેણી સંગમ સ્થળ કાકચિયાનું દર્શન ખૂબ જ આહ્લાદક અને પ્રેરક છે.

અન્ય સમાચારો પણ છે…