હાલોલએક કલાક પહેલા
- કૉપી લિંક
હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોને છાયડો આપતા એક સમયે લીલા છમ વૃક્ષો એક પછી એક સુકાઈ રહ્યા છે. સુકાઈને ઉભેલા અને પડવાની રાહ જોઈ રહેલા કેટલાક મહાકાય વૃક્ષો અંહી સારવાર માટે આવતા દર્દીઓ જ નહી અહી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ જોખમી બની ગયા છે. કોઈ મોટો અકસ્માત થાય અને સરકારી બિલ્ડિંગને નુકશાન કે કોઈ જાનહાનિ થાય તે પહેલાં આ સુકાઈ ગયેલા જોખમી વૃક્ષોને પાડી દેવા માટે જવાબદારો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું રહી હોસ્પિટલના વહીવટી અધિકારીએ જણાવ્યું હતું.

આ સંદર્ભે દિવ્ય ભાસ્કર દ્વારા હોસ્પિટલના વહીવટી અધિકારી ચંદ્રેશભાઈ પરમારને પૂછતાં તેઓએ જણાવ્યું કે, આ જોખમી વૃક્ષો પાડી દેવા માટે છ માસ પહેલા હાલોલ મામલતદાર પાસે પરવાનગી મંગવામાં આવી હતી, જે અઠવાડિયા પહેલા જ મળી છે. માર્ચ એન્ડિંગને કારણે કામગીરી થઈ નથી, ટૂંક સમયમાં આ તમામ જોખમી વૃક્ષોનો નિયમાનુસાર નિકાલ કરી દેવામાં આવશે.

હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એકપછી એક વૃક્ષો સુકાઈ રહ્યા છે, કોરોના સમય પછી જ અહીં મોટા પાંચ જેટલા વૃક્ષો સુકાઈ ગયા છે. વૃક્ષો સુકાઈ જવાનું કારણ જાણવાનો કોઈએ પ્રયાસ નથી કર્યો, પરંતુ એક સમયે આ લીલાછમ વૃક્ષો ભર ઉનાળામાં અહી કોરોનાનો ટેસ્ટ કરાવવા આવતા અને સોશિયલ ડિસ્ટન્સ રાખી કલાકો લાઈનોમાં ઊભા રહેતા લોકોને છાયડો આપતા હતા. જે આજે આખે આખા સુકાઈ જતા જોખમી બની ગયા છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇમરજન્સી વોર્ડ તરફ પણ આવા ત્રણેક જેટલા અને સો ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા વૃક્ષો ઊભા છે. એક વૃક્ષ થડમાંથી ફાટી જતા બિલ્ડીંગ ઉપર પડેલું પણ છે. વૃક્ષ ઊંચાઈ વાળા છે અને તદ્દન સુકાઈ ગયેલા હોવાથી નાના મોટા લાકડા પણ આપોઆપ નીચે પડી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં અત્યારે આઠેક જેટલા વૃક્ષો તદ્દન સુકાઈ ગયેલી હાલતમાં ગમે ત્યારે અકસ્માતગ્રસ્ત બને તેવી સ્થિતિમાં ઉભેલા છે અને અન્ય કેટલાક વૃક્ષો પણ ધીરે ધીરે સુકાઈ રહ્યા છે.


