સુરત28 મિનિટ પહેલા
- કૉપી લિંક

નવમા માળેથી પટકાતા અદિતીનું મોત નીપજ્યું.
સુરતમાં યુવતીઓ માટે ચેતવણીરૂપ બે ઘટના પાર્લેપોઈન્ટ અને વરાછા ખાતે બની છે. પોતાના ઘરમાં સાફ સફાઈ કરતી વખતે એક મહિલા નવમા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે વરાછામાં પણ ત્રીજા માળેથી યુવતીનું પટકાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાઓને પગલે પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.
ઘરના નવમાં માળેથી નીચે પટકાતા મોત
મળતી માહિતી મુજબ પાર્લેપોઈન્ટ ખાતે આવેલ સીટી ક્રાઉન એપાર્ટમેન્ટમાં રહેતા આદિતીબેન પલ્લવભાઈ ચોખાવાલા (ઉ.વ.26 ) પોતાના ઘરના નવમાં માળેથી નીચે પટકાતા તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમના પતિ 108 એમ્બ્યુલેન્સ દ્વારા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી. જેને કારણે પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
સફાઈ કરતા સમયે બારીમાંથી નીચે પટકાઈ
અદિતિબેન ઘરની સફાઈ કરી રહ્યા હતા. ગ્રીલની સફાઈ કરતી વખતે તેઓ બારીમાંથી નીચે પટકાયા હતા. ત્યારે પુત્રીએ આ અંગે પિતાને કોલ કરીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પત્નીને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે તે બચી શકી નહીં. અદિતિબેનના પતિ પલ્લવભાઈ યાર્નના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી છે. બનાવને લઈને ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ઘરના ત્રીજા માળેથી નીચે પટકાતા યુવતીનું મોત
વરાછા ખાતે આવેલા જગદીશનગરમાં રહેતી ગૌસિયાબાનું મોહમ્મદ ઈલ્યાસ રાઈન (ઉ.વ.24 ) રાત્રે 10 વાગ્યાના અરસામાં ઘરના ત્રીજા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભાઈ ઈરફાન તાત્કાલિક સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ભાઈની નજર સામે બહેન નીચે પટકાઈ
પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને હાલમાં જગદીશનગર રહે છે અને એમ્બ્રોડરીના ખાતામાં કામ કરે છે. બહેન ગૌસિયા અને મોટી બહેન અને બનેવી સાથે રહેતા હતા. ભાઈ રાત્રે તે વતન ખાતે રહેતી માતા સાથે મોબાઈલ વાત કરી રહ્યો હતો ત્યારે જ તેની બહેન ગૌસિયા નીચે પટકાઈ હતી. આ અંગે વરાછા પોલીસે જણાવ્યું હતું કે મરણજનાર યુવતી માનસિક રીતે અસ્વસ્થ હતી. જેને લીધે પડી ગઈ હોવાની શક્યતા છે. આગળની વધુ તપાસ ચાલી રહી છે.