વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
PMO ઓફિસનો અધિકારી બની સિસ્ટમ સાથે છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલ પછી વડોદરામાં પણ CMO ઓફિસનો માણસ હોવાનું ઓળખ આપી રોફ મારનાર ઠગને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. એક તબક્કે પોલીસ પણ મૂંઝાઈ હતી પરંતુ, પોલીસે તેનું પાનકાર્ડ તપાસતા જ CMO ઓફિસનો માણસ હોવાનો દાવો કરતા ઈસમનો આખો ખેલ ઊંધો પડી ગયો હતો.
પોલીસ તમામને પોલીસ સ્ટેશન લાવી
મળેલી માહિતી મુજબ રાત્રે 11 કલાકે કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળતા ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ વાસણા રોડ પર નિલામ્બર સર્કલ પાસે આવેલ PVR સિનેમા પહોચી હતી. જ્યાં સિનેમાના અંદરના ભાગે ઝઘડો ચાલતો હતો ત્યાં હાજર વિરાજ પટેલે જણાવ્યું કે, હું CMO ઓફિસનો માણસ છું, હું અને ફરહાના ઉર્ફે માહી ખાન ઇઝહાર શેખ ફિલ્મ જોવા આવ્યા હતા અને અમારી સાથે પ્રદીપ નાયર ઝઘડો કરે છે. પોલીસે પ્રાથમિક વિગતો મેળવી વિરાજ પટેલ, પ્રદીપ નાયર તથા ફરહાના શેખને ગોત્રી પોલીસ મથક લાવવામાં આવ્યા હતા.
ઠગ ગાંધીનગરનો રહેવાસી
ગોત્રી પોલીસ મથક લાવ્યા પછી વિરાજ પટેલની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, હું ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પ્રેસિડેન્ટ છું. મારી સાથેના ફરહાના ઉર્ફે માહી ખાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેને ઉર્વશી સોલંકી તથા તેના માણસો અક્ષય શાહ તથા અન્ય દ્વારા ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી નીકળી જવા ધમકી મળી રહી છે, જેથી અમે ચાર દિવસથી હોટલમાં રોકાયેલા છીએ, જે બાદ પોલીસે વિરાજ પાસે તેનું આધારકાર્ડ માગ્યું હતું. જેમાં તેનું નામ વિરાજ અશ્વિનભાઈ અને ગાંધીનગરનો હોવાનું જોવા મળ્યું હતું.
ખરાઇ કરાતા બોગસ નીકળ્યો
પોલીસે વિરાજ પાસે રહેલા પાનકાર્ડ જોતા તેનું નામ વિરાજ અશ્વિનભાઈ શાહ હતું. જે અંગે પૂછતાં શાહ અટકનું ખોટું પાનકાર્ડ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા વિરાજના દાવા પ્રમાણે CMO ઓફિસમાં તેની ઓળખની ખરાઈ કરવામાં આવી હતી, જે ખોટી હોવાનું સામે આવ્યું હતું
ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
CMO ઓફિસમાં આવા નામનું કોઈ CMO ઓફિસમાં ન હોવનું ખરાઈ થતા આખરે પોલીસે ખોટા નામના ઓળખપત્ર બનાવી તથા CMOના ઓફિસની ખોટી ઓળખ આપનાર ગાંધીનગરના વિરાજ અશ્વિનભાઈ પટેલ વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.