વલસાડ જિલ્લાના ઈન્ચાર્જ કલેક્ટરે કહ્યું- સરકારી કર્મચારી અને અધિકારીઓએ ફરજિયાત હેલમેટ, સીટ બેલ્ટ પહેરવુ પડશે | Collector in-charge of Valsad district said - government employees and officers must wear helmets, seat belts | Times Of Ahmedabad

વલસાડ5 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર મનિષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનું અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવી પહેલ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. જે મુજબ સૌ પ્રથમ જિલ્લા અને તાલુકાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલમેટ અને સીટ બેલ્ટ ફરજિયાત કરાશે. જેથી ટ્રાફિકના નિયમોનું સૌ પ્રથમ પાલન કર્મચારી અને અધિકારીઓએ કરવાનું રહેશે ત્યાર બાદ જિલ્લા તમામ લોકોએ પણ તબક્કાવાર અમલ કરવાનો રહેશે.

આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, જિલ્લામાં દર મહિને 30થી વધુ અકસ્માત થાય છે. જેમાં વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા માર્ગ સલામતી એક્શન પ્લાન બનાવાયો છે. જેના ભાગરૂપે દરેક સરકારી કર્મચારી અને અધિકારીએ હેલમેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. દરેકનું જીવન અમૂલ્ય છે. જિલ્લા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાએ જિલ્લામાં 24 બ્લેક સ્પોટ ઉપર થતા અકસ્માતોના બનાવોને અટકાવવા માટે ડિવાઈડરની ઉંચાઈ વધારવા, બ્લીકર ચાલુ કરવા, સફેદ પટ્ટા મારવા, ઓવરબ્રિજ પર લાઈટીંગ, બ્રિજ ઉતરતી વેળા સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર, પારડી આઈટીઆઈના 100 મીટર આગળ સ્પીડ લીમીટ બોર્ડ મુકવા, રોડ માર્કિંગ, મેટલ ડિવાઈડર ગેપ બંધ કરવા સહિતની કામગીરી અંગે માહિતી આપી હતી.

જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સિલ અને ઈન્ચાર્જ જિલ્લા કલેકટર મનિષ ગુરવાનીએ જિલ્લાની તમામ નગરપાલિકાને મુખ્ય માર્ગ પરના દબાણ દુર કરી અહેવાલ રજૂ કરવા તાકીદ કરી હતી. જેમાં વલસાડના અબ્રામા, હાલર રોડ અને તિથલ રોડ પરના દબાણ દૂર કરી તાત્કાલિક રીપોર્ટ કરવા જણાવ્યું હતું. આ સિવાય જિલ્લામાં આવેલા અનઅધિકૃત ગેપોમાંથી રાહદારીઓ પસાર થવાનો પ્રયાસ કરે છે. અને અકસ્માતનો ભોગ બને છે જેથી આવા ગેપો તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. જિલ્લાની સ્કૂલ અને કોલેજોમાં રોડ સેફટી કાર્યક્રમો કરી ચેકિંગ કરવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ તથા આરટીઓ દ્વારા ફેબ્રુઆરી 2023માં હેલમેટ, કાળા કાચ, સીટ બેલ્ટ, સાઈલેન્સર મોડીફાઈ અને નાની વયના ડ્રાયવર સહિત કુલ 2,764 કેસ કરી રૂ. 14.73 લાખનો દંડ વસૂલાયો હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસ વડા ડો.ઝાલાએ ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં ખસેડનારને ગુડ સમરીટન લો વિશે જાણકારી આપી હતી.

આ સિવાય શહેરના ફૂટપાથો પર થયેલા દબાણોને દૂર કરવા માટે અભિયાન હાથ ધરાશે એવું પણ જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચેપલોત (IAS), નિવાસી અધિક કલેકટર અનસૂયા આર. ઝા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા- ભરૂચના મેનેજર રાહુલ જાલાન, વલસાડ નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, વાપીના ડીવાયએસપી બી.એન.દવે, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારી સર્વશ્રી ડી.જે.વસાવા, કેતુલ ઈટાલિયા, સિવિલ સર્જન ડો.ભાવેશ ગોયાણી અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post