વડોદરા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ. યુઆઇ દ્વારા ‘લોકશાહી બચાવો’ મશાલ યાત્રા આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કાઢવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મશાલ યાત્રા માટે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પરમિશન આપવામાં આવી ન હતી. આમ છતાં કોંગ્રેસ દ્વારા વિશાળ મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. મંજૂરી વગર નીકળેલી મશાલ યાત્રાને પોલીસ તંત્ર દ્વારા રોકી દેવામાં આવી હતી. અને મશાલો ઉપર પાણી છાંટીને બુજાવી દેવામાં આવતા પોલીસ અને કોંગ્રેસ કાર્યવાહી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પ્રમુખ સહિત અનેક કાર્યકરોના મોબાઈલ ફોન પણ તૂટી ગયા હતા. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મશાલ યાત્રાએ આકર્ષણ જમાવ્યું
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ એન. એસ. આઇ. દ્વારા લોકશાહી બચાવો મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનના ભાગરૂપે શહેર પોલીસ તંત્ર પાસે દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલયથી રાજમહેલ રોડ, શહીદ ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધીના મશાલ યાત્રાના રૂટ માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ શહેર પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પોલીસની મંજૂરી સાથે શાંતિપૂર્ણ મશાલી યાત્રાનું આયોજન કર્યું હતું.
અનેક અગ્રણીઓ જોડાયા
પરંતુ પોલીસ તંત્ર દ્વારા મશાલ યાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ મશાલ યાત્રામાં એઆઈસીસીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ, કાઉન્સિલરો અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા, જહા દેસાઈ, હરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. દાંડિયા બજારથી નીકળેલી મશાલ યાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.
પ્રમુખની મોબાઇલ ફોન તૂટી ગયો
કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી મશાલ યાત્રાને પગલે ટ્રાફિક વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. જોકે મશાલ યાત્રા અડધા માર્ગે આવતાની સાથે જ પોલીસ દ્વારા મશાલ યાત્રાને રોકી દેવામાં આવી હતી અને મશાલો ઉપર પાણી છાંટીને મશાલો બુજાવી દેવામાં આવી હતી. મશાલો બુજાવી દેતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોના મોબાઈલ પણ તૂટી ગયા હતા.
મશાલ યાત્રાની પરમિશન ન હતી
DCP અભય સોનીએ જણાવ્યું હતું કે, સાદી રેલીની પરમિશન આપવામાં આવી હતી. મશાલ યાત્રાથી આગની ઘટના બનવાની શક્યતા હોઇ, પરવાનગી આપવામાં આવી ન હતી. છતાં, મશાલ યાત્રા કાઢવામાં આવી હોવાથી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મશાલ યાત્રા રોકવાની ફરજ પડી હતી અને બુજાવી દીધી. મશાલ યાત્રાના કારણે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.