અરવલ્લી (મોડાસા)6 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલ સમગ્ર દેશ અને પ્રદેશમાં રાહુલ ગાંધી સામેના માનહાની કેસને લઈ અનેક ચર્ચાઓ અને રાજકિય નિવેદનબાજીઓ ચાલી રહી છે. તેવામાં આજે મોડાસા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત ‘જય ભારત સત્યાગ્રહ સંમેલન’માં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સામે સુરતમાં જ કેસ કેમ થયો તેને લઈ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે, હર્ષ સંઘવી C.R પાટીલના પહેલા ખોળાના છે. તથા આ કેસ ના તો કોઈ મોદી સમાજના સંગઠન દ્વારા થયું છે, ના તો કોઈ મંડળ દ્વારા થયું. આ કેસ ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે.
‘રાહુલ ગાંધી સામે સુરતમાં જ કેસ કેમ થયો?’ : જગદીશ ઠાકોર
વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી રહી રહીને કોંગ્રેસ સક્રિય થઇ છે. હવે લોકસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મોડાસા ખાતે ‘જય ભારત સત્યાગ્રહ સંમેલન’ યોજાયું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં અમિત ચાવડાએ સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજથી મોડાસાના વિશ્વકર્મા મંદિરથી કોંગ્રેસે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે. વધુમાં તેઓએ રાહુલ ગાંધી પર પૂર્ણેશ મોદી દ્વારા કેસ કરાયો એ બાબતે હર્ષ સંઘવી પર તીખાં વેંણ બોલી નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી પર સુરતમાં કેમ કેસ થયો? કરણ કે હર્ષ સંઘવી સુરતના છે અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના પહેલા ખોળાના છે’ જેથી કેસ સુરતમાં ચાલ્યો, આમ કહીને હર્ષ સંઘવીને ચાબખાં માર્યા હતા.

મોડાસાથી કોંગ્રેસે લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા
વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સરકાર આરક્ષણના આંકડા જાહેર કરતી નથી. જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર OBC અનામત કેટલા ટકા છે. એમ જણાવી દરેકને લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું. મોડાસાના વિશ્વકર્મા મંદિરમાં ખાતેથી લોકસભા ચૂંટણી 2024ના શ્રી ગણેશ કર્યાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર, ભિલોડાના રાજુભાઈ પારઘી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પૂવર સહીત પ્રદેશ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.