વાલીઓને ફરજિયાત સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા આગ્રહ કરવા બદલ DEOએ કેલોરેક્સ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો | After Divyabhaskar's report, Ahmedabad city DEO seeks explanation for insisting Colorex schools to buy books | Times Of Ahmedabad

અમદાવાદ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલ દ્વારા મનમાની કરીને વાલીઓને ફરજિયાતપણ સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા આગ્રહ કરવામાં આવતો હતો જેને લઇને વાલીઓએ વિરોધ કર્યો હતો. જે અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ ગઈકાલે પ્રસિદ્ધ કર્યો હતો. જેના આધારે અમદાવાદ શહેર DEOએ સ્કૂલને ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સ્કૂલ સામે દંડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વાલી પાસેથી 2થી 3 ગણા પૈસા વસુલાયા
ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પુસ્તકો ખરીદવા જણાવ્યું હતું. પુસ્તકો ફરજિયાત સ્કૂલે નક્કી કરેલા સ્ટોરમાંથી જ ખરીદવા સ્કૂલ દ્વારા આગ્રહ કરવામાં આવતો હતો. જે 100 પાનાની નોટબૂટ બજારમાં 25 રૂપિયામાં મળે છે તેના 65 રૂપિયા, 200 પાનાની બૂક 35થી 55 રૂપિયામાં મળે છે. જેના 90 રૂપિયા વસુલવામાં આવી રહ્યા હતા. વાલી પાસેથી 2થી 3 ગણા પૈસા વસુલવામાં આવી રહ્યા હતા.

પુસ્તકો ખરીદવાના નિર્ણય બદલ ખુલાસો માંગ્યો
વાલીએ પુરાવા સાથે સ્કૂલ સામે આક્ષેપ કર્યો હતો. આ અંગે દિવ્ય ભાસ્કરે ગઈકાલે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેને લઇને અમદાવાદ શહેર DEOએ સ્કૂલ સામે કાર્યવાહી શરૂ કરી છે. DEO દ્વારા સ્કૂલને ફરજિયાત પુસ્તકો ખરીદવાના નિર્ણય બદલ ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્કૂલને દંડ પણ કરવામાં આવી શકે છે.

સ્કૂલના જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ: DEO
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમને સમાચાર માધ્યમથી કેલોરેક્સ સ્કૂલ અંગે જાણ થઈ હતી જેથી અમે તાત્કાલિક સ્કૂલને નોટિસ ફટકારી હતી. કોઈપણ સ્કૂલ આ રીતે દબાણ ના કરી શકે. સ્કૂલના જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ. સ્કૂલનો જવાબ આવતા જ અમે સ્કૂલ સામે તપાસ કરીને કાર્યવાહી કરીશું.

ફરજિયાત સ્કૂલમાંથી જ બુક ખરીદવાનો આગ્રહ
રાજીવ પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે, ‘મારો દીકરો 2 વર્ષથી સ્કૂલમાં ભણી રહયો છે. 2 વર્ષથી સ્કૂલ દ્વારા ફરજિયાત અંદરનાં બુક સેલર્સ પાસેથી જ બુક ખરીદવાનું કહ્યું છે. ગયા વર્ષના ચોપડા પડ્યા હોય છતાં ફરજિયાત આખો નવો સેટ જ આપવામાં આવે છે. અમારી પાસે જે બુક હતી તે પરત આપવા ગયા તો બુક પરત પણ ના લીધી. બજાર કરતા વધુ કિંમતમાં બુક આપવામાં આવે છે અને ફરજિયાત ત્યાથી જ ખરીદવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post