કેડીસીસી બેંકના ડીરેક્ટર દિલીપ પટેલની ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકમાં જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે વરણી | Dilip Patel, Director of KDCC Bank, appointed as District Bank Representative in Gujarat State Co.O.Bank. | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદના પીઢ સહકારી આગેવાન અને કેડીસીસી બેંકના ડિરેક્ટર દિલીપ પટેલ (શિવમ)ની ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકમાં પ્રતિનીધિ તરીકે વરણી કરવામા આવી છે. ગુજરાત પ્રદેશ સહકારી કન્વીનર બિપીન પટેલ-ગોતાએ પ્રદેશ મોવડી મંડળનો આ નિર્ણય જણાવતા સૌ સહકારી આગેવાન અને બેંક ડિરેક્ટરોએ વધાવી લીધો હતો અને તેઓને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે દિલીપ પટેલે પણ પોતાની નિમણૂકને સ્વીકારી સૌ સહકારી આગેવાન અને પ્રદેશ મોવડી મંડળનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

બૃહદ ખેડા જિલ્લા વિસ્તારમાં ખેડૂત બેંક તરીકે સ્થાપિત થયેલ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનની ચૂંટણી ગત બુધવારે યોજાઈ હતી. નડીયાદ ખાતે હેડકવાર્ટર ધરાવતી, આણંદ, ખેડા, મહિસાગર જિલ્લામાં 84 શાખાઓ અને વિશાળ ખેડૂત સભાસદ વર્ગ ધરાવતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જિલ્લાની અગ્રણી બેંક છે. સહકારી આગેવાન અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અમૂલ ડેરીના ચેરમેન બનતા પાર્ટી નિયમ મુજબ તેઓને રાજીનામું આપતા આ જગ્યા ખાલી થઈ હતી. જેમાં પાર્ટીમાં આ પદ માટે બે મુખ્ય દાવેદારો હતા. જેમાં ભાજપ સહકારી સેલના પ્રદેશ સહ કનવીનર અને કેડીસિસી બેંક ડિરેક્ટર તેજસ પટેલ અને પીઠ સહકારી આગેવાન તેમજ આરએસેસ સંલગ્ન સહકાર ભારતી સંગઠનના જિલ્લા મહામંત્રી કેડિસિસી બેંકના ડિરેક્ટર દિલીપ પટેલ વચ્ચે હરીફાઈ થઈ હતી. જોકે, ચેરમેનની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા તેજસ પટેલની પસંદગી ઉતરતા બેંક ચેરમેન ઘોષિત કરાયા હતા.

મહત્વનું છે કે, હાલ પ્રદેશ ભાજપ દ્વારા દિલીપ પટેલનું પણ સહકારી અને રાજકીય કારકિર્દી અને સ્થાનિક પ્રજામાનસ ઉપર તેઓનો પ્રભાવ સમજી ભવિષ્યમાં કે હાલ કોઈ રાજકીય કે સહકારી સમીકરણો ખોરવાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું અને તેઓને રાજ્ય સ્તરે બેંક પ્રતિનિધિ તરીકે સમ્માનિત જગ્યાએ વરણી કરવામાં આવી છે. જે મુજબ પ્રદેશ ભાજપ અને કેડીસીસી બેંકના ભાજપના બહુમતી સભ્યો દ્વારા સર્વાનુમતે દિલીપ પટેલ (શિવમ) પણ રાજ્યની અગ્રણી સહકારી બેંક એવી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકમા જિલ્લા બેંકના પ્રતિનીધિ તરીકે વરણી કરવામા આવતા સહકારી અગ્રણીઓ, સમર્થકો, ટેકેદારોએ તેઓની વરણીને સહર્ષ વધાવી અભિનંદનની વર્ષા કરી હતી.

અત્રે ઉલ્લખનીય છે કે, સોજીત્રા તાલુકાના પીપળાવ ગામના વતની, આણંદ જિલ્લાના સહકારી આગેવાન દિલીપ પટેલ-શિવમ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી રાજકીય,સામાજિક સહકારી ક્ષેત્રે કાર્યરત છે. સોજીત્રા, તારાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે નિઃશુલ્ક દષ્ટિ-નેત્ર ચકાસણી કેમ્પ, ગૌરીવ્રત દરમિયાન કુમારિકાઓને વિનામુલ્યે ડ્રાયફ્રુટ્સ, ફળાહારનું વિતરણ, કોરોનાકાળમાં નાગરિકોને વિનામુલ્યે માસ્ક, સેનેટરાઇઝરનું વિતરણ, ઉનાળુઋતુની અસહ્ય ગરમીમાં ગરીબ પરિવારોને પગરખાનુ દાન, પીપળાવ આશાપુરી મંદિરે દર્શનાર્થે આવતા સંઘોને ઠંડી છાશનું વિતરણ સહિતના સમાજસેવાના કાર્યો સમયાંતરે હાથ ધરતા હોઇ તેઓ કો- ઓપરેટીવ, સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ વિશેષ પ્રભુત્વ ધરાવે છે.

આ ઉપરાંત તેઓ સોજીત્રા તાલુકાના નાણાકીય પ્રભુત્વ ધરાવતી આશાપુરી કો.ઓ,ક્રેડિટ સોસાયટીના ચેરમેન, કરમસદ પાલિકાના ભુતપુર્વ નગરસેવક, વિદ્યાનગરની અગ્રેસર સંસ્થા રામકૃષ્ણ સેવા મંદિરના ચેરમેન, આરએસએસ સંઘની ભગીની સંસ્થા સહકાર ભારતીમા જિલ્લા સંગઠનના મહામંત્રી તરીકે સેવારત છે. ભાજપ અગ્રણી દિલીપભાઈ.ડી.પટેલે સહકારી માળખામાં આપેલા મહત્વપુર્ણ યોગદાન, અને સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઇને ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકમાં કેડીસીસી બેંકના પ્રતિનીધિ તરીકે વરણી કરી છે. આ પ્રસંગે દિલીપભાઈ પટેલે પ્રદેશ મોવડી મંડળ, પ્રદેશ સહકારી સેલના કનવીનાર બિપીનભાઈ પટેલ -ગોતાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને પાર્ટી વિચારધારા અને “સહકારથી સમૃદ્ધિ”ના ઉદ્દેશ્ય પરિપૂર્તિ માટે સમાજના સામાન્ય વર્ગ અને કાર્યકર્તાઓને સાથે લઈ પરિણામલક્ષી કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم