ખંભાળિયામાં 'સહાયમ કાર્યાલય' ખુલ્લુ મુકાયું; જુનીયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ | District administration geared up to conduct Junior Clerk exam in a peaceful atmosphere; 10,140 candidates will take the exam | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • District Administration Geared Up To Conduct Junior Clerk Exam In A Peaceful Atmosphere; 10,140 Candidates Will Take The Exam

દ્વારકા ખંભાળિયા21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મુળુભાઈ બેરાએ કાર્યાલયનો શુભારંભ કર્યું…
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક માટે વિધાનસભા કાર્યાલયને આજરોજ અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિધિવત રીતે ખુલ્લું મૂક્યું છે. અત્રે બેઠક રોડ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ ખાતે “સહાયમ કાર્યાલય”ના નામથી લોકસેવાના અર્થે ખુલ્લુ મુકવામાં આવેલું આ કાર્યાલય લોકોના પ્રશ્નો તથા સહાયતા માટે ઉપયોગી બનશે તેમ અહીંના ધારાસભ્ય મુળભાઈ બેરાએ જણાવ્યું હતું. એમણે કહ્યું કે, ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના આ મુખ્ય કાર્યાલયનો આજરોજ સંતો-મહંતો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે.

અહીંથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા લોકોના કામો તથા પ્રશ્નોના નિવારણ માટે “સહાયમ” કાર્યાલય ખાતેથી જરૂરી કામગીરી કરવામાં આવશે. આજરોજ હનુમાન જયંતિ તથા સાથે ભારતીય જનતા પાર્ટીનો 44મો સ્થાપના દિન હોય, ધારાસભ્ય કાર્યાલય “સહાયમ”નો શાસ્ત્રોક્ત વિધિથી શુભારંભ કરવામાં આવ્યો છે.

દ્વારકાના 41 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે…
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર તા. 9ના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારો નિશ્ચિત બની આપી શકે એ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. આ અંગે યોજવામાં આવેલી એક બેઠકમાં પરીક્ષાર્થીઓ 12.10 વાગ્યા પહેલા વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું છે.

જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 41 પરીક્ષા કેન્દ્રોમાં 10,140 ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. મહિલાઓનું મહિલા પોલીસકર્મી દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક ગેઝેટ જેવા કે, મોબાઈલ, બ્લુટૂથ, સ્માર્ટ વોચ, કેમેરા, લેપટોપ જેવા ગેજેટ પરીક્ષા ખંડમાં લઇ જવાના નથી. પરીક્ષા કેન્દ્રો પર ફરજમાં રોકાયેલા કર્મચારી પણ મોબાઈલ ફોન લઈ જઇ શકશે નહિ. ઉમેદવારો બ્લ્યુ અથવા કાળી પેન, કોલ લેટર અને સરકાર માન્ય ઓળખપત્ર વર્ગખંડમાં લઇ જઇ શકશે. પરીક્ષાર્થી 12.10 વાગ્યા સુધીમાં પોતાની બેઠક લઇ લે તે જરૂરી છે.

ઉમેદવારોના માર્ગદર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. લેન્ડ લાઇન નંબર 02833-234207 ઉપર ફોન કરી ઉમેદવારો માર્ગદર્શન મેળવી શકશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 રૂટ સુપરવાઇઝર તેમજ 2 રિઝર્વ તથા 15 આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર અને 2 રિઝર્વની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્કવોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મોનિટરિંગ કરવાના છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ અને પ્રશ્નપત્ર ફૂટી જતું અટકાવવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમથી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. આ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિ ગુનો કરશે તો તેને જુદી જુદી કલમોની જોગવાઈ મુજબ 3થી 10 વર્ષ સુધી કેદ અને એક લાખથી એક કરોડ સુધીના દંડની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે.

પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં આવેલી ઝેરોક્ષ દુકાનો સાડા નવથી અઢી સુધી બંધ રહેશે. તેમજ ખોદકામ ઉપર તા. 9 એપ્રિલેના દિવસે પ્રતિબંધ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા આપવા આવતા તમામ ઉમેદવારો નિશ્ચિત અને નિર્ભિક બનીને પરીક્ષા આપે તેવી અપીલ કરતા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ સફળતા માટેની શુભકામનાઓ પણ આપી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગ તથા દ્વારકા વિધાનસભા મતદાર વિભાગોમાં સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. હાલમાં તા. 20 એપ્રિલ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર તા. 16 એપ્રિલના ખાસ ઝુંબેશના દિવસના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા. 1 એપ્રિલની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.

લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 18 થી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. તા. 1 ઓક્ટોબર 2023 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં. 6 ભરી શકશે, આગામી સમયમાં જ્યારે તેઓને 18 વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે.

યુવા નાગરીકોને મતદાતા નોંધણી વિશે માહિતગાર કરવા ઝુંબેશનો પ્રચાર-પ્રસાર કરવા માટે જિલ્લામાં આવેલ 15 કોલેજોના 20 જેટલા કેમ્પસ એમ્બેસેડર દ્વારા કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. વધુમાં વધુ યુવા મતદારો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન ફોર્મ ભરવા માટે વોટર હેલ્પલાઈન એપ અને એન.બી.એસ.પી. (NVSP) વેબસાઈટનો ઉપયોગ કરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. જિલ્લામાં ભાવી મતદારો માટેની કુલ 182 સાક્ષરતા કલબ, 399 ચુનાવ પાઠશાળાઓ અને 93 વોટર અવેરનેસ ફોરમ કાર્યરત છે.

જિલ્લામાં હાલ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 3,02,603 તથા દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 2,92,654 મળી કુલ 5,95,257 મતદારો છે. જિલ્લાનો જેન્ડર રેશિયો 948 તેમજ ઈ.પી. (EP) રેશિયો 71.86 ટકા છે. જિલ્લાના 652 બીએલઓ, 7q સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને 4 તાલુકા મામલતદાર, 4 તાલુકા વિકાસ અધિકારી, બંને પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની ચૂંટણી શાખાની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી રવિવાર તા. 16 ના રોજ સવારે 10 થી 5 સુધી જિલ્લાનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.

આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલા મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે તેમજ ઈ.પી.આઈ.સી. (EPIC) કાર્ડનું આધાર કાર્ડ સાથે લીંક કરવા ફોર્મ નં. 6-બી ભરીને રજૂ કરી શકશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે. કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો Voter Helpline Application મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત www.voterportal.eci.gov.in અને voters.eci.gov.in વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકે છે. જેમાં તેઓએ જરૂરીયાત મુજબના સ્વયં પ્રમાણિત પુરાવા અપલોડ કરવાના રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم