એક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ પર ફરિયાદનો દોર થોભવાનું નામ નથી લઈ રહ્યો. સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા થતાં હાલ જામીન પર છે અને ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તો મેટ્રો કોર્ટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે પણ ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ કર્યો છે. તેવામાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે પણ મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતીઓ ઠગના નિવેદન પર ફરિયાદ
મળતી માહિતી અનુસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ મેટ્રો કોર્ટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોધાવી છે. તેજસ્વી યાદવે ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. આ ઠગવાળા નિવેદન બદલ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ વિરુદ્ધ ઠગ, ધૂર્ત સહિતના અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યા છે. જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોને દૃષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
1લી મેએ વધુ સુનાવણી હાથ ધરાશે
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે 22 માર્ચ 2023ના રોજ આ નિવેદન આપ્યું હતું. અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નહીં. જે અંતર્ગત બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. આ મામલે ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.