રાજકોટ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટમાં ગત 12 એપ્રિલના રોજ સગીરા સાથે છેડતી અડપલાં અને બિભત્સ ચેનચાળાં કરવાના ગુનામાં માલવીયાનગર પોલીસે આરોપી આરીશ કુરેશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 12 એપ્રિલના રોજ સાંજના 4 થી 6 વાગ્યા સમય દરમિયાન આરીશ કુરેશી નામનો શખ્સ સગીરાને વાહનમાં બેસાડી ટ્યુશનમાં મૂકી જાવ તેવું કહી ટ્યુશનમાં લઇ જવા બદલે બાળકીને અન્ય અવાવરું સ્થળે લઇ જઇ જબરદસ્તી બાથ ભીડી ચહેરા પર હોઠ પર કિસ કરી છાતીના ભાગે દબાણ કરી અડપલાં કરતો હતો. આ પછી જો આ વાત કોઈ ને કહીશ તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ડરેલી બાળકીએ ઘરે આવીને માતા-પિતાને આપવીતી જણાવી
બાળકી ગભરાયેલી હાલતમાં અને ગુમસુમ રહેતા પરિવારજનોએ પૂછતાં બાળકીએ આ આપવીતી જણાવી હતી જે સાંભળતા માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેને લઈ પિતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચતા પોલીસે આરોપી આરીશ કુરેશી વિરુધ્ધ 354(એ), 504, 506(2) એટ્રોસિટી એક્ટ કલમ 3(2) (5-અ) તથા પોક્સોની કમલ 12 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક સ્લીપ થતાં ખેડૂતનું મોત
રાજકોટના કાલાવડ રોડ પર ગત તા.6 એપ્રિલના રોજ પરસોત્તમભાઈ રાબડીયા કટારીયા ચોકડી પાસે પહોંચતા અચાનક તેમનું બાઈક સ્લીપ થતા ગંભીર ઇજા થઇ હતી. જે બાદ તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેમણે ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક ખેતી કામ કરતા, તેઓ 4 ભાઈ 4 બહેનમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં 1 દીકરી અને 2 દીકરા છે. સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા રાબડીયા પરિવારમાં કલ્પાંત છવાયો છે..
નિવૃત વૃદ્ધે આપઘાત કર્યો
રાજકોટ જામનગર રોડ પર આવેલા શેઠ નગરમાં રહેતા વલીભાઈ ગંગુભાઈ અશવાણી (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા પરિવારે 108ને જાણ કરતા ઇએમટીના અંકિતાબેને જોઈ તપાસી વલીભાઈને મૃત જાહેર કર્યા હતા. અને બાદમાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક વૃધ્ધ નિવૃત જીવન જીવતા હતા અને તેઓને સંતાનમાં એક પુત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ સિવિલમાં મહિલાએ દમ તોડ્યો
દામનગરમાં જુના બકાલા માર્કેટ પાસે રહેતા રેખાબેન દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.40)નું બાઈક પરથી પડી જતા ગંભીર રીતે ઘવાતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું છે. રેખાબેન ગઇકાલે પોતાના કુળદેવી માતાજીના ચલાલા ગામ ખાતે આવેલા મંદિરેથી પોતાના પુત્ર રોહિત સાથે બાઈક પર આવી રહ્યા હતા. તે સમયે હરિપર હિંગોરાણા ગામ વચ્ચે અચાનક રેખાબેન બાઈક પરથી ઢળી પડયા હતા. જેથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ દામનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતા સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. મૃતકના પતિ દેવજીભાઈ હયાત નથી. મૃતકને સંતાનમાં 1 દીકરી અને 2 દીકરા છે. પોલીસે રેખાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે 33 હજારથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી
શહેરના રેલવે જંકશન નજીકનાં ગાયકવાડી વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે બેટરી અને કેમેરાની ચોરીની ઘટના સામે આવી હતી. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચનાં પેટ્રોલિંગ દરમિયાન આ ગુનાને અંજામ આપનાર શખ્સો કીટીપરા નજીક હોવાની માહિતી મળી હતી. જેને આધારે દરોડો પાડી ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાકુભાઈ ભોણીયાની સાથે પ્રતાપ બટુકભાઈ ભોણીયા નામના બે શખ્સોને દબોચી લીધા હતા. અને બંને પાસેથી 6 સીસીટીવી કેમેરા તેમજ ત્રણ કારની બેટરી સહિત કુલ રૂ. 33 હજાર કરતા વધુ રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી પ્રતાપ વિરુદ્ધ શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં 6 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું તેમજ અનિલ સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0 comments:
Post a Comment