ઘઉંના ભાવની નીચી બોલીથી હરાજી શરૂ કરતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, અડધો કલાક બાદ હરાજી શરૂ થઇ | Farmers were angry when the auction started due to the low price of wheat, the auction started after half an hour. | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા

  • કૉપી લિંક

હિંમતનગર માર્કેટયાર્ડમાં વહેલી સવારથી ખેડૂતોના વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે માર્કેટયાર્ડ શરૂ થતા જાહેર હરાજીમાં વેપારીઓએ ઘઉંના ભાવની નીચી બોલીથી હરાજી શરૂ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ઘઉં વેચવા આવેલા ખેડૂતોએ જાહેર હરાજીની કામગીરી અટકાવી દઇને ભારે હોબાળો મચાવતા હિંમતનગર એ ડિવીઝન પોલીસ પણ માર્કેટયાર્ડ ખાતે પહોંચી હતી. જોકે સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સમાધાન થયા બાદ જાહેર હરાજી ફરીથી શરૂ થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં વહેલી સવારથી ખેડૂતો ટ્રેકટરો લઇને ઘઉં વેચાણ માટે આવતા હોય છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં થોડાક દિવસ અગાઉ ઘઉંનો પ્રતિ મણ ભાવ રૂપિયા 850થી 900 સુધીનો બોલાયો હતો. મંગળવારે સવારે ખેડૂતો પાસેથી હરાજીમાં ઘઉંની ખરીદી વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઘઉંનો ભાવ નીચો રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. નીચા ભાવે હરાજી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. અને હરાજીની પ્રક્રિયા અટકાવી દીધી હતી. રૂપિયા 380 થી 400નો ભાવ પડતાં ખેડૂતોએ હરાજી બંધ કરતા વેપારીઓ પણ પોતાની દુકાનોમાં જતા રહ્યા હતા. જોકે રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હલ્લો મચાવતા હિંમતનગર એ ડિવીઝન પોલીસ પણ માર્કેટયાર્ડ ખાતે દોડી આવી હતી.

આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન રાજુભાઇ પંચાલ સહિતના અગ્રણીઓ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરાવી હરાજીની કામગીરી ફરી શરૂ કરાવી હતી. આ અંગે માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન રાજુ પંચાલે જણાવ્યુ હતુ કે, હિંમતનગર માર્કેટયાર્ડ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ઘઉંના સૌથી વધુ ભાવ આપી રહ્યુ છે. હરાજી મારફતે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવે છે. જોકે આ વખતે પલળેલા ઘઉં હોવાથી કેટલાક ખેડૂતોના ઘઉં પાતળા તેમજ કાળી ટીપકીવાળા જોવા મળ્યા છે. જેનો ભાવ નીચો રહે છે. માર્કેટયાર્ડમાં સારા ઘઉંની ખરીદી કરતા વેપારીઓ રૂપિયા 700થી 850 સુધીના ભાવે ઘઉંની ખરીદી કરે છે. ત્યારે ખેડૂતોને વધુ ભાવ મળે તે માટેના પ્રયાસો પણ માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવ્યા છે. નારાજ ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ અડધો કલાકમાં ફરીથી હરાજીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…