સુજલામ સુફલામ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ સુધી પરમીટ અપાઇ હોય તેવા ખેડૂતોને પણ હવે મળશે માટી લઇ જવાની પરવાનગી | Farmers who have been given permits for the last two years under the Sujalam Suflam Yojana will now also get permission to carry soil. | Times Of Ahmedabad

પોરબંદર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરીમાં ખેડૂતને સ્વખર્ચે માટી લઇ જવાની છૂટ અપાઇ હતી. જેમાં બે વર્ષ સુધી પરમીટ અપાઇ હોય તેવા ખેડૂતોને ત્રીજા વર્ષે પરવાનગી આપવી નહીં તેવી શરત નક્કી થઇ હતી. પરંતુ આ જીઆરને લીધે ધરતીપુત્રોને અન્યાય થતો હોવાનું જણાવી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઇ વિભાગના સચિવને ભલામણ કરીને પરિપત્રમાં ફેરફાર કરી ખેડૂતોને માટી લઇ જવા માટે છૂટ મળવી જોઇએ તેવી માગ કરી હતી અને સરકારે હકારાત્મક નિર્ણય લઇને માટી લઇ જવાની ત્રીજા વર્ષે પણ છુટ આપી હોવાનું જાહેર થયું છે.

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત તળાવોને ઉંડા કરવા માટે ખેડૂતોને સ્વખર્ચે માટી ઉપાડીને પોતાના ખેતરમાં પાથરવાની છૂટ આપેલી હતી અને પરિપત્ર કરીને જે તે જિલ્લાના નોડલ ઓફિસરને સતા આપીને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનાવેલી કમીટીમાં મંજૂરી મેળવીને ખેડુતોને જમીન સુધારણા માટે પરમીટ આપવાની જોગવાઇ કરેલી હતી. આ જોગવાઇમાં એક શરત એવી નાખી હતી કે છેલ્લા વર્ષોમાં સદરહુ યોજના અંતર્ગત જે તળાવમાં 2 વર્ષ સુધી પરમીટ અપાયેલી હોય તે તળાવમાં આ યોજના હેઠળ ખેડૂતોને માટી ઉપાડવાની પરવાનગી આપવી નહીં.

આ તઘલખી જીઆરને કારણે પોરબંદર જિલ્લામાં મોટા ભાગના તળાવોમાંથી ખેડુતોને માટી ઉપાડવાની પરવાનગી આપી શકાતી ન હતી. આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાને લેખિત અને મૌખિક રજુઆત કરી હતી કે આ જે ખેડુતો સ્વખર્ચે માટી ઉપાડવા માંગતા હોય એને જે તે તળાવમાંથી બે વર્ષ સુધી માટી ઉપાડી હોય તો પણ ખેડુતોને પરવાનગી આપવી જોઇએ.

આ બાબતે સિંચાઇ વિભાગના સચિવને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને મળીને આ તઘલખી જીઆરમાં સુધારો કરવા જણાવાયું હતું. તેથી આ બાબતે સચિવે નવો જીઆર કરાવીને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવાની ખાત્રી આપી હતી. આ બાબતે સિંચાઇ વિભાગે ગઇકાલે સાંજે નવો જીઆર કરીને પોરબંદર જિલ્લાના નોડલ ઓફિસરને મોકલી આપ્યો છે અને નોડલ ઓફિસર આજે જિલ્લા કલેક્ટર કક્ષાની સમિતિમાં પુટઅપ કરશે અને સમિતિની મીટીંગ મળ્યે ખેડુતોને સ્વખર્ચે માટી ઉપાડવાની પરમીટ આપવાની કાર્યવાહી શરૂ કરશે. ખેડૂતોને સ્વખર્ચે માટી ઉપાડવાની પરવાનગી મેળવવા માટે દાખલારૂપ પ્રયત્ન કરવા બદલ પોરબંદર જિલ્લાના ખેડુતોએ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો આભાર માન્યો હતો અને ખેડૂતો હવે ત્રીજા વર્ષે પણ માટી સ્વખર્ચે ઉપાડી શકશે તેવી મંજૂરી અપાતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે…