- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Fire Broke Out Due To Short Circuit On Third Floor Of Kiran James Diamond Factory In Surat Varachha, AC furniture Burnt To Ashes, One Fireman Injured
સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક

કિરણ જેમ્સ ડાયમંડ ફેક્ટરીના ત્રીજા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા નાસભાગ મચી
સુરતના વરાછાના વિસ્તારમાં આવેલ કિરણ જેમ્સ નામના હીરાના કારખાનામાં અચાનક આગ ફાટી હતી.જેને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.કારખાનાના ત્રીજા માળે આગ લાગેલી હોવાથી દૂર-દૂર સુધી ઘુમાડો દેખાઈ રહ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ શહેરના જુદા-જુદા ચાર જેટલા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 260 જેટલા કોમ્પ્યુટર, 60 સરીન મશીન,170 જેટલા સરિન સ્ટેશન, 252 વજન કાંટા સહિત એસી ,ફર્નિચર બળીને ખાક થઈ થઈ ગયું હતું. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ, કામગીરી દરમિયાન ફાયરના એક જવાનને ગંભીર ઈજા પહોંચ્યા તે ઘાયલ થયો હતો.

કિરણ જેમ્સના હીરા કારખાનામાં આગ
સુરતના વરાછા વૈશાલી ચાર રસ્તા ખાતે પાંચ માળની હીરા ફેકટરીની કિરણ જેમ્સ બિલ્ડીંગ આવેલી છે. આ બિલ્ડિંગના ત્રીજા માળે હીરાનું કારખાનું છે. આ કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના લીધે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે કારખાનામાં ફાયર અલાર્મ વાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

ચાર ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કતારગામ, કાપોદ્રા, ઘાંચીશેરી અને મુગલીસરા એમ ચાર ફાયર સ્ટેશનનો ફાયર બ્રિગેડના જવાનોનો સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. કારખાનાના ત્રીજા માટે આગ લાગતા ફાયર વિભાગને ત્યાં સુધી પહોંચવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. ફેક્ટરીની અંદર એસી સહિત અન્ય હીરાના માટેના ઈલેક્ટ્રિક સાધનોને લઈ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ઉઠી હતી. આગ લાગતા ત્રીજા માળે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ઓફિસર રોજીવાડીયાએ જણાવ્યું હતું કે, આગ સામાન્ય હતી પરંતુ, કારખાનું બંધ હોવાને કારણે ઘુમાડો વધારે ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ અમારી ફાયરની ટીમ તાત્કાલિક તમામ સાધનોના ઉપકરણો સાથે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્રીજા માળે ભારે જેહમત ઉઠાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લઈ લીધી હતી પરંતુ, ધુમાડો વધારે હોવાને કારણે સફોકેશન વધુ ફેલાયું હતું જેથી, તેને બહાર કાઢવો ખૂબ જરૂરી હતો.

ઘટનામાં એક ફાયર જવાન થયો ઈજાગ્રસ્ત
ફાયર અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કારખાનામાં ફેલાયેલા ધુમાડાને બહાર કાઢવા માટે અમારા દસ જેટલા જવાનો બી.એસ.સેટ પહેરીને અંદર ગયા હતા ત્યારે ઘુમાડો બહાર કાઢવા માટે હીરા કારખાનાનાનાં કાંચ તોડવા પડ્યા હતા. આ દરમિયાન કાંચ વાગવાથી ફાયરના જવાનને ઇજા પહોંચી હતી. કતારગામ ફાયર સ્ટેશનના જવાન કાળુભાઇ ભોળીયાને ગંભીર ઈજા પહોંચતા તે ઘાયલ થઇ ગયા હતા. જેથી તેને જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મોટા પ્રમાણમાં કોમ્પ્યુટર ,મશીન સહિતનો સમાન બળીને ખાક
ફાયર અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી બેથી અઢી કલાક પછી આગ સાથે સંપૂર્ણ ઘટના ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં રહેલ ફાયર એલાર્મ વાગતા ત્યાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ સમયસર બહાર નીકળી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી કે કોઈ કર્મચારી ફસાયું ન હતું. જો કે, આગને કારણે કારખાનામાં રહેલ 260 કોમ્પ્યુટર,60 સરીન મશીન,170 જેટલા સરિન સ્ટેશન, 252 વજન કાંટી, એસી,ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.
