હાટકેશ્વર બ્રિજથી લઈ સ્મશાન કૌભાંડના પ્રશ્નોને વિપક્ષ ઉજાગર કરી શકી નહીં, આંતરિક લડાઈમાં પ્રજાના પ્રશ્નો ભુલાયા | From Hatkeswar Bridge to cremation scam, opposition failed to raise issues, people's issues were forgotten in the infighting. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. શહેરમાં હાટકેશ્વર બ્રિજ અને સ્મશાનોમાં લોખંડની ઘોડીમાં ફેરફાર અને લાકડા કૌભાંડ સહિતના અનેક પ્રશ્નો હોવા છતાં પણ વિપક્ષ સામાન્ય સભામાં ભાજપ સત્તાધીશો સામે નબળું પુરવાર થયું હતું. વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે લડાઈના કારણે વિપક્ષ શહેરની પ્રજાના પ્રશ્નો અને અનેક સમસ્યાઓને સામાન્ય સભા દરમિયાન યોગ્ય રીતે રજુ કરી શકી ન હતી. ભ્રષ્ટાચારના ઉદાહરણ સમાન હાટકેશ્વર બ્રિજ અને લાકડા કૌભાંડ સહિતના પ્રશ્નોને ઉજાગર કરવાની જગ્યાએ પોતાના વોર્ડના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કોંગ્રેસના કોર્પોરેટરને કાગડા પણ કહ્યાં હતા.

સિનિયર કોર્પોરેટરોની ગેરહાજરી અને સંકલનના અભાવે નબળી રજૂઆત
આજે અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરના હાટકેશ્વર બ્રિજથી લઈને સ્મશાન કૌભાંડની બાબતોને લઈને ભાજપ સત્તાધીશો સામે કોંગ્રેસ નબળું પુરવાર થયું હતું. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ આજે ગેરહાજર હતા. જેની ગેરહાજરીમાં ઉપનેતા નીરવ બક્ષીને વિપક્ષના નેતા તરીકે રજૂઆત કરવાની હતી પરંતુ, બંને નેતાઓ વચ્ચેના સંકલનના અભાવના કારણે કોર્પોરેશનમાં મહત્વના પ્રશ્નો પર રજૂઆત કરી શક્યા ન હતા તો બીજી તરફ કોંગ્રેસના અનેક સિનિયર કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. વિપક્ષ કોંગ્રેસની અંદરો અંદરની લડાઈના કારણે આજે કોંગ્રેસ ભાજપ સામે કોઈ ધારદાર રજૂઆત કરી શકી ન હતી.

પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવામાં કોંગ્રેસ નબળી સાબિત થઈ
વિપક્ષના ઉપનેતા નીરવ બક્ષીએ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શહેરના હાટકેશ્વર બ્રિજથી લઈ અને લાકડા સ્મશાન કૌભાંડની વાત કરવાની જગ્યાએ તેઓ બસના શેલ્ટરની સફાઈ બ્રિજની સમય મર્યાદા કેમ પૂર્ણ થઈ તેમના દરિયાપુર વોર્ડમાં ગ્રાન્ટની રકમ ફાળવી તે અંગેની રજૂઆત કરી હતી પરંતુ, વિપક્ષના એક નેતા તરીકે જે રીતે તેઓએ સ્મશાન કૌભાંડ અને હાટકેશ્વર બ્રિજ મામલે પ્રશ્નો ઉઠાવવા જોઈએ તે ઉઠાવ્યા નહોતા જેથી કહી શકાય તે વિપક્ષ પાસે અનુભવની કમી અને આંતરિક લડાઈમાં સંકલનનો અભાવ હોવાના કારણે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવામાં કોંગ્રેસ નબળી સાબિત થઈ છે.

કોંગ્રેસના કોર્પોરેટરને કાગડા કહી હાસ્ય ફેલાવ્યું
આજે સામાન્ય સભામાં રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ રજૂઆત કરવા માટે ઊભા થયા હતા. દશરથભાઈ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર હાજીભાઈ બોલવા માટે ઊભા થયા હતા. તેઓએ ભાજપની કામગીરીના વખાણ કર્યા હતા. જેથી દશરથભાઈ જ્યારે બોલવા ઉભા થયા ત્યારે તેઓ બોલ્યા હતા કે, હમણાં આપણે સાંભળ્યું કે કાગડાના મોઢેથી રામ બોલાયું આવું કહેતા. આમ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર કોંગ્રેસના કોર્પોરેટરને કાગડા તરીકે હાસ્ય ફેલાયું હતું.

રસીદકાંડમાં સામેલ કંપનીને જ ફરીથી કોન્ટ્રાક્ટ આપ્યો
વીએસ હોસ્પિટલમાં થયેલા બોગસ રસીદકાંડમાં સંડોવાયેલી કંપનીને જ ફરીથી કોન્ટ્રાક્ટ આપવા અંગે પણ આજે સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી. કોંગ્રેસ દ્વારા મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો કે, વીએસ હોસ્પિટલમાં રસીદ કૌભાંડ થયું હતું. તેમાં સંડોવાયેલી કંપનીને ફરીથી મેન પાવરનો કોન્ટ્રાક્ટ આપવા માટે થઈ, જે દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે તે શરમજનક છે. જેને લઇને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જવાબ આપ્યો હતો કે, ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ મેન પાવરની કામગીરીને પરત મોકલવામાં આવી છે. સૂત્રો મુજબ પહેલા આ કામગીરીને આગામી કમિટી સુધી બાકી રાખવામાં આવી હતી પરંતુ, મોડી રાત્રે આ કામને પરત કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે.

Previous Post Next Post