બનાસકાંઠા (પાલનપુર)44 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠામાં વીજટ્રાન્સફોર્મર માંથી ચાલુ વીજપ્રવાહે રબ્બરની પાઇપથી વાલ્વ દ્વારા ઓઇલ કાઢવાની માસ્ટરી કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. પાલનપુર તાલુકા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી 1.12 લાખના ઓઇલ સહિતનો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં જુદાજુદા સ્થળોએ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરવાના કારસ્તાનનો પાલનપુર તાલુકા પોલીસે પર્દાફાશ કરી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જેમની પાસેથી રૂપિયા 1.12 લાખનું ઓઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા, જાડા, દેલવાડા, નવા ભેસાણા, સરદારપુરા, પાલનપુર તાલુકાના સદરપુર, વાઘણા, વેડંચા, મલાણા, લુણવા સહિતના ગામોમાં છેલ્લા બે માસમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરીની ફરિયાદો થઇ હતી. જેને લઈને પોલીસ સક્રિય થઈ હતી. ત્યારે પાલનપુર તાલુકા પોલીસે ઓઇલ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. જેમણે ચડોતર નજીક એક કમાન્ડર જીપની તલાસી લેતાં અંદરથી 150 લીટર ઓઇલ મળી આવ્યું હતું. જેથી મુળ દિયોદર તાલુકાના બોડા હાલ પાલનપુરના ચંડીસરના પીરાભાઇ લક્ષ્મણભાઇ ઠાકોર, અમીરગઢના રામપુરા વડલાનો ભીખાભાઇ સોમીરાભાઇ દામાને ઝડપી લીધા હતા. જેમણે ઓઇલ ચોરી કબુલી હતી. પોલીસે ચોરીનું ઓઇલ ખરીદનારા પાટણ જિલ્લાના વહાણાના શર્માજી ઉદાજી ઠાકોરની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી

પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, ઝડપાયેલા બંને શખ્સો વીજ ટ્રાન્ફોર્મરની ઉપરના ભાગે રબરની કેપ ભરાવી દેતા હતા. જેથી વીજપ્રવાહ રોકાઇ જતો હતો. પછી ટ્રાન્સફોર્મરના વાલ્વામાં રબરની પાઇપ નાંખી ઓઇલ કાઢી નાંખતા હતા. મોટા ભાગે રાત્રિ દરમિયાન ચોરી કરતા હતા. જેના માટે કમાન્ડર જીપનો ઉપયોગ કરતા હતા. વીજ ટ્રાન્સફોર્મરમાંથી ચોરી કરેલ ઓઇલ બજાર કરતાં સારી ગુણવત્તાવાળુ ઓઇલ હોઈ વાહનોના એન્જિનમાં ઉપયોગી થતું હોઇ આરોપીઓ તેને વેચી મારતા હતા. રાત્રીના સમયે આરોપીઓ ઓઇલની ચોરી કરતા હોવાથી તેમના ઉપર કોઈ શક કરતું નહીં અને તેવો પોલીસ પકડથી દૂર હતા જોકે હવે ઓઇલ ચોરી કરતી ગેંગ પોલીસના હાથે ઝડપાઇ ગઈ હતી. આરોપીઓએ આ પહેલા ક્યાં ક્યાં ચોરી કરી હતી અને તેમની ગેંગમાં અન્ય કોઈ વધુ ઈસમો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

