રાજકોટ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તાર પાસે નારાયણનગર શેરી નંબર 1માં રહેતા હરેશભાઈ રમેશભાઈ ભાલારા (ઉ.વ.36) નામના પટેલ કારખાનેદારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અંકિત તિવારી તથા અજાણ્યા મોબાઇલ ધારકનું નામ આપ્યું છે.
અજાણ્યા મોબાઈલમાંથી કોલ આવ્યો
હરેશભાઈને આજીડેમ ચોકડી પાસે મહીકા રોડ દિનદયાલ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નંબર.4માં જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર પેકેજીંગનું કારખાનું આવેલું છે. ગત તા.18/9/2022 ના તેમના ફોન પર અજાણ્યા મોબાઈલમાંથી કોલ આવ્યો હતો અને આ વ્યક્તિએ પોતે સેજલ શોપ ઉત્તર પ્રદેશમાંથી વાત કરે છે તેમ જણાવ્યું હતું અને એફોર પેપરનો ઓર્ડર આપ્યો હતો. જેનું તમારા જય બાલાજી એન્ટરપ્રાઇઝના નામે બિલ બન્યું છે ઓનલાઇન પેમેન્ટ પણ કરી દીધું હોવા છતાં હજુ સુધી માલ મળ્યો નથી.
બિલ બનાવી છેતરપિંડી કરી
બાદમાં તેમણે આ બિલની કોપી વોટ્સએપમાં મોકલી હતી. જેથી ફરિયાદીને જાણ થઈ હતી કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના જીએસટી નંબરનો ઉપયોગ કરી બિલ બનાવી છેતરપિંડી કરી હતી. ત્યારબાદ આ જ રીતે તા.26/3 ના કોલ આવ્યો હતો અને ફોનમાં વાત કરનાર વ્યક્તિએ કે, હું ગણેશ એન્ટરપ્રાઇઝ દિલ્હીથી બોલું છું એફોર પેપરનો ઓર્ડર આપ્યો હતો. છતાં માલ મળ્યો નથી અને તેમણે પણ વોટ્સએપમાં ફરિયાદીના પેઢીના બિલ મોકલ્યા હતા.
પેઢીના ખોટા બિલ બનાવ્યા
આ મામલે ફરિયાદીને પોતાની જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના જીએસટી નંબરનો ઉપયોગ કરી બિલ બનાવી કોઈ અજાણ્યો શખ્સ છેતરપિંડી કરતો હોવા અંગે અરજી આપી હતી. બાદમાં આ મામલે તેમણે પોતાની પેઢીના ખોટા બિલ બનાવી પેઢીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા છેતરપિંડી કરતા હોય અને ખોટા વીઝીટીંગ કાર્ડ તથા બિલ બનાવનાર અંકિત તિવારી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.