અમદાવાદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) સમગ્ર અમેરિકામાં લગભગ 20,000 હોટેલિયર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ 10 લાખથી વધુ કર્મચારીઓ સાથે 34,000થી વધુ સભ્યોની માલિકીની હોટેલ અમેરિકાના અર્થતંત્રમાં નોંધપાત્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ એસોસિએશનના પ્રમુખ, મહામંત્રી અને બોર્ડના સભ્યોની પસંદગી કરવા માટે એક ચૂંટણીનું આગામી સમયમાં આયોજન થઈ રહ્યું છે. કન્વેન્શન સ્વરૂપે તારીખ 11થી 14 એપ્રિલ દરમિયાન લોસ એન્જેલસ ખાતે યોજાઈ રહેલા આ કાર્યક્રમને અતિ ભવ્ય બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. અમેરિકાના GDPમાં આ સંસ્થા 367 બિલિયન ડોલરનો ફાળો આપી રહી છે. જેની ચૂંટણીનું મતદાન 13 એપ્રિલના રોજ ોફલાઇન નહીં પણ ઈ-વોટિંગથી થશે.
અમેરિકાના 22 રાજ્યમાં AAHOAનું નેટવર્ક
અમેરિકાના 22 રાજ્ય AAHOAનું નેટવર્ક ફેલાયેલું છે. આ તમામ રાજ્યોમાં એક ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે જેને રિજિયોનલ ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ 10 બાયલોઝ આધારે AAHOAનું માળખું રચાયેલું છે. આ નિયમોને આધિન જ AAHOAનું સમગ્ર નેટવર્ક કામગીરી કરી રહ્યું છે.
AAHOAમાં અલગ અલગ 7 કમિટી કાર્યરત
AAHOAની અલગ અલગ 7 કમિટી છે. જેમાં પૂર્વ ચેર કાઉન્સિલ, સ્ટ્રેટેજીક પ્લાનિંગ, સ્વતંત્ર હોટેલિયર, ગવર્મેન્ટ અફેર્સ, ફ્રેન્ચાઈઝ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ રિલેશન, ફાયનાન્સ એન્ડ ઓડિટ અને એજ્યુકેશન એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આમ, અમેરિકામાં સ્થિત હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં સિંહફાળો AAHOAનો રહેલો છે.
કન્વેન્શનમાં સદગુરુ અને બ્રહ્મ વિહારી સ્વામી વક્તવ્ય આપશે
11થી 14 એપ્રિલ સુધી AAHOAનું કન્વેન્શન યોજાશે. આ વખતે આ કન્વેશન લોસ એન્જેલસ ખાતે યોજાવા જઈ રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ સમયે ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એજ્યુકેશન માટે સેમિનાર, યંગ પ્રોફેશનલ સેશન્સ, હ્યુમન ટ્રાફિકિંગ નિવારણ માટે તાલીમ તથા સર્ટિફિકેશન કોર્ષ તથા ટ્રેડ શો યોજાશે. આ કાર્યક્રમમાં સદગુરૂ તેમજ બ્રહ્મ વિહારી સ્વામી સહિતના વક્તાઓ વક્તવ્ય આપશે.
ઈ-વોટિંગ મારફતે ચૂંટણી યોજાશે
લોસ એન્જેલસ ખાતે યોજાઈ રહેલા કન્વેન્શન દરમિયાન AAHOAના નવા ચેરમેન, મહામંત્રી સહિત બોર્ડ ડિરેક્ટર્સ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. અત્યાર સુધી ઓફ લાઈન અને ઓનલાઈન એમ બન્ને રીતે AAHOAના સભ્યો મતદાન કરી શકતા હતા. પરંતુ આ વખતથી મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. AAHOAના સભ્યો ઈ-વોટિંગ જ કરી શકશે.
એચ 2બી વિઝા માટે સરકાર સાથે મંત્રણા ચાલુઃ નીલ નિશાંત પટેલ
દિવ્ય ભાસ્કર દ્વારા એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના ચેરમેન નીલ નિશાંત પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુએસમાં હાલ હોટલ ઈન્ડસ્ટ્રીનો ભાવ 30 ટકા વધ્યો છે, કેમ કે હરિફાઈ વધારે છે. હરિફાઈ એટલે વધારે થઈ છે કેમ કે, લોકો બહારથી આવી અને પ્રોપર્ટી ખરીદી કરે છે. જેથી મોટો ફાયદો થશે. આખું યુએસ ફોરેનના નાણાંથી જ ચાલે છે. અમારો પ્રયાસ છે કે, વિઝિટર વિઝા એપ્લાય કરવા માટે પ્રોસેસ લાંબી છે.
યુએસ દ્વારા આ પ્રોસેસ નાની કરવી પડે
નિલ નિશાંત પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, યુએસ દ્વારા આ પ્રોસેસ નાની કરવી પડે. કોઈ પણ વ્યક્તિ વેકેશન કે મુલાકાત માટેનું પ્લાનિંગ વહેલા ન કરે. એટલે અમે સરકાર સાથે વાતચીત કરીએ છીએ કે બને તો વધારે માણસ રોકવામાં આવે અને આ પ્રોસેસ નાની કરવી જોઈએ. આ ઉપરાંત વિઝિટર વિઝામાં સમાવિષ્ટ દેશોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો યુએસની ઈકોનોમીનો આઉટપુટ વધશે. હાલ, એચ 2બી વિઝા કે જેમાં ભારત નથી તો સરકાર સાથે અમારી એ પણ માગ છે કે, તેમને અહીં આવવા દો, જેથી ગુજરાતના લોકો આવી શકે.
AAHOA ડેલિગેશન તાજેતરમાં ગુજરાત આવ્યું હતું
અમેરિકા સ્થિત એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનની ગુજરાત સરકાર સાથે પણ ગત જાન્યુઆરી માસમાં અલગ અલગ બે મિટિંગ યોજાઈ હતી. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના NRG ચેરમેન હિમાંશુ વ્યાસના સંકલન હેઠળ યોજાયેલ તમામ બેઠકો પૈકી અમદાવાદ ખાતે પણ એક બેઠક યોજાઈ હતી. અલગ અલગ બેઠકની અંદર થયેલા સંવાદમાં ચર્ચાનો મુખ્ય હેતુ અમેરિકા સ્થિત એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન આગામી સમયમાં યુએસ, ગુજરાત અને ભારતમાં કેવા પ્રકારના આયોજન કરવા ઈચ્છી રહ્યા છે તે અંતર્ગત હતા.
હોટલને હકારાત્મક અસર કરતા મુદ્દા પર ફેડરલ ગવર્મેન્ટ સાથે ચર્ચા
યુએસમાં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનની કુલ 34 હજાર હોટલ છે, જેના 20 હજાર સભ્યો છે. આ તમામ હોટલ પૈકી 90 ટકા ગુજરાતીઓની હોટલ છે. થોડાં સમય પહેલા અમે વોશિંગ્ટન ડીસીમાં 100 ડેલિગેટ્સ ગયા અને યુએસ સરકાર સાથે મિટિંગ પણ કરી. જેમાં હોટલને હકારાત્મક રીતે અસર કરે તેવા નિયમો લાગુ કરવામાં આવે તેવી રજૂઆત AAHOAના સભ્યો દ્વારા કરવામાં આવી છે.
ફેડરલની સામે AAHOA વેજ વધારે આપે છે
2019માં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનએ સરવે કર્યો કે, જોબ ઓપનિંગ કેટલી છે તો 90 ટકા હોટલમાં જોબ હતી. હાલ પણ બધી જ હોટલમાં જોબ ઓપન છે. 2019 કરતાં પણ વધારે માગ છે. જોબની ઉપલબ્ધતા એવી છે કે, કોઈ અમેરિકા ખાતે આવે છે તો એક મહિનાની અંદર જ જોબ ગેરંટી છે. હોટલ ઈન્ડસ્ટ્રીમાં તો એક વીકમાં જ જોબ મળી જશે તેવો દાવો AAHOA કરે છે. ફેડરલ ગવર્મેન્ટ હાલ મિનિમમ વેજ 7.25 ડોલર આપે છે. અમે 15 ડોલર આપીએ છીએ તેમ નીલ નિશાંત પટેલે જણાવ્યું હતું. તેમજ કેટલાક રાજ્યમાં મિનિમમ વેજ વધારે છે. અમે સરકારને કહ્યું છે કે ટેક્સ ઓછો રાખવામાં આવે તો પ્રોપર્ટીમાં ઇમ્પ્રુવમેન્ટ વધારે થાય તેવું પણ ઉમેર્યું હતું.
AAHOAની રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની અસરો અંગે અભ્યાસ કરાયો
યુએસના અર્થતંત્રમાં મહત્વની અસર માપવા માટે, AAHOAએ વૈશ્વિક આગાહી અને જથ્થાત્મક વિશ્લેષણમાં આંતરરાષ્ટ્રીય અગ્રણી ઓક્સફોર્ડ ઇકોનોમિક્સને વ્યાપક આર્થિક અસર વિશ્લેષણ કરવા માટે જોડ્યું છે. અભ્યાસમાં AAHOA સભ્યોની માલિકીની યુએસની હોટેલો અને રૂમના ફાળા અંગેના હિસ્સાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય બન્ને પર હોટેલ ઓપરેશન્સ, હોટલ ગેસ્ટ આનુષાંગિક ખર્ચ, મૂડી રોકાણ અને યુએસ અર્થતંત્રના અન્ય ભાગોમાં AAHOA હોટેલ દ્વારા સમર્થિત પરોક્ષ અને પ્રેરિત અસર વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો.
યુએસ હોટલનું પ્રદર્શન ઘટ્યું- STR
વસંત વિરામની મોસમના સામાન્ય પ્રવાહ અને પ્રવાહને જોઈએ તો યુએસ હોટલનું પ્રદર્શન 25 માર્ચ સુધીના STRના તાજેતરના ડેટા અનુસાર પાછલા સપ્તાહની સરખામણીએ ઘટ્યું હતું. AAHOAએ પોતાની વેબસાઈટ પર મૂકેલા STRના તારણ પરથી જોઈએ તો હોટલનું પ્રદર્શન જે રીતે ઘટી રહ્યું છે ત્યારે હોટેલિયરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પ્રદર્શનમાં પણ સુધારો કેવી રીતે લાવી શકાય તે માટે ચૂંટણી યોજાયા બાદ નવનિયુક્ત બોર્ડ મંડળ રણનીતિ નક્કી કરે તેવી સંભાવના છે.
STR રિપોર્ટના તારણો
(19-25 માર્ચ 2023 (2022, 2019માં તુલનાત્મક અઠવાડિયાથી ટકાવારીમાં ફેરફાર))
- વ્યવસાય: 64.9% (-0.6%, -6.3%)
- સરેરાશ દૈનિક દર (ADR): US$158.61 (+4.7%, +19.5%)
- ઉપલબ્ધ રૂમ દીઠ આવક (RevPAR): US$102.98 (+4.1%, +12.0%)
- ટોચના 25 બજારમાં, શિકાગોમાં વર્ષ-દર-વર્ષે વ્યવસાયમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો (+12.2% થી 63.4%)
- ફોનિક્સ 2019 (+3.1% થી 81.5%)માં એકમાત્ર ઓક્યુ પન્સી લિફ્ટ જોવા મળી.
- વોશિંગ્ટન, ડી.સી.એ વર્ષમાં સૌથી વધુ નોંધપાત્ર ADR (+20.9%થી US$194.18) અને RevPAR વૃદ્ધિ (+33.4%થી US$139.83) દર્શાવી છે.
- લાસ વેગાસ 2019ની સામે માપન કરતી વખતે મેટ્રિક્સમાં સૌથી વધુ વધારો નોંધાયો: ADR (+42.7% થી US$187.21) અને RevPAR (+31.5% થી US$148.86).
- 2019થી સૌથી તીવ્ર RevPAR ઘટાડો સિએટલ (-11.8% થી US$101.31) અને ન્યુ ઓર્લિયન્સ (-11.4% થી US$124.47)માં જોવા મળ્યો હતો.
- ન્યૂ ઓર્લિયન્સ પણ દર વર્ષે સૌથી મોટો RevPAR ઘટાડો નોંધાવ્યો (-12.4% થી US$124.47)
STR વિશે
STRના વિશ્વની અગ્રણી હોટેલ કામગીરીના નમૂનામાં સમગ્ર વિશ્વમાં 77,000 મિલકતો અને 10 મિલિયન રૂમનો સમાવેશ થાય છે. STR વૈશ્વિક હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે પ્રીમિયમ ડેટા બેન્ચ માર્કિંગ, એનાલિટિક્સ અને માર્કેટપ્લેસ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. 1985માં સ્થપાયેલ, STR હેન્ડરસન વિલે, ટેનેસી, લંડનમાં આંતરરાષ્ટ્રીય મુખ્યમથક અને સિંગાપોરમાં એશિયા પેસિફિક મુખ્ય મથકમાં ઉત્તર અમેરિકાના મુખ્ય મથક સાથે 15 દેશોમાં હાજરી જાળવી રાખે છે. ઓનલાઈન રિયલ એસ્ટેટ માર્કેટપ્લેસ, કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં માહિતી અને એનાલિટિક્સના અગ્રણી પ્રદાતા CoStar કોસ્ટાર ગ્રુપ, ઇન્ક. (NASDAQ:CSGP) દ્વારા ઓક્ટોબર 2019માં STR હસ્તગત કરવામાં આવ્યું હતું.
હોમલેસ લોકો માટે AAHOA લડત આપે છે- યોગી પટેલ
લોસ એન્જેલસ ખાતે રહેતા અને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના પ્રેસિડેન્ટ યોગી પટેલ જણાવે છે કે, અમેરિકામાં સારી સર્વિસ આપે છે. દરેક હોટેલિયરને મદદ કરે છે. તમામને પડી રહેલી તકલીફ દૂર કરવા માટે માર્ગદર્શન આપે છે. હોમલેસ લોકોનો વધારો થયો છે તે માટે આ લોકો માટે લડત આપે છે. અલગ અલગ રાજ્યોની કાઉન્ટી સાથે મળીને લોકો માટે કામ કરે છે.