સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
પાંડેસરા GIDC ખાતે GEBના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી.
સુરતના પાંડેસરા GIDC ખાતે અંબાજી ડાઈંગ મિલની બહાર આવેલ GEBના ટ્રાન્સફોર્મરના ડીપીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિ બ્લાસ્ટની ઘટનાનો શિકાર બન્યો હતો. આ ઘટનામાં વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના નજીકની મિલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી.
ટ્રાન્સફોર્મરની ડીપીમાં અચાનક બ્લાસ્ટ થયો
સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે અંબાજી ડાઈંગ મિલ આવેલી છે. આ ડાઈંગ મિલની બહાર જીઈબી દ્વારા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવેલું છે. આ ટ્રાન્સફોર્મરમાં આજે અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. દરમિયાન ટ્રાન્સફોર્મરની પાસેથી પસાર થઈ રહેલ એક વ્યક્તિ આ બ્લાસ્ટનો ગંભીર શિકાર બન્યો હતો.
નજીક આવતાની સાથે અચાનક બ્લાસ્ટ થયો.
બ્લાસ્ટની ઘટનામાં વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો
પાંડેસરા જીઆઇડીસી માં આવેલ અંબાજી ડાઇંગ મિલમાં 45 વર્ષીય ઇન્દ્રજીત સિંગ મજૂરી કામ કરી રહ્યા છે. મિલથી નજીકમાં જ આવેલ વડોદના ગણેશ નગર ખાતે રહે છે. જેથી બપોરના સમયે તેઓ જમવા માટે ઘરે ગયા હતા અને જમીને પરત મિલ પર કામ માટે આવી રહ્યા હતા. ત્યારે મિલની બહાર પહોંચ્યા તે સમયે ત્યાં રહેલ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટનામાં ટ્રાન્સફોર્મરમાંથી નીકળેલ ઓઇલ તેમના શરીર પર પડતા આગ લાગી હતી અને ગંભીર રીતે દાઝી ગયા હતા.
ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
ઇન્દ્રજીત સિંગ આગની લપેટમાં આવી જતા તેઓ આગમાં સળગી ઊઠ્યા હતા. જાહેરમાં આગમાં સળગતા સળગતા બુમો પાડતા મિલમાં પહોંચ્યા હતા. જેને લઇ તાત્કાલિક મિલનો સ્ટાફ બહાર આવી ગયો હતો અને ઇન્દ્રજીત સિંગ પર મિલમાં રહેલ ફાયર ફોર્મ છાંટી આગ ઓલવી હતી. જે બાદ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
લોકોમાં નાચભાગ મચી.
બ્લાસ્ટની ઘટના CCTVમાં કેદ
બ્લાસ્ટની આ ઘટના નજીકમાં રહેલ એક મિલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં જ ત્યારે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારનો તમામ વીજ સપ્લાય એક મિનિટ માટે બંધ થઈ ગયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ટ્રાન્સફોર્મરની આસપાસની ધરા ધ્રુજી ઉઠી હતી. ઘટનાને પગલે આસપાસની મિલના કર્મચારીઓ, કારીગરો અને મિલ માલિકોને ધરતીકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. જેને લઇ તમામ દોડીને બહાર આવી ગયા હતા અને નાશભાગ મચી ગઈ હતી.
ઈજા ગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો.
ફાયર પહોંચે તે પહેલા આગ કાબુમાં લેવાય
ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા ફાઇલ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારે ફાયર અધિકારી દિનેશ પટેલે જણાવ્યું હતું કે, અમને કોલ મળ્યો હતો કે, અંબાજી ડાઈંગ મિલની બહાર ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટની ઘટના બની છે. જેને લઇ અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આસપાસથી મિલ કર્મચારીઓએ ફાયર ફોર્મ વડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હતો તેને સ્થાનિકો દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
ભોગ બનનારના ભાઈ.
પરિવાર શોકમાં ગરકાવ
ઘટનાનો ભોગ બનનાર ઇન્દ્રજીત સિંગના ભાઈ રાવેલ સિંગે જણાવ્યું હતું કે, ભોગ બનનાર મારા મોટાભાઈ છે. તે મુળ યુપીના છે. તેના પરિવારમાં પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે પાંડેસરાની અંબાજી ડઇંગ મિલમાં મજૂરી કામ કરે છે. તે બપોરે ઘરે જમીને પરત મીલ પર જઈ રહ્યા હતા, ત્યારે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો અને તે દાઝી ગયા હતા. તેમને મિલના માસ્ટર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ કહ્યું છે કે, હાલ સ્થિતિ સુધારા પર છે, પરંતુ અચાનક બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા પરિવાર શોકમાં ગરકાવ છે.