જલોત્રા નજીકના ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાનનો વિકાસ કરાશે | Guru Dhundhalinath Devasthanam near Jalotra will be developed | Times Of Ahmedabad

પાલનપુર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પગથિયા, સીસી રોડ, આરામ સ્થળ, લાઇટિંગ સહિતના કામો કરવા તત્કાલીન જિલ્લા કલેકટરે વિકાસ બોર્ડને પત્ર લખ્યો
  • પાલનપુરથી 20 કિ.મી.દૂર આવેલા અને 2650 ફૂટ ઊંચા દેવસ્થાનના વિકાસ માટે રૂ. 54.72 કરોડના ખર્ચેની દરખાસ્ત કરાઈ

પાલનપુર થી 20 કિલોમીટરના અંતરે અંબાજી હાઈવે ઉપર જલોત્રા નજીક ગુરુ શ્રી ધૂંધળીનાથ મહારાજ નું 2650 ફૂટ ઊંચે પર્વત ઉપર મંદિર આવેલું છે. અહીંયા ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના શ્રદ્ધાળુઓ પોતાના બાળકોની બાબરી ઉતરાવવા માટે આવે છે. જેને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરતા બનાસકાંઠા જિલ્લા કલેકટરે પત્ર લખી દરખાસ્ત કરી છે. અને રૂપિયા 54.72 કરોડના ખર્ચે વિકાસના કામો કરવા જણાવ્યું છે. આ સ્થળનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થાય અને વિકાસ થાય તો બનાસકાંઠાને વધુ એક રમણીય યાત્રાધામ મળી શકે છે.

પાલનપુર અંબાજી હાઈવે ઉપર 20 કિલોમીટરના અંતરે જલોત્રા નજીક આવેલા ગુરુ શ્રી ધૂંધળીનાથ મહારાજનો પર્વત જે સ્થાનિક વિસ્તારમાં ગુરુના ભોખરા તરીકે ઓળખાય છે. જેની 2650 ફૂટ ઉપર આવેલા બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિત અમદાવાદના અસંખ્ય શ્રદ્ધાળુઓ પોતાના સંતાનોની બાબરી ઉતારવા માટે વૈશાખ જેઠ મહિનામાં આવે છે. જોકે, કઠિન પર્વતીય માર્ગ ઉપર સુવિધાઓ ન હોય પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થળનો વિકાસ કરવા વર્ષોથી શ્રદ્ધાળુઓની માંગ હતી.

આ અંગે વણસોલના પચાંણભાઈ ધૂળિયાએ જણાવ્યું હતું કે, વડગામ અને પાલનપુર તાલુકાના જાગૃત લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરતા આખરે આ સ્થળને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ અંગે બનાસકાંઠાના તત્કાલીન કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન ટ્રસ્ટ તીર્થ કર્માવત સમિતિ દ્વારા ગ્રામ પંચાયત જલોત્રાને દરખાસ્ત કરીને ગ્રામ સભામાં આ સ્થળનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થાય અને વિવિધ વિકાસના કામો થાય તે માટે ભલામણ કરવામાં આવી હતી.

આ બાબતે વડગામ મામલતદાર, પાલનપુર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને સ્થાનિક આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી આ સ્થળના વિકાસ માટે અને ચાલવા માટે પગથિયા, સી.સી. રોડ, આરામ સ્થળ, લાઇટિંગ, પાણીનો બોર, રસ્તાઓ ઉપર આવતા નાાળાઓનું કામ સહિત વિકાસના કામો કરવા માટે રૂપિયા 54.72 કરોડની ગ્રાન્ટ ફાળવી આ સ્થળનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા માટે ગાંધીનગર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને પત્ર દ્વારા દરખાસ્ત કરી છે.

બીજી બાજુ ગુરુ ધૂંધળીનાથ પર્વત ઉપર આવતા શ્રદ્ધાળુઓને કાળઝાળ ગરમી વચ્ચે જાતે જ ઉપાડીને પાણી લઈ જવું પડતું હતું. આ અંગે જલોત્રાના ધીરજભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાણીની તકલીફ વેઠતા શ્રદ્ધાળુઓને જોઈ ગામના યુવાનોને વિચાર આવ્યો હતો કે, આપણે ઉપર પરબ બનાવીએ. વર્ષ 2017માં તેનો અમલ કરી પાંચ યુવકોએ પાણીની પરબ બનાવી હતી. જે પછી અન્ય સેવાભાવીઓની મદદથી પાઇપલાઇન મારફતે હાલ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

તળેટીથી પર્વતની ટોચ સુધી ચાર કિલોમીટરનું અંતર
ગુરુના ભોખરાની તળેટીમાં આશ્રમ આવેલો છે. જે શ્રદ્ધાળુઓને પર્વત ઉપર ન ચડવું હોય તે અહીંયા રહેતા હોય છે. આશ્રમમાં ભોજન પાણી સહિતની સુવિધાઓ છે. તળેટીથી પર્વતની ટોચ સુધી ચાર કિલોમીટરનું અંતર થાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post