બનાસકાંઠા (પાલનપુર)13 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે થોડા દિવસ પહેલા પોતાના વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોને લઈ સરકારનો આભાર માન્યો હતો. ત્યારથી જ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી કે ગેનીબહેન ઠાકોર હવે ભાજપમાં જોડાઈ જશે. પરંતુ, આજે એક કાર્યક્રમમાં ગેનીબહેન ઠાકોરે પોતાના વિશે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂુકતા કહ્યું હતું કે, રાજકારણમાં જ્યારે નહીં રહેવાનું થાય ત્યારે નહીં રહીએ પણ ભાજપમાં જવાની કોઈ વાત જ નથી.
વાવ,ભાભર અને સુઈગામ તાલુકા કૉંગ્રેસ સમિતિના સંકલ્પ સત્યાગ્રહ કાર્યક્રમમાં ગેનીબહેન ઠાકોર સહિત કૉંગ્રેસના હોદેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, મને ઘણા કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે હું લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જવાની છું. પરંતુ, હું કહેવા માંગુ છું કે, જ્યારે રાજકારણમાં નહીં રહેવાનું થાય ત્યારે નહીં રહીએ પણ ભાજપમાં ક્યારેય નહીં જોડાઉ.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગેનીબહેન ઠાકોરે એક કાર્યક્રમમાં પોતાના વિસ્તારમાં થયેલા વિકાસ કામોમાં મદદ કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો. ત્યારથી લઈ ગેનીબહેન ઠાકોરને લઈ અટકળો ચાલુ થઈ હતી. જો કે, આજે તેના દ્વારા નિવેદન આપી અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરાયો હતો.