અમદાવાદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં સ્વચ્છતા, ગેરકાયદેસર બાંધકામો અને એસ્ટેટ વિભાગની કામગીરીને લઇ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા અધિકારીઓનો ઉધડો લઈ લેવામાં આવ્યો હતો. આજે મળેલી રિવ્યુ બેઠકમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવે છે, તેમાં યોગ્ય કામગીરી ન થતા મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ પર ભડક્યા હતા. એક તબક્કે કમિશનરે અધિકારીઓને એવું કીધું હતું કે, હું જે ગુજરાતીમાં કહું છું કે તમને ખબર પડે છે? સ્વચ્છતા અભિયાનના અંતર્ગત કેટલાંક સ્થળોએ કેચપીટો પર કરવામાં આવતો પીળો કલર માત્ર બે કે ત્રણ દિવસમાં જ ઉડી જાય છે તો તમે કેવો કલર કરાવ્યો છે? તેવી કમિશનરે અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી હતી.
સ્વચ્છતા અભિયાનનું પ્રેઝન્ટેશન જોઈ નારાજગી દર્શાવી
શહેરમાં આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેન્દ્રની ટીમ જ્યારે શહેરની મુલાકાતે આવે ત્યારે તેઓ નિશ્ચિત જગ્યાઓની મુલાકાત લેવાના હોય છે ત્યારે આ વિસ્તારમાં યોગ્ય સફાઈ અને સ્વચ્છતા હોવી જોઈએ તેમજ કેચપીટની સફાઇ યોગ્ય હોવી જોઇએ. કેચપીટ પર યોગ્ય રીતે કલર થયેલો હોવો જોઇએ. જેને લઈ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ પાસે સ્વચ્છતા અભિયાન બાબતે પ્રેઝન્ટેશન જોતાં આંકડાઓ મામલે નારાજગી દર્શાવી હતી. જ્યારે શહેરના મહત્વના સ્થળે કેચપીટોની સફાઇ કે કેચપીટ પર લગાવેલા ઢાંકણા પર કલર જોવા મળ્યો ન હતો.
માત્ર બે કે ત્રણ દિવસમાં કલર જતો રહે છે
જે બાબતની કમિશનર દ્વારા નોંધ લેવામાં આવી હતી. તેમણે પુછ્યું હતું કે, આ કેચપીટો પર કલર કોણે કરાવ્યો ત્યારે અધિકારીઓ દ્વારા તે કામ ખાનગી એજન્સી મારફત થયું હોવાનું જણાવ્યું હતું. કલર લાંબો સમય ટકે તે માટે ટર્પેન્ટાઇનની માત્રા બાબતે પણ અધિકારીઓ ચર્ચા કરી હતી. જો કે, કમિશનરે પુછ્યું હતુંકે, તમે એવો કેવો કલર કરાવો છો કે, માત્ર બે કે ત્રણ દિવસમાં કલર જતો રહ્યો છે. તમામ કામ માત્ર ખાનગી એજન્સીઓ પાસે જ કેમ કરાવવામાં આવે છે? તમારે પણ કેટલાક કામો કરાવવા જોઇએ.
AMC કમિશનરે અધિકારીઓને નોટિસ ફટકારવાની સૂચના આપી
AMC દ્વારા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે અમલમાં મૂકાયેલ ઈમ્પેક્ટ ફી કાયદાને નબળો પ્રતિસાદ સાંપડ્યો હોવાને કારણે એસ્ટેટ અને ટીડીઓ વિભાગને ગેરકાયદે બાંધકામો તોડવા અને કડક અમલ કરવાની તાકીદ કરવામાં આવી છે. એસ્ટેટ ટીડીઓ વિભાગના ટીડીએ ચંદનસિંહ બિલવાલ અને મુકેશ પટેલ રાજીનામાં આપીને રજા પર ઉતરી ગયા હોવાની અને પોતાના ફોન પણ ‘સ્વિચ ઓફ’ કરી દેવાની બાબતને અત્યંત ગંભીર ગણીને AMC કમિશનર એમ. થેન્નારસને બંન્ને અધિકારીઓને નોટિસ ફટકારવાની સૂચના આપી છે. ફક્ત રાજીનામાં આપીને રજા પર ઉતરી ન શકાય, રાજીનામાં મંજૂર થયા પછી AMC કમિશનરને જાણ કર્યા પછી રજા પર ઉતરી શકાય, તેવું સૂત્રોએ જણાવ્યું છે.