કચ્છ (ભુજ )9 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રજાના રક્ષણ માટે કામ કરતી પોલીસ માટે આમ તો પોલીસ પ્રજાનો મિત્ર એવી યુક્તિ પ્રચલિત છે પરંતુ અંજારના એક ભંગાર વાળાના સંચાલક માટે ખુદ પોલીસ શત્રુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંજારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા ગની કુંભાર નામના સંચાલકે આજે પોલીસની પૈસા પડાવવા માટેની પજવણીથી કંટાળી ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પીડિત સંચાલકને પ્રથમ અંજારની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની સરકારી જીકે જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક સ્તરે હોવાનું જાણવા મળ્યું છે. પીડિત દ્વારા પોલીસ અધિકારી અને જામદારના નામ સાથે એક સ્યુસાઇડ નોટ પણ લખવામાં આવી છે.

અંજારના ગની કભાર દ્વારા લાખાયેલી સ્યુસાઈડ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અંજાર પીઆઇ સિસોદિયા અને સાથેના જમાદાર દ્વારા ભંગારનો વાળો ચલાવવા ધમકીઓ આપી અલગ અલગ રીતે ત્રણેક વખત કુલ 70 હજાર જેટલી રોકડ પડાવવામાં આવી છે. તેમજ વધુ 35 હજાર રૂપિયાની માગ કરી, ખોટા પોલીસ કેશમાં ફિટ કરી, લાપતા કરી દેવા સહિતની ફરિયાદ લખવામાં આવી છે. બપોરના અંદાજિત 12.30ના અરસામાં બનેલી ઘટના બાદ પીડિતને અંજારની હોસ્પિટલમાં સારવાર અપાવ્યાં બાદ વધુ સારવારની જરૂર જણાતા ભુજની જીકે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં છે.
આ અંગે કચ્છ કુંભાર સમાજના પ્રમુખ રફીક મારાએ જણાવ્યું હતું કે, બપોરના 2 વાગ્યાથી ભુજની જીકે હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે. જ્યાં તબીબોએ દર્દીની હાલત વિશે 24 કલાક રાહ જોવાનું કહ્યું છે. આગળ તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, આ મામલે પોલીસ વિભાગ તરફથી સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માત્ર પ્રાથમિક નોંધ કરી હજુ સુધી અંજાર પોલીસ ફરિયાદ લીધી નથી. પીડિતને ન્યાય મળે તે માટે પોલીસ વિભાગ તટસ્થ કામગીરી હાથ ધરે તેવી માગ તેમણે કરી હતી. અલબત્ત પોલીસ દબાણ હેઠળ ભંગારના સંચાલકે આત્મહત્યાની કોશિશ કરતા સમગ્ર મામલો હાલ કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.