- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- In Gora Village Of Garudeshwar, The District Administration Is Ready, The Preparations For The Fair Have Been Finalized So That The Fair Goers Do Not Face Any Problem.
નર્મદા (રાજપીપળા)4 મિનિટ પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત શુરપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આજથી શરૂ થયેલો ભાતીગળ મેળો તા. 20મી એપ્રિલ સુધી યોજાનાર છે. આ પરંપરાગત ધાર્મિક મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના વિસ્તારોમાંથી અંદાજે એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અને ભક્તો શ્રી શૂલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારે તેવી શક્યતાઓને ધ્યાને લઈને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 11 સમિતિઓની રચના કરી વિવિધ કામગીરી સોંપવામા આવી છે.

હાલમાં ચૈત્ર માસ નિમિત્તે મા નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા પણ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તેમજ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પ્રવાસીઓનો પણ સતત ધસારો ચાલુ રહેતો હોવાથી મેળામાં શુરપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે અંદાજે એક લાખની આસપાસ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને ઉક્ત બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

જેમ કે કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગના સ્થળે સાઈનેજીસ મૂકવા- હેલ્પડેસ્કની રચના કરવી, વાહન વ્યવહારમાં અડચણ ન થાય તેની કાળજી રાખી રૂટ ડાયવર્ઝન, મેળાના દિવસો દરમિયાન ઓથોરિટીની બસોના રૂટ નક્કી કરવા, એસટી વિભાગ દ્વારા વધારાના જરૂરી બસ રૂટની ફાળવણી, સ્ટોલની ફાળવણી, મેળાના સ્થળે અને મંદિર પરિસરની સાફ સફાઈ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નર્મદા ઘાટ ખાતે સ્નાન અર્થે આવતા શ્રદ્ધાળુઓ ઉંડા પાણીમાં ન જાય તે માટે બેરિકેટિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઈટીંગ વ્યવસ્થા તેમજ નદીમાં મગરમચ્છ પણ હોવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેતી-સલામતી તથા તરવૈયાઓની ટીમ સ્ટેન્ડબાય રાખવા, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મંદિરમાં આવતા લોકો માટે સેનિટેશન માટેની સુવિધા તેમજ દર્શનાર્થીઓને પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય તે જોવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યું હતું.

હાલમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દર્શનાર્થે આવતા ભાવિકો સવારના સમયે તથા સાંજે આવે. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો બપોરના 12થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખે તેવો જાહેર અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને શુરપાણેશ્વર મેળામાં આવતા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. મેળાના આગોતરા આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકો શાંતિપૂર્ણ રીતે મેળાને માણે અને મહાલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
