અરવલ્લી (મોડાસા)3 કલાક પહેલા
- કૉપી લિંક
કોઈપણ ગામડું કે શહેર હોય, ગામ કે નગરમાં ગંદકી ના ફેંલાય તે માટે ગટર લાઇન બનાવવામાં આવે છે અને ગટરોમાં સાફ સફાઈ રાખવીએ તંત્રની જવાબદારી હોય છે. ત્યારે મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં તંત્રની બેદરકરીના કારણે ગટરના ગંદા પાણી ત્રણ દિવસથી સોસાયટીના રહીશોના મકાન પાસે ફેલાઈ રહ્યા છે.
મોડાસાના મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટી સાયરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી છે. લગભગ 200 કરતા વધારે મકાનો આવેલા છે. આટલી મોટી વસ્તી વાડા વિસ્તારમાં ગંદકી અટકાવવા ગટર લાઇન કરવી પડે એ સ્વાભાવિક છે, પરંતુ સમયાંતરે આ ગટરલાઈનની સાફ સફાઈ કરવી એ પણ તંત્રની જવાબદારી હોય છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ દરેક ગ્રામ પંચાયતોમાં નિભાવ ગ્રાન્ટ ફળવાતી હોય છે. ત્યારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલી દ્વારકપુરી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીને લઈ ખૂબ જ પરેશાન છે. આ બાબતે ગ્રામ પંચાયત સત્તાધીશોને અનેક વખત જાણ કરી છે. છતાં તંત્રના પેટ નું પાણી હલતું નથી અને રહીશોની મુશ્કેલીઓ વધતી ગઈ છે.
દ્વારકાપુરી સોસાયટી વિસ્તારમાં વસ્તી પ્રમાણે નિયમિત સફાઈ હાથ ધરાતી નથી. એક તરફ ઉનાળાની આગ દઝાડતી ગરમી, બીજી તરફ દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી આખી સોસાયટીમાં ફેલાયેલું છે. જેના કારણે રહીશોના મકાન આગળ જ ગંદા પાણીની નદીઓ ભરાઈ છે અને રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે. ત્યારે દ્વારકાપુરી સોસાયટીની ગટરની યોગ્ય સફાઈ થાય એવી સ્થાનિક રહીશોની માગ છે.