શહેરાવથી તિલકવાડા જવા માટે નર્મદા નદી પરના કાચા પુલને સૈદ્ધાંતિક મંજૂરી; જનતામાં ખુશીનો માહોલ | In-principle approval of Kacha bridge over Narmada River from Shehrao to Tilakwara; People are happy | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી નર્મદા ઉત્તરવાહિની પંચકોશીય પરિક્રમા અર્થે સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. જૂદા જૂદા વિસ્તારોમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભાવ સાથે નદીમાં સ્નાન કરી પરિક્રમાં પૂર્ણ કરી શકે તેવા ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની આગેવાનીમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી નર્મદા નદી પાર કરી શકે તે માટે હોડીઘાટ ખાતે બોટનું સંચાલન પણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ શ્રદ્ધાળુઓ ચાલીને નર્મદા નદી પાર કરી શકે તેવા ભાવ સાથે જિલ્લા સંગઠન અને સ્થાનિક આગેવાનો દ્વારા હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવા માટે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેનો જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યની સંવેદનશીલ સરકાર એ હકારાત્મક પ્રતિસાદ આપતા સ્વખર્ચે હંગામી બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી પંશકોષીય પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓનો સુખદ અંત આણ્યો છે.

નર્મદા જિલ્લા સંગઠન દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર-નર્મદાને પત્ર લખી શહેરાવથી તિલકવાડા જવા માટે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે કામ ચલાઉ પાઈપ નાળા મુકી નર્મદા નદીના આ કાંઠેથી સામે કાંઠે જવા માટે કાચો પુલ સ્વખર્ચે બનાવવા માટે મંજૂરી આપવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ એ રાજ્યકક્ષાએ નર્મદા જળ સંપત્તિ વિભાગને ભલામણ કરતા અધિક ઈજનેર વડોદરા સિંચાઈ વર્તુળ અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ યોજના વિભાગ-રાજપીપલાના પત્રને ધ્યાને લઈ સરકારના નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે કાચો પુલ સ્વખર્ચે બનાવવા માટે શરતોને આધિન રહી સૈદ્ધાંતિક મંજૂરી આપતા સ્થાનિક આગેવાનો અને પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ પણ સરકાર પ્રત્યે આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ચૈત્ર માસમાં એક મહિના સુધી ચાલતી આ ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન ખાસ કરીને જાહેર રજાઓ, રવિવાર તેમજ તહેવારના દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમા અર્થે આવતા હોય છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર હંમેશાં ખડેપગે રહી પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સતત કાળજી લઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ત્યારે રજાના દિવસોમાં આવતા વધુ શ્રદ્ધાળુઓને પહોંચી વળવા અને હોડી તેમજ કાચા પુલની જરૂરિયાતને ધ્યાને લઈ કાચો પુલ બનાવવાની મળેલી સૈદ્ધાંતિક મંજૂરીથી હવે શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ નહીં પડે. હાલમાં શહેરાવ અને રેંગણ ઘાટ ખાતે રાઉન્ડ-ધી ક્લોક જરૂરિયાત મુજબની હોડી ચલાવવામાં આવી રહી છે. પરંતુ શ્રદ્ધાળુઓની સુવિધામાં વધુ એક વધારો થવાથી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ પોતાની પરિક્રમા શાંતિપૂર્ણ રીતે વિના વિધ્ને પૂર્ણ કરી શકશે તેવી સુગમતા ઉપલબ્ધ બનવા જઈ રહી છે. તેનાથી જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post