- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- A Long Wait With Ever increasing Majesty Of Flag hoisting At Dwarkadhish’s Temple; Learn About The Ancient Belief About The Fifty two Yard Flagging
દ્વારકા ખંભાળિયા12 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગોમતી નદીના સાંનિધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી તેમની કર્મભૂમિ ગણાતી દ્વારકા નગરીમાં દ્વારકાધીશ મંદિર પર ફરકતી બાવન ગજની ધ્વજા અને તેને દરરોજ પાંચ વખત બદલાવવાના પ્રસંગે, ધ્વજા ચઢાવનાર ભક્તજનો માટે તેના જીવનનો ધન્ય અને અવિસ્મરણીય પ્રસંગ બની રહેતો હોય છે. જગત મંદિર શિખર ઉપર ધ્વજારોહણ એ ભાવિકો માટે શ્રધ્ધા, આસ્થા અને ભક્તિના પ્રતિક સમા ધ્વજારોહણનું મહાત્મ્ય દિન-પ્રતિદિન વધતું રહ્યું છે. વર્તમાનમાં કોરોનાની વિદાય બાદ ધ્વજાજી આરોહણનું વિશેષ મહાત્મ્ય વધ્યું છે. 150 ફુટની ઊંચાઈ અને સાત મજલાના મંદિર શિખર દરરોજ સવારે ત્રણ તથા સાંજે બે એમ કુલ પાંચ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે. જેનું 2024 સુધીનું બુકીંગ વર્ષો પૂર્વે કરાયેલું હતું. આગામી સમયમાં આવતાં દાયકા માટે ધ્વજાજીનું બુકીંગ ખૂલનાર છે. પાંચ પૈકી માત્ર એક ધ્વજાજીનું તત્કાલ બુકીંગ થતું હોય તેમાં પણ રોજ રોજ ગુગળી જ્ઞાતિ સમાજ સાનુકુળતાથી રોજિંદો વહીવટ ચલાવીને યજમાનોને સંતોષ આપવાનો પ્રયત્ન કરી રહી છે.
દરેક શુભકાર્યે ધ્વજાજી આરોહણથી વધતી જતી મહત્તા
કોરોનાની વિદાય બાદ તો દ્વારકાધીશજીના ધ્વજાજી આરોહણનું એટલું મહત્ત્વ વધ્યું છે કે, દેશનો પ્રત્યેક ભાવિક ભક્ત તેમના પરિવારના જન્મદિન, લગ્ન તિથિ, રહેણાંકના ફાઉન્ડેશન, વાણિજ્ય વેપારના નૂતન કાર્યો જેવા અનેક પ્રસંગોમાં ધ્વજાજીનું આરોહણ કરવા દ્વારકા આવે છે. તો બીજી તરફ પરિવારમાંથી ડોક્ટર, એન્જીનીયર અને સારા પદ પર નોકરી મેળવનાર વ્યક્તિ પણ શ્રધ્ધાભાવ સાથે દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજાજી આરોહણ કરવા અને દ્વારકાધીશના ચરણમાં મસ્તક નમાવવા આવી પહોંચે છે. શાસ્ત્રોક્ત વિધાન મુજબ ગોમતી નદીના સંલગ્નમાં આવેલા દ્વારકાધીશ મંદિર વાસ્તુશાસ્ત્રના શ્રીયંત્ર ઉપર ઊભેલું છે. જેમાં નક્ષત્ર, ગ્રહ, દિશા, સુરજ અને ચંદ્રની સાથે જ શિખર ઉપરના ધ્વજાજીનું પણ વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે વર્ષો પૂર્વે ધ્વજાજી જીર્ણશીર્ણ થઈ જતાં ત્યારે લાંબા સમય સુધી ધ્વજાજી આરોહણ માટે કોઈ યજમાન ન મળ્યે ગુગળી જ્ઞાતિ અથવા તો દ્વારકાના જ કોઈ વૈષ્ણવની મદદથી નૂતન ધ્વજાજીનું આહોરણ થતું જ્યારે આજે તો અનેક ભાવિકો દર માસની પૂનમ, અગિયારસ, અમાસ જેવી તિથિમાં કાયમી ધોરણે ધ્વજાજીનું આહોરણ કરાવતાં હોય છે.
બાવન ગજની ધ્વજાજી અંગે પ્રાચીન માન્યતા
પ્રાચીન માન્યતા મુજબ શ્રીજીની ધ્વજાજીમાં બાવન પ્રકારના યાદવોની એક-એક ગજની ધ્વજા મળીને દ્વારકા પર શાસન કરનાર યાદવોની સ્મૃતિરૂપ છે. ભોજ, વિષ્ણુ, અંધક અને આત્વત, દાશાર્હ કુળમાંથી તેર-તેર યાદવોને તેના કૌશલ્ય મુજબ દ્વારકાનું શાસન સુપ્રત કરાયેલું, અને દરેકના નિવાસ સ્થાને તેનાં કાર્યભાર મુજબની નિશાનીવાળી ધ્વજાજી ફરતી રખાતી, જેનું નિરીક્ષણ સ્વયં શ્રીકૃષ્ણ કરતા રહેતા. આ શાસકોને સંરક્ષણ, શિક્ષણ, મનોરંજન, ધર્મ વગેરે વિભાગો સોંપાયા હતા. શ્રીકૃષ્ણની વહીવટી કુશળતાની પ્રતીતિ આ ધ્વજાજીનાં બાવન ગજનાં માપથી આપણને કાયમ થતી રહે છે. ધ્વજાજીમાં રહેલા ચંદ્ર અને સૂર્યનાં પ્રતિકો શ્રીજીની સ્વયંની પ્રતીતિ કરાવે છે. ચતુર્ભુજ સ્વરૂપ સંકષર્ણ, શ્રીકૃષ્ણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધજીનાં દર્શન કરી, તેની ધ્વજાજીના દર્શન કરી ભકતજનોને, ભવ્ય અને ગૌરવશાળી રાજધાની દ્વારકા અને તેમાં બિરાજતા શ્રીકૃષ્ણની ઝાંખી થાય છે અને ભક્તજનો ધન્યતા અનુભવે છે.
હરિવંશમાં થયેલાં ઉલ્લેખ મુજબ દ્વારકામાં આવાગમન માટે પચાસ દરવાજાઓની રચના કરવામાં આવી હતી. પ્રત્યેક દરવાજે સંકેતાત્મક ધ્વજા ફરકાવવામાં આવી હતી. તે ઉપરાંત શ્રી દ્વારકાધીશજીનાં મહેલમાં પ્રવેશવા માટે બે ધ્વજાજી હતી, જે સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર નામના બન્ને દરવાજાઓ પર ફરતી રહેતી, જેનાં એકત્રિત સ્વરૂપે આ ધ્વજાજી બાવન ગજની થઈ હોવી જોઈએ, તેવી પણ એક માન્યતા પ્રચલિત છે.
ધ્વજાજીના માપ અંગે ઘણી માન્યતાઓ અને દંતકથાઓ પ્રવર્તતી હોવા છતાં શ્રદ્ધાળુઓ પોતાને જે માન્યતા શ્રદ્ધેય જણાય, તે સ્વિકારી લે છે. તો કેટલાક શ્રદ્ધાળુઓ ભક્તિ અને શ્રદ્ધાને શ્રેષ્ઠ ગણાવીને તમામ માન્યતાઓને સાદર કરે છે. ધ્વજાજી પ્રત્યેની શ્રદ્ધા અને દરરોજ પાંચ વખત ધ્વજાજી બદલાવવાની પ્રક્રિયા દ્વારકાની એક વિશેષતા છે. આ ધ્વજા મીટરના માપ પ્રમાણે 40 મીટર થાય છે. જ્યારે બની જાય ત્યારે તેની લંબાઈ 25 મીટરની રહે છે.
ધ્વજાજીનો રંગ
શ્રી દ્વારકાધીશજીનાં મંદિર પર મેઘધનુષ્યનાં રંગો પૈકીનાં કોઈપણ રંગની ધ્વજાજી ચઢાવવાની ઉત્તમ ગણાય છે. લાલ રંગ શક્તિ, ઉત્સાહ, પરાક્રમ, સંપત્તિ અને સમૃદ્ધિનો પ્રતિક છે. પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને વિવેકનું પ્રતિક છે. તો ભુરો એટલે કે નીલ રંગ આકાશ, નદીઓ અને બાળ-પૌરૂષને ઊજાગર કરે છે. સફેદ રંગ પવિત્રતા, શુદ્ધતા, વિદ્યા, શાંતિ અને નૈતિક સ્વચ્છતાનું પ્રતિક છે. કેસરી રંગ શૂરવીરતા, સાહસિકતા, નિડરતા, પ્રગતિશીલતા, પૌરૂષનું પ્રતિક છે. ગુલાબી રંગ પ્રફુલ્લિતતા, આનંદ અને કોમળતાનું પ્રતિક છે. ભક્તજનો આ પૈકી પોતાની પસંદનો કોઈપણ રંગ પસંદ કરીને તેના ધ્વજાજી સિવડાવી શકે છે. શ્રીકૃષ્ણ વિષ્ણુનાં અવતાર હતા. વિશ્વને રોશનીમય કરતા સૂર્ય અને ચંદ્ર જેવા પ્રાકૃતિક ચિન્હોને ધ્વજાજીમાં અંકિત કરીને સમગ્ર સૃષ્ટિની વંદના કરવાનો ભાવ રહેલો છે. તદુપરાંત સૂર્યવંશી અને ચંદ્રવંશ જેવા ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના અવતારોને દ્રષ્ટિમાન કરવાની ભાવના પણ પ્રગટ થાય છે.
ધ્વજાજીને લગતી રામજી ભગતની ચમત્કારિક કથા
દ્વારકામાં બાવન ગજની ધ્વજાજી વિશે વિવિધ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. તે પૈકી રામજી ભગતની કથામાં પણ સંદર્ભો જુદી-જુદી જગ્યાએથી મળતા રહે છે. સને 1890માં એક દિવસ દ્વારકાનાં જગત મંદિરના શિખર પર રામનામનો જપ કરતો ભક્ત ધ્વજાજીનાં દંડને સ્પર્શીને ઊભેલો સૌએ જોયો. આ ભક્ત રામજી ભગત હતા. રામજી ભગતે નીચે ઉતરવા માટે ગુગ્ગળી જ્ઞાતિની નાત જમાડીને કોઈ ધ્વજાજી ચડાવે તો જ ઉતરવાની શરત રાખી. મહાજનોએ એ શરત સ્વિકારતાં એ નીચે તો ઉતર્યો પણ વારંવાર આ ઘટના ફરી બનવા લાગી.
ચોકીદારોનો સખ્ત પહેરો અને ચોકસાઈ છતાં રામજી ભગત કોઈ દૈવી શક્તિથી ઉપર ચડી જતાં અને તેને ઉતારવા ફનું શેઠ નામના વેપારી ધ્વજા ચઢાવવાનું કબૂલ કરતાં. આમ વારંવાર બનનારી આ ઘટનાથી લોકોને શંકા જાગી કે કદાચ ગુગ્ગળી બ્રાહ્મણ જ આ રીતે ભગતને ચડાવી દેતા હશે. પરંતુ રામજી ભગતની બંને આંખો જતી રહેતા સુરદાસ થઈ ગયા તે પછી ચોકીદાર સિવાયની અન્ય વ્યક્તિઓની ચોકસાઈ છતાં સુરદાસ હોવા છતાં રામજી ભગત શિખર પર ચડી જતાં હતા ને ફનું શેઠનાં વચને ઉતરતા હતા. તે પછી ફનું શેઠ ધામધૂમથી ધ્વજાજી ચઢાવતા હતા. ફનું શેઠને પણ આ સેવા ફળી હતી અને તેમનાં ઘેર પુત્રનું પારણું બંધાયું. દ્વારકાનાથજીનું સ્મરણ થતું રહે તે હેતુથી પુત્રનું નામ દ્વારકાદાસ રખાયું. વર્ષો પછી આ દ્વારકાદાસ મુંબઈમાં સ્થાયી થયા અને કાપડ બજારમાં વેપાર કરતા હતા. આજે પણ દ્વારકાદાસનો પરિવાર મુંબઈમાં રહે છે.
ધ્વજાજીને લગતી રામજી ભગતની અન્ય કથાઓ
રામજી ભગત વિશે કહેવાય છે કે, અન્ય મંદિરોનાં પ્રચલિત સંતોએ રામજી ભગતને તેઓની પાણીદાર ઘોડી લઈને દ્વારકાથી 30 કી.મી. દૂર કુરંગા અને ચરકલાની સીમમાં મૂકી આવતા હતા અને પાછા આવે તો રામજી ભગત મંદિરના શિખર પર રામનામની માળા કરતા દ્રશ્યમાન થતાં હતા. આવું વારંવાર કરવા છતાં રામજી ભગત પરત આવી જતાં તે વેળાએ વાહન-વ્યવહાર આટલો ગતિમાન ન હતો અને અશક્ય માની શકાય તે રીતે દિવ્ય શક્તિની મદદથી રામજી ભગત પાછા આવી જતા. આથી ધ્વજાજી ચઢાવવાનો મહિમાં વધુ સારી રીતે વધ્યો તેવું મનાય છે. આજે પણ રોજ પાંચ (5) ધ્વજાઓ નિયમિત રીતે શ્રદ્ધાળુઓ અને ભક્તો ચઢાવી રહ્યા છે.
ધ્વજાજીની પૂજનવિધિ અને અબોટી બ્રાહ્મણના ત્રિવેદી પરિવાર દ્વારા ધ્વજારોહણ
શ્રી દ્વારકાધીશજીની ધ્વજાજીનું અલૌકિક સ્વરૂપ દિવ્ય અને ભવ્ય છે. બ્રાહ્મણો પૂજાવિધિમાં બેસનાર સૌ કોઈને તિલક કરે છે અને વૈદિક વિધિથી પૂજન કરાવાય છે. તે પછી ધ્વજાજી ચઢાવવાના અધિકારી અબોટી બ્રાહ્મણના ત્રિવેદી પરિવાર દ્વારા સાત માળ ઊંચા મંદિરનાં શિખર પર જઈને ધ્વજાજી બદલાવાય છે. બ્રાહ્મણો દ્વારા ધ્વજાજી બદલાવી, નવી ધ્વજાજી ચઢાવીને ત્યાંથી જ શ્રીફળ નીચે ગબડાવી વધેરવામાં આવે છે જેની ભક્તો પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે. વર્ષે અઢારસોથી વધારે જેટલી ધ્વજા ચઢે છે. સોનાની ધ્વજા પણ ભક્તોએ ચઢાવી છે.
સામાન્ય રીતે દરરોજ પાંચ ધ્વજા બદલે છે. સવારે અને બપોરે ત્રણ અને ચોથી અને પાંચમી ધ્વજાજી સાંજે બદલે છે. હરિભક્તો દ્વારા વિશિષ્ટ અને આકર્ષક રીતે ધ્વજાજી શીવડાવાય છે. દ્વારકા વિસ્તારમાં કેટલાક દરજીઓ સુંદર ધ્વજાજી બનાવી આપે છે અને તેના નિષ્ણાંત છે. થોડા સમય પહેલાં એક ભક્તે સોનાની તથા અન્ય એક ભક્ત દ્વારા ચાંદીની ધ્વજા પણ ચઢાવવામાં આવી હતી. ધ્વજાજીની સંખ્યા, દર વર્ષે અંદાજે 1800થી વધારે રહે છે. 1965નાં યુદ્ધમાં પાકિસ્તાને કરેલી બોમ્બ વર્ષામાં દ્વારકાનો બચાવ થયેલો, તે દિવસ એટલે કે વામન યંતિના દિને ગુગ્ગળી બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ થાય છે. જેમાં 505 સમસ્ત ગુગ્ગળી બ્રાહ્મણ પરિવાર ઉત્સાહભેર ભાગ લે છે.
ધ્વજારોહણ શોભાયાત્રા-સમૂહ પ્રસાદી અને દાન-દક્ષિણાનું મહાત્મ્ય
ધ્વજાજીની પૂજનવિધિ પછી ધ્વજા ચઢાવનાર પરિવાર અને તેના આમંત્રિતો ઢોલ-શરણાઈ કે બેન્ડ સાથે નાચતા-કૂદતા ભાવવિભોર અને આનંદવિભોર બનીને ભગવાન શ્રીકૃષ્ણના ગીતો ગાતા-ગાતા દ્વારકાના રાજમાર્ગો પર ફરે છે. આ રોજિંદી ઘટના દ્વારકા માટે ધબકતાં હૃદય સમાન છે અને આ શોભાયાત્રા દ્વારકા શહેરનાં શરીરમાં જાણે રૂધિરાભિસરણ થતું હોય તેવું મહત્ત્વ ધરાવે છે. ધ્વજારોહણ બાદ પરિવારજનો અને આમંત્રિતો દ્વારા સમૂહ પ્રસાદ લેવાય છે. તે પછી ભક્તિ-સંગીત કે ધૂનનાં કાર્યક્રમો યોજાય છે. આ ભાવભર્યા પ્રસંગોએ ભકતજનો ભાવવિભોર બની જાય છે અને જીવનમાં કંઈક ઉત્તમ કાર્ય કર્યાની ધન્યતા અનુભવે છે.
ધ્વજારોહણ નિમિત્તે ભક્તો યથાશક્તિ દાન-દક્ષિણા આપે છે. દ્વારકામાં રહેતા ગુગ્ગળી બ્રાહ્મણોમાં બ્રહ્મભોજનના વિકલ્પે નિયત કરાયેલ અનાજ કે રોકડ દક્ષિણા અપાય છે. તે ઉપરાંત ભક્તો યથાશક્તિ ગરીબો અને જરૂીરયાતમંદોને દાન કરે છે અને ગુગ્ગળી બ્રાહ્મણો, અબોટી બ્રાહ્મણોને નિયત દક્ષિણા અને અન્ય બ્રાહ્મણોને દક્ષિણા, ગાયોને ઘાસચારો અને અન્ય દાનપૂણ્ય કરીને ધન્યતા અનુભવે છે. આમ, દ્વારકામાં ધ્વજારોહણનો પ્રસંગ ભક્તો માટે જીવનની ધન્યતા અને ઈશ્વર પ્રત્યે નિષ્ઠાનો આત્મીય અને આધ્યાત્મિક પ્રસંગ બને છે. ધ્વજારોહણ માટેનું બુકીંગ ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિની કચેરી ઉપર થઈ શકે છે.