મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન અંગેની બેઠક યોજાઇ | Mahisagar District Collector Bhavin Pandya presided over pre-monsoon meeting | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા સુચન કર્યા તેમજ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં કલેક્ટરે લગત વિભાગોને કડાણા, પાનમ, ભાદર ડેમમાંથી પાણી છોડતા અસર પામતા ગામોની યાદી અધતન કરવી તથા ડેમમાંથી પાણી છોડતા પૂર્વે ચોક્કસ સમય પહેલા જાણ કરવી, તમામ ડેમ તથા કેનાલના ગેટોની ચકાસણી કરવી, નડતરરૂપ ઝાડ કાપવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવી, જરૂરી સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા વગેરે બાબતે સૂચન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં કલેક્ટરે પાણીનો પ્રવાહ વધે, ડેમ ઓવરફ્લો થાય કે પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા, અધિક નિવાસી કલેક્ટર, આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

أحدث أقدم