જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર શહેરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા દંપતીના ઘરમાં એક શખ્સ રાત્રિના સમયે ઘૂસી જઈ છરાથી મહિલાની હત્યા નિપજાવવાના ઈરાદે જીવલેણ ઘા કર્યો હતો. તેમજ મહિલાના પતિ સાથે ઝપાઝપી કરી છરાના ઘા ઝીંકયા હતાં. હુમલો અને હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં સિધ્ધાર્થનગર શેરી નં.4 માં એરફોર્સ રોડ બાવરીવાસ પાછળની શેરીમાં રહેતાં દેપાળભાઈ સોમાભાઈ મકવાણા નામના મજૂરી કામ કરતા યુવાનના ઘરમાં તેના જ વિસ્તારમાં રહેતો કાનો ઉર્ફે ભયો પરમાર નામનો શખ્સ ઘૂસી આવ્યો હતો અને કાનાએ દેપાળભાઈની પત્ની હિનાબેનની હત્યા કરવાના ઈરાદે છાતીના ભાગે છરા વડે હુમલો કરતાં મહિલા લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી.
પત્નીને બચાવવા વચ્ચે પડેલા પતિ દેપાળભાઈ સાથે ઝપાઝપી કરી કાનાએ છરા વડે છાતીમાં હુમલો કર્યો હતો. દંપતી ઉપર હુમલો કરી કાનો નાશી ગયો હતો. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં ઘવાયેલા દંપતીની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીઆઈ પી.એલ.વાઘેલા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત દેપાળભાઈ મકવાણાના નિવેદનના આધારે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પત્ની હિનાબેનની હત્યાનો પ્રયાસ અને પતિ ઉપર હુમલો કર્યાનો ગુનો નોંધી હુમલાખોરની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉલ્લેખનીય બાબત એ છે કે, દંપતીના ઘરમાં ઘુસી કાના નામના શખ્સ મહિલા ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જો કે, હુમલો કરનાર શખ્સ બેફોફ ઘરમાં ઘૂસી દંપતી ઉપર કરેલા હુમલાના કારણે વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.